પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે તેમના દેશની સેનાને કહ્યું છે કે ગત મહીને સ્ટીલના ભારતીય કારોબારી સજ્જ્ન જિંદલ સાથે થયેલી તેમની મુલાકાત પડદા પાછળની કૂટનીતિનો હિસ્સો છે. મીડિયા અહેવાલ પ્રમાણે શરીફે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને જિંદલ સાથેની મુલાકાતને લઈને વિશ્વાસમાં લીધા છે.ગત ૨૭ એપ્રિલે શરીફ અને સજ્જન જિંદલ વચ્ચેની મુલાકાત યોજાઇ હતી. સરકારે સેનાના નેતૃત્વને સૂચિત કર્યું છે કે જિંદલ સાથેની શરીફની એક કલાક સુધી મુલાકાત ચાલી હતી અને આ પડદા પાછળની કૂટનીતિનો એક ભાગ છે. આંતરરાષ્ટ્રીય ઉર્દૂ ન્યૂઝચેનલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા માટે જિંદલને કેટલાક મહત્વપૂર્ણ ભારતીય અધિકારીઓનો ટેકો છે. ભારતમાં સરહદ પારના આતંકવાદ અને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવે આપવામાં આવેલી ફાંસીની સજા સહિતના ઘણાં મામલાઓ પર તણાવ પ્રવર્તી રહ્યો છે.
પીએમએલ-એનના એક નેતાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે શરીફે જિંદલ સાથેની પોતાની મુલાકાત સંદર્ભે વધુ કંઈ જણાવ્યું નથી. પરંતુ અહેવાલ મુજબ સજ્જન જિંદલ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવાની કોશિશોમાં લાગેલા છે. મહત્વપૂર્ણ છે કે શરીફ અને જિંદલ વચ્ચેની મુલાકાતને પાકિસ્તાની મીડિયાએ ગુપ્ત મીટિંગ ગણાવી હતી. આ મુલાકાત બાદ શરીફના પુત્રી મરિયમ શરીફે કહ્યું હતું કે સજ્જન જિંદલ સાથે તેમના પિતાની મુલાકાત ગુપ્ત નહોતી. બંને વચ્ચે ખૂબ જૂની મિત્રતા છે અને તેમની મુલાકાત પણ મિત્રતાપૂર્ણ હતી. ૮ અને ૯ જૂને કજાકિસ્તાનના અસ્તાના ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંમેલનનમાં મોદી અને શરીફ બંને સામેલ થવાના છે. આ સંમેલન દરમિયાન બંને વચ્ચેની મુલાકાતની શક્યતા પર બુધવારે સરતાજ અઝીઝે કહ્યું હતું કે ભારત ઈચ્છા ધરાવતું હશે. પાકિસ્તાન એસસીઓમાં શરીફ અને વડાપ્રધાન મોદીની મુલાકાત સંદર્ભે વિચારણા કરી શકે છે. સરતાજ અઝીઝ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશ મામલાના સલાહકાર છે.