Aapnu Gujarat
બ્લોગ

શ્રીદેવી : અભિનયની બેતાજ ક્વીન

હિન્દી ફિલ્મોનો ઇતિહાસ ઉઠાવીને જોઇએ તો જણાય છે કે અહી પણ મોટાભાગે પુરૂષોનું વર્ચસ્વ રહ્યું છે અને મોટાભાગે ફિલ્મો પુરૂષ કલાકારોનાં નામ પર જ વેચાતી હોવાનું જણાય છે પણ તેમ છતાં પ્રારંભનાં વર્ષોમાં ભલે ભદ્ર વર્ગની મહિલાઓ તેનાથી દુર રહી હોય પણ ત્યારબાદ મહિલા કલાકારોએ પણ પોતાનું વર્ચસ્વ સિદ્ધ કર્યુ હતું.દેવિકારાણી, મધુબાલા, વૈજયંતિમાલા, વહીદા રહેમાન, મીના કુમારી,હેમા માલિની, દુર્ગા ખોટે, નિરૂપા રોયથી માંડીને અત્યારે વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓએ દર્શકોનાં દિલ પર કબજો જમાવ્યાનું જોવા મળ્યું છે.સાધના જેવી અભિનેત્રીઓ તો ટ્રેન્ડ સેટર બની હતી.ફિલ્મોમાં જોવા મળતા કપડા અને હેરસ્ટાઇલને ત્યારની યુવતીઓએ અપનાવી હતી.આ તમામ મહિલા કલાકારોમાં એક નામ અચુક લેવું પડે અને તે છે શ્રીદેવીનું.આ કલાકારે પોતાની અભિનય પ્રતિભાથી એક માઇલ સ્ટોન રચ્યો હતો.પોતાની લાંબી કારકિર્દીમાં શ્રી એ અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી અને એક કરતા વધારે ફિલ્મો તો એવી હતી જેની સફળતાનો શ્રેય શ્રીના નામે જાય છે.શ્રીદેવીએ માત્ર હિન્દી નહી પણ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં પણ અભિનયનો વાવટો લહેરાવ્યો હતો.કેટલીક ફિલ્મોમાં તોફાની તો કેટલીક ફિલ્મોમાં ગંભીર અભિનય વડે માત્ર સમીક્ષકોને જ નહી દર્શકોને જલસા કરાવી દીધા હતા.
હિન્દીમાં શ્રીદેવીની કારકિર્દીનો આરંભ સોલવા સાવનથી થયો હતો જો કે તે ફિલ્મ નિષ્ફળ નિવડી હતી ત્યારબાદ તેની હિમ્મતવાલા બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.આ ફિલ્મથી તે હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી શકી હતી.૧૩ ઓગસ્ટ ૧૯૬૩માં મદ્રાસનાં શિવકાશીમાં જન્મેલ શ્રીદેવીએ આમ તો માત્ર ચારવર્ષની વયે જ કેમેરાનો સામનો કર્યો હતો અને બાળ કલાકાર રૂપે કંદન કરૂનાઇમાં કામ કર્યુ હતું.ત્યારબાદ પણ તેણે બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું.બોલિવુડમાં પણ તેણે બાળ કલાકાર તરીકે ૧૯૭૨માં આવેલી રાની મેરા નામમાં કામ કર્યુ હતું.૧૯૭૬માં તેણે મોંદુરૂ મુદિછુમાં પોતાની કારકિર્દીનો પ્રથમ નોંધપાત્ર રોલ કર્યો હતો.૧૯૭૯માં સોલવા સાવનમાં નિષ્ફળતા મળ્યા બાદ શ્રીદેવીએ ૧૯૮૩માં હિમ્મતવાલામાં કામ કર્યુ અને આ ફિલ્મને કારણે તે સુપરહીટ સાબિત થઇ હતી અને ત્યારબાદ આવેલી ફિલ્મોએ તેને હિન્દી ફિલ્મોની પ્રથમ મહિલા સુપરસ્ટાર બનાવી હતી.આમ તો આ પહેલા હિન્દી ફિલ્મોમાં મીના કુમારી, મધુબાલા, વૈજયંતિમાલા, હેમા માલિની જેવી અનેક નોંધપાત્ર મહિલા કલાકારોએ સુપરહિટ ફિલ્મો આપી હતી પણ તેઓએ મોટાભાગે અન્ય હીરો સાથે જોડી જમાવીને કામ કર્યુ હતું જ્યારે શ્રીદેવીએ એવી કલાકાર હતી જે પોતાના ખભે આખી ફિલ્મનો ભાર ઉંચકી જતી હતી અને દર્શકો તેના નામ પર ફિલ્મો જોવા માટે થિયેટરોમાં ઉમટી પડતા હતા.૧૯૮૦થી ૧૯૯૦નાં દાયકામાં તે સૌથી વધારે ફી લેતી અભિનેત્રી હતી.તેણે પોતાની કારકિર્દીમાં બે ફિલ્મફેર એવોર્ડ હિન્દી માટે અને ત્રણ ફિલ્મફેર એવોર્ડ સાઉથની ફિલ્મો માટે મેળવ્યા હતા.આમ તો શ્રીદેવીના નામે અનેક સફળતમ ફિલ્મો છે પણ તેમની ટોપ ટેન ફિલ્મોની વાત કરીએ તો તેમાં હિમ્મતવાલા,સદમા,નગીના,મિ. ઇન્ડિયા,ચાંદની, ચાલબાઝ, લમ્હે,ખુદાગવાહ, ઇંગ્લિશ વિંગ્લિશ અને મોમનો સમાવેશ કરી શકાય.
હિમ્મતવાલા (૧૯૮૩)
આ ફિલ્મમાં શ્રીદેવીએ રેખા.એસ.બંદુકવાલા નામનું કેરેકટર નિભાવ્યું હતું.ફિલ્મમાં રેખાનું પાત્ર બહુ ઘમંડી દર્શાવ્યું હતું અને શ્રીદેવીએ એટલી પરફેકશન સાથે આ પાત્ર નિભાવ્યું હતું કે આ ફિલ્મે લોકોને ઘેલા કરી નાંખ્યા હતા.ફિલ્મનાં નૈનોમે સપના, લડકી નહી હૈ, તાકી ઓ તાકી અને વાહ વાહ ખેલ જેવા ગીતો ત્યારે સુપરહિટ સાબિત થયા હતા.
સદમા (૧૯૮૩)
એક તરફ રેખાનું પાત્ર તોફાની શેડ ધરાવતું હતું તો સદમાની નેહલતા મલ્હોત્રા અલગ રૂપરંગ ધરાવતું પાત્ર હતું.આ એક ફિલ્મે સાબિત કરી દીધું હતું કે શ્રીદેવીમાં કેટલી વિવિધતા ભરેલી છે.આ ફિલ્મમાં તેણે યુવાનવયની પણ માનસિક રીતે નબળી યુવતીનું પાત્ર ભજવ્યું હતું જે નાના બાળક જેવી હોય છે.આ પ્રકારનું પાત્ર પડકારભર્યુ હતું પણ શ્રીદેવીએ ઓવર એકટિંગ વિના આ પાત્રને બખુબી ભજવ્યું હતું.આ ફિલ્મ જેમ કમલ હાસન માટે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હતી તો શ્રીદેવીની પણ યાદગાર ફિલ્મ હતી.
નગીના (૧૯૮૬)
આ ફિલ્મ આવી તે પેહલા લોકોએ રીનારોયની નાગિન જોઇ હતી.ઇચ્છાધારી નાગિનનો રોલ તેના માટે પડકારભર્યો હતો કારણકે રીનાએ પોતાની રીતે આ રોલ અદ્‌ભૂત રીતે ભજવ્યો હતો.તેમાંય આ સમય હીરોની બોલબાલાનો હતો ત્યારે હિરોઇનો માત્ર શોપીસ જેવી જ બની રહેતી હતી પણ શ્રીદેવીએ નગીનામાં હીરોની કમીને મહેસુસ થવા દીધી ન હતી.આ ફિલ્મમાં સપેરાની ભૂમિકા અમરીશપુરી જેવા કદાવર અભિનેતાએ ભજવી હતી પણ શ્રીદેવીએ જોરદાર ટક્કર આપી હતી અને આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.ઇચ્છાધારી નાગિન તરીકે શ્રીનો અભિનય બેમિસાલ રહ્યો હતો.
મિ.ઇન્ડિયા (૧૯૮૭)
આમ તો આ ફિલ્મનું નામ પુરૂષપ્રધાન ફિલ્મ હોવાની ચાડી ખાય છે અને અનિલ કપુરે મિ.ઇન્ડિયા તરીરે જોરદાર અભિનય આપ્યો હતો પણ ખરી કમાલ તો સીમા સોહની તરીકે શ્રીદેવીએ બતાવી હતી.બાળકો સાથે બાળકી બની રહેતી શ્રીદેવીએે આખી ફિલ્મમાં પોતાની અભિનય શક્તિનાં ચમકારા દર્શાવ્યા હતા.તો કાટે નહી કટતે દિન યે રાત જેવું માદક ગીતમાં પણ તેણે પોતાના યૌવનનો જાદુ બતાવ્યો હતો.આ ફિલ્મમાં પણ અમરીશપુરીએ મોગેમ્બો તરીકે યાદગાર અભિનય આપ્યો હતો.શેખર કપુરે આ ફિલ્મનું નિર્દેશન કર્યુ હતું જે ત્યારબાદ હોલિવુડ ચાલ્યા ગયા હતા.
ચાંદની (૧૯૮૯)
આ ફિલ્મમાં આમ તો હીરો તરીકે વિનોદ ખન્ના અને ઋષિકપુર હતા પણ ફિલ્મનો પુરો ભાર ચાંદની માથુરે ઉઠાવ્યો હતો.ફિલ્મ પ્રણયત્રિકોણ પર આધારિત હતી જેમાં બંને હિરો હિરોઇનને પ્રેમ કરે છે.આ ફિલ્મનું નિર્દેશન યશ ચોપડાએ કર્યુ હતું.યશજીની ફિલ્મોમાં તેમની અભિનેત્રીઓ સોળે કલાએ ખીલી ઉઠે છે અને શ્રીદેવીએ પણ સ્વીત્ઝર્લેન્ડની વાદીઓમાં પોતાના કામણ પાથર્યા હતા.શ્રીદેવીએ આ ફિલ્મમાં અનેક સાડીઓ પહેરી હતી અને ફિલ્મ બાદ માર્કેટમાં ચાંદની સાડીઓએ ધુમ મચાવી હતી.
ચાલબાઝ (૧૯૮૯)
હેમા માલિનીએ સીતા ઔર ગીતામાં ડબલ રોલ કર્યો હતો અને એક માઇલસ્ટોન સ્થાપિત કર્યો ત્યારબાદ આ જ ફિલ્મ ઉપરથી ચાલબાઝ બનાવાઇ હતી જેમાં શ્રીદેવીએ પણ અભિનયની ઉંચાઇઓ સર કરી હતી.અંજુ અને મંજુ તરીકેનો તેનો અભિનય હેમા માલિની અને રામ ઔર શ્યામનાં દિલિપકુમાર કરતા સ્હેજે ઓછો ન હતો.આ ફિલ્મમાં પણ સની દેઓલ અને રજનીકાંત જેવા હિરો હતા પણ આજે આ ફિલ્મ શ્રીદેવીનાં નામ પર જ લોકોને યાદ છે.આ ફિલ્મનાં અનેક યાદગાર દૃશ્યોમાં શ્રીદેવીએ અભિનય પ્રતિભાનો કમાલ દર્શાવ્યો હતો.
લમ્હે (૧૯૯૧)
બોકસ ઓફિસનું પ્રદર્શન જોઇએ તો આ ફિલ્મ સરિયામ નિષ્ફળ નિવડી હતી પણ આ ફિલ્મ તે સમયનાં દર્શકો માટે બની ન હતી અને દર્શકો તેને યોગ્ય રીતે મુલવી શક્યા ન હતા.પલ્લવી અને પુજા ભટનાગર તરીકે માતા – પુત્રીનાં રોલમાં શ્રીએ જબરજસ્ત અભિનય આપ્યો હતો.ફિલ્મનું કથાવસ્તુ જટિલ અને બોલ્ડ હતું પરિણામે ફિલ્મ નિષ્ફળ ગઇ હતી પણ શ્રીદેવી સફળ રહી હતી.
ખુદા ગવાહ (૧૯૯૨)
આમ તો અમિતાભ જે ફિલ્મમાં હીરો હોય તે ફિલ્મમાં નાયિકાઓ માટે કરવા માટે કશું જ રહેતું નથી એટલે જ્યારે આ ફિલ્મ શ્રીદેવીએ સાઇન કરી ત્યારે તેણે શરત કરી હતી કે તે માત્ર શોપીસ બનવા તૈયાર નથી.આ ફિલ્મમાં પણ શ્રીદેવીએ બેનઝીર અને મેહંદી તરીકે બેવડી ભૂમિકા ભજવી હતી.ફિલ્મમાં તેનો અભિનય અને ભૂમિકા બંને અમિતાભની ટક્કરનાં હતા.
ઇંગ્લિશ વિંગ્લિશ (૨૦૧૨)
બોની કપુર સાથે લગ્ન કર્યા બાદ શ્રીદેવીએ સિનેમાને અલવિદા કરી દીધી હતી.જો કે લાંબા સમયબાદ તે ઇંગ્લિશ વિંગ્લિશમાં દેખાઇ હતી.શશિ ગોડબોલે જેને અંગ્રેજી આવડતું નથી પરિણામે બાળકો અને પતિ તેનાથી અંતર રાખે છે અને આ અંતરને ઘટાડવા માટે તે અંગ્રેજી શિખે છે અને તમામને ચોંકાવી દે છે.એક અસહજ મહિલા અને અંગ્રેજી શિખનાર સ્ટુડન્ટ તરીકે શ્રીદેવીએ દર્શાવી દીધું કે તે માત્ર કેમેરાથી દુર થઇ હતી પણ અભિનય તો તેની રગેરગમાં દોડે છે.ફિલ્મનાં ક્લાઇમેક્સમાં શ્રીદેવી જ્યારે પોતાની વાત અંગ્રેજીમાં રજુ કરે છે તે દૃશ્યમાં તેણે પોતાની અભિનય શક્તિનો પુરાવો આપી દીધો હતો.
મોમ (૨૦૧૭)
૨૦૧૨ બાદ ૨૦૧૭માં શ્રીદેવીએ મોમમાં કામ કર્યુ હતું જે તેની અંતિમ ફિલ્મ સાબિત થઇ છે.દેવકી સબરવાલ નામની મહિલા જે મમતામયી માતામાંથી પોતાની પુત્રીઓની રક્ષા માટે દુર્ગા બને છે તેવી મહિલાની ભૂમિકામાં શ્રીએ પ્રાણ રેડી દીધા હતા.

Related posts

જન્માષ્ટમી : શ્રીકૃષ્ણની લીલા સમજવા જેવી

aapnugujarat

કોલેજની સ્પર્ધા : રમતના મેદાનમાં સંજયે હારીને પણ હિનાનું દિલ જીતી લીધુ

aapnugujarat

ચાર પૈકી એક પુરુષને મહિલાના કામ કરવા સામે વાંધો : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1