ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું છે કે બીજિંગે ભારતની આર્થિક પ્રગતિને ગંભીરતાથી લેવી જોઇએ. ભારત દ્વારા જ્યારે ચીનની નકલ થઈ રહી છે ત્યારે ચીને વધુ બેદરકારી દાખવવી જોઈએ નહીં. ગ્લોબલ ટાઈમ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારત વધુમાં વધુ રોકાણકારોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે અને આ વાતની ચીને ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.ભારતને ગંભીરતાથી લેવાના અન્ય એક કારણમાં ડેમોગ્રાફિક પ્રોફાઈલની ખાસિયતને પણ દર્શાવવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતની અડધો અઢધ વસ્તી ૨૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવનારાઓની છે અને તેનો તેને ફાયદો પહોંચ્યો છે. ગુરુવારે ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલો આર્ટિકલ ખાનગી ચીની થિંક ટેન્ક એનબાઉન્ડના અહેવાલ પર આધારીત છે. ચીનના અખબારે પોતાના અહેવાલમાં જણાવ્યુ છે કે ભારત સુનિયોજીત રીતે દુનિયાભરના રોકાણકારોની સામે પ્રતિસ્પર્ધી માહોલ પેદા કરી રહ્યું હોય તો ચીન સામે આ એક મોટો પડકાર બની શકે છે.
ભારતમાં ચીનના ઈકોનોમિક મોડલની નકલ કરવાનો માહોલ છે. તેનું કારણ મોટું બજાર, સસ્તી મજૂરી અને મોટી વસ્તી છે. આ તમામ મોરચે ભારત અને ચીનની પરિસ્થિતિ એક જેવી છે. ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં સૌર ઊર્જા સેક્ટરમાં ભારતની સફળતાના પણ વખાણ કરવામાં આવ્યા છે. તેમા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત ઈંધણના સ્થાને ક્લિન એનર્જીનો ઉપયોગને પ્રોત્સાહિત કરવાની દિશામાં વિચારી રહ્યા છે. તેના માટે મોટા પ્રમાણમાં સોલર પાર્કનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને આગામી ૫ વર્ષમાં સોલર એનર્જી ક્ષેત્રમાં ૧૦૦ મિલિયન ડોલરના રોકાણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેના માટે વર્લ્ડ બેંક પાસેથી આર્થિક મદદ પણ ઉપલબ્ધ થશે. સોલર ઈકોનોમીમાં રોકાણકારોને ખેંચવામાં કોઈપણ દેશ ભારતનો મુકાબલો કરી શકશે નહીં.