અમેરિકાના ટ્રમ્પ પ્રસાશને જાહેરાત કરી હતી કે, તેઓ સીરિયામાં આઇએસના આતંકીઓ સામે લડી રહેલા કુર્દિશ સૈનિકોને હથિયાર તેમજ અન્ય લશ્કરી સાધનો પુરા પડશે. જોકે કુર્દિશ લોકોને આતંકવાદી માનતા તુર્કીને અમેરિકાના આ પગલાંથી ગુસ્સો આવશે તે સ્વાભાવિક છે. તેમ છતાં અમેરિકા તુર્કીની લાગણીની અવગણના કરીને પણ કુર્દિશોને શસ્ત્રો તો આપશે જ. મહત્વનું છે કે, સીરિયામાં આઇએસના અંતિમ ગઢ મનાતા રક્કા અને ખીલાફતના કેન્દ્રને ફરીવાર પોતાના કબજામાં લેવા માટે હુમલો કરતા પહેલા કુર્દિશ સૈનિકોને અમેરિકા દ્વારા શસ્ત્રો આપવામાં આવી રહ્યા છે.
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેના રક્ષા વિભાગને કુર્દિશોને શસ્ત્રો પુરા પાડવાની સત્તા આપી હતી. જેથી રક્કામાં તેમને આઇએસ વિરુદ્ધ મદદ કરી શકાય. પેન્ટાગોનના પ્રવક્તા ડાના વ્હાઇટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકા અને તેના અન્ય સહયોગી દેશોની મદદથી લડત ચલાવી રહેલા એસડીએફના સૈનિકો જ રક્કામાંથી આઇએસનો ખાત્મો કરી શકે તેમ છે.
સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ એસડીએફના કુર્દિશ લડાકુઓ કુર્દિશ પિપલ્સ પ્રોટેક્શન એકમમાંથી આવે છે અને તેઓ જ સીરિયામાં આઇએસના લડાકુઓનો સામનો કરી રહ્યા છે’ તેમ વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું.તુર્કીએ આ અંગે જણાવ્યું કે, આ લોકો કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે જોડાયેલા છે, જેઓ ૧૯૮૪થી તુર્કીમાં બળવો કરી રહ્યા છે અને જેના કારણે અત્યારસુધીમાં આશરે ૪૦ હજારથી પણ વધુ લોકો માર્યા ગયા છે.
ગત ૨૭ એપ્રિલે તુર્કીના હવાઇ દળે કુર્દિશ પાર્ટીના સૈનિકો પર હુમલો કર્યો હતો. તેમણે ઈરાકમાં આવેલા તેમના અડ્ડાઓ ફપર પણ હુમલો કર્યો હતો. તુર્કી પ્રમુખ તૈયબ અર્દોગાન આગામી સપ્તાહે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા વોશિંગ્ટનની મુલાકાતે જઈ રહ્યા છે, તેના પહેલાં અમેરિકાએ આ જાહેરાત કરી હતી.