હાલ અસહ્ય તાપ સાથે ઉકળાટ બફારો જોવા મળી રહ્યો છે. ોલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે એક ખુશખબર છે. દક્ષિણ આંદામાનના દરિયામાં, નિકોબારના ટાપુઓ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પ્રવેશ કરે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે. જયારે ગરમીની વાત કરીએ તો આવતા સપ્તાહમાં ગુજરાત તરફ ગરમીનું મોજુ યથાવત રહેશે. અમુક સેન્ટરોમાં ગરમીમાં થોડી રાહત મળશે.હાલ સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઉંચુ રહે છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો હિટવેવ નજીક પહોંચી ગયો હતો. મોટાભાગના સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૩ ડિગ્રી આસપાસ જોવા મળ્યુ હતું. તા. ૧૨ થી ૧૬ (શુક્રથી મંગળ) સુધીમાં હજુ પણ અમુક સેન્ટરોમાં ગરમીનો પારો યથાવત રહેશે. ગુજરાતમાં ગરમી યથાવત રહેશે. ગુજરાતને લાગુ સૌરાષ્ટ્રના અમુક શહેરોમાં ગરમી યથાવત રહેશે. જયારે રાજકોટ શહેરને અન્ય સેન્ટરો કરતાં ઓછી ગરમીનો અનુભવ થાય તેમ કોરકાસ્ટ મોડલો દર્શાવે છે. પવનો મુખ્યત્વે પશ્ચિમના અને ઉત્તર પશ્ચિમના તો કયારેક દક્ષિણ પશ્ચિમના ફૂંકાશે.દરમિયાન આગામી તા. ૧૫-૧૬ (સોમ-મંગળ)ના દક્ષિણ આંદામાનનો દરિયો, નિકોબારના ટાપુઓ અને દક્ષિણ – પૂર્વ બંગાળની ખાડીમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પ્રવેશ કરે તેવા સંજોગો ઉજળા થયા છે. જયારે ઈન્ડિયા લેવલની વાત કરીએ તો તા. ૧૨ થી ૧૯ દરમિયાન આંદામાન નિકોબારના ટાપુ ઉપર ૪ થી ૬ ઈંચ (૧૦ થી ૧૫ સે.મી.) કેરળ અને કર્ણાટકમાં ૨ થી ૪ ઈંચ (૫ થી ૧૦ સે.મી.), આસામ સહિતના પૂર્વોત્તર રાજયોમાં ૩ થી ૬ ઈંચ (૮ થી ૧૫ સે.મી.) વરસાદ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે અઢી સેન્ટીમીટર = ૧ ઈંચ વરસાદ ગણાય.આ ઉપરાંત દક્ષિણ આંદામાનના દરિયામાં એક અપરએર સાયકલોનીક સરકર્યુલેશન છે. જે ૩.૧ કિ.મી.ની ઉંચાઈએ છે.જયારે સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં સવારે ભેજનું પ્રમાણ વધુ રહેશે. સાંજના સમયે ભેજ ૨૦% આસપાસ રહેશે. દરમિયાન ગઈકાલે રાજકોટ શહેરમાં કમોસમી વરસાદ પડયો હતો. જેમ જેમ ચોમાસાના દિવસો નજીક આવતા જશે તેમ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે.