રિલાયન્સ જિઓ વખુ એક વખત ધૂમ મચાવવા તૈયાર છે. આ વખતે મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની ફાઈબર ટુ હોમ (એફટીટીએચ) બિઝનેસમાં તેનું વિસ્તરણ કરી રહી છે. કંપની બ્રોડબેન્ડ સર્વિસ દ્વારા દેશભરમાં ધૂમ મચાવશે. રિલાયન્સ જિઓએ દિલ્હી, મુંબઈ, જામનગર, પુણે અને ચેન્નઈ એમ પાંચ શહેરોમાં આ સેવાના બીટા ટ્રાયલ્સનો પ્રારંભ કર્યો છે.આગામી કેટલાક મહિનાઓ સુધી બીટા ટ્રાયલ્સનો વ્યાપ વધારવાની વિચારણા છે,તેમ જિઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.કંપની ફાઈબર-ટુ-હોમ સેવાના લોન્ચ માટે સજ્જ બની છે ત્યારે જિઓ ફ્રી બ્રોડબેન્ડ સેવા પુરી પાડશે કે કેમ તેવી ચર્ચાએ વધુ એક વખત જોર પડક્યું છે. જો કે ગ્રાહકો માટે ખુશીના સમાચાર એ છે કે જિઓફાઈબર બ્રોડબેન્ડ સેવા પ્રીવ્યૂ ઓફર સાથે હશે. એક રિપોર્ટ મુજબ જિઓફાઈબર સેવા માટે ૯૦ દિવસનું કોમ્પ્લિમેન્ટરી એક્સેસ મળશે.હવે આ ઓફરમાં ગ્રાહકોને શું મળશે તે જાણીએ. જિઓ ફાઈબર બ્રોડબેન્ડ સેવામાં ૧૦૦ એમબીપીએસ સ્પીડ સાથે ૧૦૦ જીબી ડેટા ફ્રી મળશે અને તમામ જિઓ પ્રીમિયમ એપ્લિકેશન ફ્રીમાં યુઝ કરી શકાશે. ૧૦૦ જીબી ડેટાની મર્યાદા પુરી થયા બાદ ૧એમબીપીએસ સ્પીડ રહેશે. રિલાયન્સ જિઓ આ સેવા બદલ યુઝર્સ પાસેથી રૂ.૪,૫૦૦ (રીફન્ડેબલ ઈન્સ્ટોલેશન ચાર્જ) વસૂલશે. જો ગ્રાહકને જિઓફાબર સેવા ચાલુ ના રાખવી હોય તો તે રકમ પરત મળી જશે. એક બિઝનેસ અખબારના અહેવાલ મુજબ જિઓ હોમ બ્રોડબેન્ડ એફટીટીએચ સેવા માટે જુદા જુદા પ્લાન હશે જેમાં રૂ.૫૦૦માં ૬૦૦ જીબી ડેટા જ્યારે રૂ.૨,૦૦૦માં ૧,૦૦૦ જીબી ડેટા ૧૦૦ એમબીપીએસ સ્પીડ સાથે મળશે.