જમ્મુ-કાશ્મીરના સોપીયન જિલ્લામાં ૨૨ વર્ષીય કાશ્મીરી આર્મી ઓફિસરનું અપહરણ કરીને ઘાતકી હત્યા કરી દીધાના એક દિવસ બાદ એવી ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે કે હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા શખ્સોએ આ કૃત્ય કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસને શંકા છે કે તેમની સુરક્ષા જવાનો પાસેથી થોડાક સમય પહેલા આંચકી લેવામાં આવેલી ઇનસાસ રાયફલનો ઉપયોગ આ ક્રાઈમ માટે કરાયો હતો. ફયાઝના મૃતદેહ ઉપર અત્યાચારના કોઈ નિશાન મળી આવ્યા નથી. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ઘટના સ્થળે ઈનસાસ રાયફલના બે ખાલી કારતૂસ મળી આવ્યા છે. હાલમાં હથિયાર આંચકી લેવાના બે બનાવ બન્યા હતા. બીજી બાજુ રાજપૂતાના રાયફલના કર્નલ અને જનરલ ઓફિસર કમાન્ડીંગ અભયકૃષ્ણએ કહ્યું છે કે કાશ્મીર ખીણમાં હાલના તબક્કે સ્થિતિ સારી નથી. કાશ્મીરના લોકો આતંકવાદ વિરોધમાં મેદાનમાં ઉતરે તે જરૂરી છે. અત્રે નોંધનિય છે કે જમ્મુ-કાશ્મીરના સોપીયન વિસ્તારમાં આતંકવાદીઓએ રજા મેળવી લીધા બાદ પોતાના ઘરે પહોંચેલા સેનાના લેફ્ટીનેન્ટની બર્બરતાપૂર્વક ઘાતકી હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ સેનાના આ ઓફિસરનું એક લગ્ન પ્રસંગમાંથી અપહરણ કરી લીધું હતું ત્યારબાદ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમનો મૃતદેહ દક્ષિણી કાશ્મીરના હરમન વિસ્તારમાં મળી આવ્યો હતો. આ ઘટના બાદ સેનાના કાશ્મીરમાં રજા ઉપર ગયેલા જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. મંગળવારે મોડી રાત્રે તેઓ બેહિબાદ નજીક બાતાપુરામાં પોતાના પરિવારમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બુધવારે સવારે તેમનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસનું કહેવું છે કે ત્રાસવાદીઓ ઉમરને એક બાગમાં લઈ ગયા હતા. જ્યાં તેમના ઉપર પાંચથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી.