Aapnu Gujarat
બ્લોગ

લેનિનની વિચારધારા કઇ રીતે તોડશો…..

છઠ્ઠી માર્ચે ત્રિપુરામાં લેનિનનું પૂતળું ઉખાડી નાખવામાં આવ્યું પછી તામિલનાડુમાં પેરિયારનાં પૂતળાને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ઘટનાઓ પછી અનેક સ્થળોએ ગાંધીજીનાં પૂતળાઓની સુરક્ષા વધારી દેવાઈ છે. પૂતળાંઓને નુકસાન એ આશયથી પહોંચાડવામાં આવ્યું છે કે તેમ કરવાથી સામેની વિચારસરણી ખતમ થઈ જશે! પણ શું પૂતળાંઓ ઉખાડી નાખવાથી લોકોની વિચારસરણીને ભૂંસી શકાય? કે કોઈનું પૂતળું નાખવાથી લોકોની વિચારસરણી નવેસરથી ઘડી શકાય? એવું જ હોત તો મહાત્મા ગાંધીનાં પૂતળાઓ દેશનાં (અને અનેક દેશોમાં પણ) ખૂણે ખૂણે લગાડેલાં છે તો શું એમ માની લેવું કે ભારતમાં તમામ લોકો ગાંધીવાદી વિચારસરણી ધરાવે છે? ભારતમાં કે દુનિયામાં ક્યાંય પણ એડોલ્ફ હિટલરનું પૂતળું નથી દેખાતું તો શું એમ માની લેવું કે નાત્ઝીઓની ફાસીવાદી વિચારસરણી સંપૂર્ણપણે ખતમ થઈ છે? ના, એવું તો જરા પણ નથી. ગાંધીનાં ગુજરાત સહિતનાં ભારતમાં સંખ્યાબંધ લોકો હિટલરી વિચારસરણીમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે તો સામે દુનિયામાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં ગાંધીનું પૂતળું ન હોવા છતાં પણ લોકો શાંતિ અને સમાનતામાં માને છે. તો આવામાં પૂતળું હોય તો પણ શું અને ના હોય તો પણ શું?ખેર, જર્મનીનાં હિટલર, રશિયાનાં લેનિન, આપણી પૂતળાંતોડ પ્રક્રિયા અને તે અગાઉ યોજાયેલી ઓસ્કાર એવોડ્‌ર્સની સેરેમનીને ધ્યાનમાં લઈને એક એવી ફિલ્મની વાત કરીએ જેમાં ઉપરની તમામ વાતોનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં કમ્યુનિસ્ટ વિચારસરણીને વરેલી બીમાર માતાને કમ્યુનિસ્ટ સરકાર ખતમ થઈ ગઈ એ જાણીને આઘાત ના પહોંચે માટે સામ્યવાદીઓને ધિક્કારનારો દીકરો તેનાં ઘરમાં લાલ સરકારનું શાસન રચે છે! ભાજપને ત્રિપુરામાં મળેલી જીત પછી ત્યાનું વાતાવરણ બદલાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. સત્તા પરથી ડાબેરીઓ તો દૂર થઈ ગયા, પણ હવે અહીંયા આ લડાઈ રસ્તાઓ પર પણ આવી ગઈ છે. ભાજપના સમર્થકોએ સોમવારે બપોરે ત્રિપુરાની બેલોનિયા કોલેજ સ્કવાયરમાં આવેલા વ્લાદિમિર લેનિનનું પુતળું તોડી નાખ્યું છે. એવું નથી કે ફક્ત ત્રિપુરામાં જ લોકોએ લેનિનની વિચારધારાને નાપસંદ કરી પણ દુનિયામાં ઘણી જગ્યાએ લેનિનના પુતળાને તોડીને લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.લેનિન ૧૯૧૭માં રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિનો એક ઝળહળતો ચહેરો હતો, જે આ ક્રાંતિ પછી આખી દુનિયામાં લોકપ્રિય થઈ ગયા હતા, દરેક જગ્યાએ તેની મૂર્તિઓ લગાવવામાં આવી હતી. પણ જે લોકો તેની વિચારધારા સાથે સહમત ન હતા તેમને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે તેમણે લેનિનની મૂર્તિને તોડીને તેની પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. યુક્રેનમાં લેનિનની ઘણી મૂર્તિઓ તોડવામાં આવી. ૧૯૯૧મા યુક્રેનમાં લેનિનની લગભગ ૫૫૦૦ મૂર્તિઓ હતી, જેમાં પણ ફક્ત ૨૦૧૩થી ૨૦૧૫ સુધીમાં જ ૫૦૦ મૂર્તિઓને તોડી નાખવામાં આવી હતી. ૨૦૧૩ ડિસેમ્બરમાં પણ લેનિનની એક મૂર્તિ તોડી નાખવામાં આવી હતી. આ મૂર્તિ તોડનારાઓ યુક્રેનના રાષ્ટ્રપતિનો વિરોધ કરી રહ્યા હતા, આથી જ રાષ્ટ્રપતિએ લેનિનની મૂર્તિ વિશે ગંભીરતાથી વિચારવું પડ્યું.સપ્ટેમ્બર ૨૦૧૪મા યુક્રેનના ખારકોવ શહેરમાં લાગેલી લેનિનની મૂર્તિને તોડી નાખવામાં આવી. આ મૂર્તિ તોડવાની ઘટના લાઈવ કરવામાં આવી હતી, જેને ઘણી ચેનલોમાં એક સાથે બતાવવામાં આવ્યું હતું. લગભગ ૩૦૦૦ લોકો વિરોધ પ્રદર્શનમાં ત્યાં જમા થયા હતા. ૧૫ મે ૨૦૧૫માં યુક્રેનના રાષ્ટ્રપતિએ દેશમાં લેનિનની મૂર્તિને હટાવવાના કાયદામાં એક બિલ પણ જોડી દીધું હતું. ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં યુક્રેનમાંથી લેનિનની તમામ મૂર્તિઓ હટાવી દેવામાં આવી હતી. યુક્રેનના ચાર્કાસીમાં ૨૮ નવેમ્બર ૨૦૦૮મા પણ લેનિનની એક મૂર્તિને તોડી પાડવામાં આવી હતી, જેને તોડવા માટે ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જર્મનીમાં ૧૯ એપ્રિલ ૧૯૭૦મા લેનિનના ૧૦૦મા જન્મદિવસના ત્રણ દિવસ પહેલા જ એક મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જેને જોવા માટે લગભગ ૨ લાખ લોકો જમા થયા હતા. પણ ૧૯૯૧મા બર્લિનના મેયરે તેને પણ તોડવાનો આદેશ આપ્યો હતો. તેમનું માનવું હતું કે એવી કોઈ પ્રતિમા ન હોવી જોઈએ જે તાનાશાહીને પ્રદર્શિત કરે.ઇથોપિયાનો તાનાશાહ મેન્ગીસ્તુ હૈલ મરીયમ જ્યારે દેશ છોડીને ભાગી ગયો ત્યારે તેના પછી ૨૩ મે ૧૯૯૧મા લોકોએ લેનિનની એક મૂર્તિ તોડી નાખી. લોકો લેનિનને તાનાશાહીના પ્રતિકના રૂપમાં જોતા હતા. હજારોની સંખ્યામાં લોકો આ નજારો જોવા ઉમટી પડ્યા હતા. મૂર્તિને તોડવા માટે તેને ફક્ત વેલ્ડીંગ મશીનથી પકડીને ધક્કો મારવામાં આવ્યો હતો.ત્રિપુરામાં પણ લેનિનની મૂર્તિને તોડી નાખવામાં આવી હતી, પણ શું હવે દેશના બીજા પ્રદેશોમાં પણ આવું જ થશે. ભારતમાં બીજી અન્ય જગ્યાએ પણ લેનિનની મૂર્તિઓ લાગી છે, જેમાં દિલ્હીના નહેરુ પાર્કનો પણ સમાવેશ થાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળ અને કોલકાતામાં તેમજ આંધ્રપ્રદેશના વિજયવાડામાં લેનિનની મૂર્તિઓ છે. દિલ્હી, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભાજપની સરકાર નથી. જોવાનું એ રહ્યું કે જો ત્યાં ભાજપની સરકાર બનશે તો ત્યાં પણ લેનિનની મૂર્તિ તૂટશે?૧૮૭૦ની ૨૨મી એપ્રિલે રશિયાના સિમ્બિક્‌રસમાં જન્મેલા આ મહાનુભાવને ઈતિહાસ એણે ગુપ્ત રીતે ધારણ કરેલા ‘લેનિન’ નામથી ઓળખે છે. સામ્યવાદની એ સમયની ત્રણ પ્રભાવક પ્રતિભાઓ સ્ટાલિન, લેનિન અને ટ્રોટસ્કી એકબીજાથી સાવ સામસામા છેડે હતા. ઈતિહાસ સ્ટાલિનને આકર્ષક વ્યક્તિત્વ ધરાવનાર સરમુખત્યાર તરીકે કે દમન, હત્યાઓ અને દાવપેચોમાં માહિર માને છે. ટ્રોટસ્કી એના પ્રભાવક વક્તૃત્વથી આંજી દેનારો ગણાય છે. આ ક્રાંતિકારીઓની જમાતમાં લેનિન સાવ જુદો લાગે છે. એ શરાબ પીતો નહોતો, સિગારેટને અડતો નહોતો. સૌમ્ય, સિદ્ધાંતપરાયણ અને નીતિવાદી વિશેષ લાગે છે, આથી લેનિનને યુવાન તરીકે પોંખનારાઓ મળતા નથી. આનું કારણ એ કે એણે બહુ વહેલા માથાના વાળ ગુમાવ્યા હતા, અને ટાલ પડી ગઈ હતી. એના દેખાવ અને વર્તન પ્રૌઢ માનવી જેવા હતા. આને કારણે ઘણા મિત્રો લેનિનને ‘વૃદ્ધ પુરુષ’ તરીકે ઓળખતા. પોતાની છબી ખરડાય નહીં, તે માટે લેનિન અતિ સભાન હતો. ચતુર રાજકારણી, વિલક્ષણ વ્યૂહરચનાકાર અને માર્કસ્‌વાદના જડ સૈદ્ધાંતિક માળખાને પરિસ્થિતિના સંદર્ભમાં નવો ઓપ આપનાર લેનિન હતો. આ રીતે લેનિનનું વ્યક્તિત્વ જોઈએ તો એમ લાગે કે રાજકારણના નેપથ્યમાં ચાલતા કાવાદાવા અને ષડ્યંત્રોમાં અને તેમાંય ખાસ કરીને રાજવી કુટુંબોની હત્યાઓમાં એની સંડોવણી થાય નહીં, તેનું ખાસ ઘ્યાન રાખતો. વ્યવહારકુશળ લોકનેતા લેનિનનું તાજેતરમાં વિશેષ સ્મરણ એ માટે કરવામાં આવ્યું કે પશ્ચિમ બંગાળના સામ્યવાદી પક્ષે વ્યવહારકુશળતાને બદલે જડતાભર્યો અભિગમ અપનાવ્યો તેમજ તેઓ લોકનેતા બનવાને બદલે નેતા જ બની રહ્યા. લેનિનના જીવનમાં ભારે રઝળપાટ જોવા મળે છે. યુરોપના દેશોના એક છેડેથી બીજા છેડા સુધી એને ટ્રેનમાં ધૂમવું પડ્યું છે. લેનિનના ઈ. ૧૯૦૦ થી ૧૯૧૭ સુધીના યુરોપના રઝળપાટ પૂર્વે એણે સાઈબેરિયામાં તેર વર્ષની સજા ભોગવી હતી અને પછી ૧૯૦૦ થી ૧૭ વર્ષ સુધી એ સતત જુદા જુદા દેશોમાં ભ્રમણ કરતા રહ્યા. આમાં તેઓ પેરિસ, મ્યુનિક, લંડન, જીનિવા અને ઝયુરિચ જેવાં શહેરોમાં રહ્યા. ફિનલેન્ડ અને પૉલેન્ડનાં ગામડાંઓમાં જઈને વસ્યા અને પોતાના ક્રાંતિકારી આંદોલનની બદલાતી ભૂમિકામાં ભાગ લેવા સતત ધૂમતા રહ્યા. એમનો આ યુરોપનો રઝળપાટ કેવો હશે ? રશિયાના રાજકીય તખ્તા પરથી દૂર રહ્યો રહ્યો એમણે કેવું જીવન ગાળ્યું હશે ! સમર્થ ક્રાંતિકારી આવા ભ્રમણકાળમાં કઈ કઈ પ્રવૃત્તિ કરતા હશે અને કેમ રહેતા હશે એ જાણવાની સ્વાભાવિક રીતે જિજ્ઞાસા જાગે. ઈ.સ. ૧૯૦૦ પછીના ૧૭ વર્ષનું લેનિનનું જીવન પ્રમાણમાં અજ્ઞાત રહ્યું છે. રશિયાના ઈતિહાસ-લેખકોએ પણ લેનિનની પ્રવૃત્તિઓ પર ઘ્યાન કેંદ્રિત કર્યું હોવાથી દેશવટાના દિવસોમાં લેનિનની જીવનશૈલી કેવી હતી એ વિશે કોઈ વિશેષ તપાસ કરી નહીં. વળી મોટો સવાલ એ ઊભો થયો કે ફ્રાંસ, જર્મની, ઇંગ્લેન્ડ, સ્વીટ્‌ઝર્લેન્ડ, પોલેન્ડ જેવા દેશોમાં જઈને એનું સંશોધન કરે કોણ ? તાજેતરમાં એના યુરોપીય દેશોના જીવન વિશેની વિગતો બહાર આવવા માંડી છે. આ વિગતો દર્શાવે છે કે વિદેશમાં રહીને પણ લેનિને મોજશોખભરી જંદિગી ગાળી નહોતી. તદ્દન સામાન્ય માનવીની માફક એ આ દેશોમાં રહ્યો હતો. રશિયામાં ચાલતી ભૂગર્ભ પ્રવૃત્તિઓ અંગેની ગુપ્તતાને જાળવવા માટે લેનિન અત્યંત સાવધ રહેતો હતો. લેનિન અને એની પત્ની નાદેઝદા કૃપસ્કાયાએ ઘણા દિવસો અત્યંત ગરીબીમાં પસાર કર્યા હતા. એ બંને કરકસરભર્યું અને સાદું જીવન જીવનારાં હતાં. કયારેક માત્ર બ્રેડ, બટર અને બાફેલા બટેટાથી એમણે વિદેશમાં દિવસો ગાળ્યા હતા. લેનિન અને કૃપસ્કાયા બંનેની માતાઓ એમને પૈસા અને ફૂડ પેકેટો મોકલતા હતા. લેનિનને પક્ષ તરફથી થોડીઘણી રકમ મળતી હતી. બાકીની રકમ લેનિન લેખો લખીને અને અનુવાદો કરીને ઊભી કરતા હતા. દેશવટો ભોગવનારા લેનિનના ખંડમાં ઓછામાં ઓછું ફર્નિચર હતું. કપડાં મેલાંઘેલાં હતા અને મળેલા પુરાવાઓ પરથી સાબિત થાય છે કે એમને માટે આનંદનો એક જ અવસર તે ક્યારેક થિયેટરમાં ‘કૉન્સર્ટ’ જોવા જવાનો હતો. સ્વીટ્‌ઝર્લેન્ડનાં અંતિમ વર્ષોમાં આ દંપત્તિને માટે સહુથી આનંદદાયક અને મોજશોખની બાબત તે એકાંતરે દિવસે ચોકલેટ ખરીદી ખાવાની હતી. એક જ બાબતમાં લેનિન ‘ખર્ચાળ’ લાગે છે અને તે એ કે એની પત્ની કૃપસ્કાયા બિમાર પડતી, ત્યારે લેનિન સારામાં સારા ડૉક્ટરની ચિકિત્સાનો આગ્રહ રાખતો.

Related posts

બેંકોમાં ન્યૂનત્તમ બેલેન્સનું લૂંટવાનુ ચક્કર ખતમ ક્યારે થશે…!!?

aapnugujarat

ભારતીયો સતત ખરાબ માનસિકતા સાથે જીવન જીવી રહ્યા છે : ૧૪ ટકા આત્મહત્યા ભણી જાય

aapnugujarat

મંદિર દર્શન અને રોડ શોની વચ્ચે રાજનાથે નામાંકન કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1