Aapnu Gujarat
ગુજરાત

સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર લાયન પ્રોજેક્ટ આવશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં થોડા દિવસ પહેલાં જ રજૂ થયેલા કેગના અહેવાલમાં એશિયન સિંહોના સંરક્ષણ અને તેના સંવર્ધન મામલે ગુજરાત સરકારની બહુ મોટી નિષ્ફળતા મામલે સામે ચોંકાવનારા ઘટસ્ફોટ બાદ ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કારણ કે, દેશભરમાં ગીર અને ગુજરાત જ એશિયન સિંહોનું બહુ મહત્વનું કેન્દ્રસ્થાન છે. કેગના અહેવાલ બાદ મચેલા ખળભળાટ બાદ રૂપાણી સરકાર સફાળી જાગી છે અને હરકતમાં આવી છે. રાજયમાં સિંહોના રક્ષણ, જાળવણી અને સંવર્ધન માટે હવે રાજય સરકાર દ્વારા હાથ ધરાશે પ્રોજેકટ લાયન. જે અંતર્ગત સિંહોને બચાવવા અને તેમના રક્ષણ માટે ગેરકાયદે સિંહદર્શન પર રોક લગાવવામાં આવશે. ગીર અભયારણ્યની આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમ જ રહેણાંક વિસ્તારોમાં આવેલા કૂવાઓની ફરતે પેરાફીટ લગાવવામાં આવશે. તો, સિંહોના લોકેશન અને તેમની પર વોચ રાખવા માટે ૨૫૦ જેટલા ટ્રેકર્સની પણ નિમણૂંક કરવામાં આવશે. આ સિવાય સ્થાનિક ગ્રામજનો અને જાગૃત પર્યાવરણ પ્રેમી ગ્રામમિત્રોની મદદથી ઉપરોકત સમગ્ર વિસ્તારમાં સિંહોના રક્ષણ અને બચાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે. કેગના રિપોર્ટની ગંભીરતા ધ્યાને લઇ રાજયના વન્ય અને પર્યાવરણ વિભાગ અને સંબંધિત ખાતાઓના અધિકારીઓ અને સચિવો સાથે સરકારના સત્તાધીશોએ મહત્વની બેઠક યોજી પ્રોજેકટ લાયન વિશે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરી હતી અને તેની અમલવારી અંગેની રૂપરેખા પણ ઘડી કાઢી હતી. આગામી દિવસોમાં હવે તેના અમલીકરણની દિશામાં સરકાર આયોજન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સિંહોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં રેલવે ટ્રેકની આસપાસ ફરતાં સિંહોને રોકવામાં અને ટેકનોલોજીની અસરકારક અમલવારીને લઇ સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કેગના અહેવાલમાં થયો હતો. કેગના અહેવાલમાં જણાવાયું હતુ કે, એશિયન સિંહોના સંરક્ષણ માટે આધુનિક ટેક્નોલોજી દાખલ કરવી એ ગીર રક્ષિત વિસ્તારના વ્યવસ્થાપન આયોજનનો એક ભાગ હતો. માર્ચ ૨૦૦૭માં સાત સિંહોના શિકાર પછી વન અને પર્યાવરણ વિભાગ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય એ માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગની શક્યતા તપાસવા માટે એક ટાસ્ક ફોર્સની રચના મે, ૨૦૦૭માં કરી હતી. આ ફોર્સમાં કેટલીક સહાયો આપવામાં આવી નથી અને કેટલીક યોજનામાં જે તે કંપની ખાતે કરાર રદ કરવામાં આવ્યા છે. ફોરેન્સીક મોબાઈલ યુનિટની ખરીદી પાછળ પણ નિરર્થક ખર્ચ કરાયો છે. એટલું જ નહી, સિંહોને રેલવે લાઇન સુધી ન પહોંચવા દેવા માટે રેલવે લાઇનની બન્ને તરફ ફેન્સીંગની તારની વાડ લગાવવામાં આવી હતી. જેનો ખર્ચ રૂ.૨૫.૩૫ કરોડ કરાયો હોવાનું પણ કેગના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું. જો કે, કેગે એવી નોંધ પણ કરી હતી કે નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ અમરેલી અને રાજકોટના અગ્રમુખ્ય વન સંરક્ષકને સપ્ટેમ્બર-૨૦૧૬માં જણાવ્યું હતું કે, સિંહોને રેલવે લાઇન પર જતાં રોકવામાં માટે વન વિભાગે તારની વાડ નાખી હતી તેમ છતાંય સિહો આ વાડ પાર કરીને ૮ વખત રેલવે લાઇન પર પહોંચી ગયા હતા, જેથી સરકારની મોટી નિષ્ફળતા જોવા મળી છે. આમ, રેલવે લાઈનો પર સિંહોની અવરજવર સરકાર રોકવામાં નિષ્ફળ સાબિત થઈ હોવાનું કેગના અહેવાલમાં સામે આવ્યું હતું. અગ્રમુખ્ય વન સંરક્ષક દ્વારા તજજ્ઞોની બનાવાયેલી સમિતિમાં જીપીએસ, સાયરન ફેન્સિંગ કેમેરા, એન્જીન ડ્રાઇવરો માટે એસએમએસ એલર્ટ વગેરે સુવિદ્યાઓનો ઉપયોગ કરવાની ભલામણો કરી હતી. તેમ છતાંય આ ટેક્નોલોજીના અમલ માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આગળના કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહી હોવાનું જણાયું હતું. રાજયમાં છેલ્લા બે વર્ષમાં ગીરના જંગલમાં ૧૮૪ સિંહોના મોત થયા હોવાની ચોંકાવનારી વાત પણ સામે આવતાં સરકાર આ મુદ્દે ઘેરાઇ હતી.

Related posts

હિટ એન્ડ રનના બનાવમાં બાઇક ચાલકનું મોત

aapnugujarat

સિદ્ધપુર બિંદુ સરોવરમાં અગવડો વચ્ચે ચૈત્ર માસ માં પ્રથમ દિવસે 45 શ્રાદ્ધવિધિ

aapnugujarat

બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ૨૧મીએ ચૂંટણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1