એક વખત નોટબંધીનો આંચકો સહન કર્યા બાદ પણ કાળા નાણાના ખેલાડીઓ સુધર્યા નથી. બજારમાંથી રોજેરોજ ર૦૦૦ રૂા.ની નોટ અદ્રશ્ય થઇ રહી છે. જો પ૦ ટકાથી વધુ ર૦૦૦ રૂા.ની નોટ સિસ્ટમમાંથી અદ્રશ્ય થઇ જશે તો પછી ફરીથી જુનો કડવો ડોઝ આપવો પડશે.
જો કે આવુ કોઇ પગલુ લેતા પહેલા દરેક સ્તરથી એ તાકીદ કરી લેવામાં આવશે કે સિસ્ટમમાંથી ગાયબ થયેલી મોટી નોટોની વાપસીની સંભાવના સમાપ્ત થઇ ચુકી છે.નોટબંધી બાદ અત્યાર સુધી રિઝર્વ બેંક તરફથી જારી રૂપિયા અને બંધ થયેલી નોટોની વાપસીની માહિતી જાહેર કરવામાં નથી આવી. જો કે ફરીથી નોટબંધી જેવો કોઇ નિર્ણય કોઇ નક્કર વિશ્લેષણ વગર સંભવ નથી. પરંતુ કાનપુરના રિઝર્વ બેંકના પ્રાદેશિક કાર્યાલયના આંકડાઓએ થોડી હલચલ મચાવી દીધી છે. કાનપુરમાં નવેમ્બર-ર૦૧૬માં ર૦૦૦ રૂા.ની નોટ જારી કરવામાં આવી હતી ત્યારથી લઇ રિઝર્વ બેંક અત્યાર સુધી કાનપુરની તમામ કરન્સી ચેસ્ટને લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયાના મુલ્યની ર૦૦૦ રૂા.ની નોટ જારી કરી ચુકી છે. માર્ચ સુધી બેંકોમાં ર૦૦૦ રૂા.ની નોટો જમા થવાની ગતી ઠીક હતી પરંતુ એપ્રિલમાં બજારમાંથી ર૦૦૦ રૂા.ની નોટો ગાયબ થવા લાગી તે પછી બેંકમાં ૧૦, ર૦, પ૦ અને ૧૦૦ રૂા.ની નોટ વધુ જમા થઇ રહી છે. નાણા મંત્રાલયના સુત્રોનુ કહેવુ છે કે આ આંકડા માત્ર એક પ્રદેશના છે. દેશના બાકીના પ્રદેશોમાં ટ્રેન્ડનો અભ્યાસ થાય તો સ્થિતિ સ્પષ્ટ થઇ શકે.
બેંકમાં રોકડ જમા થાય તો સ્વીપમાં દરેક સિક્કા અને નોટનો રેકોર્ડ રાખવામાં આવે છે અને સાંજે કરન્સી ચેસ્ટના સર્વર ઉપર આ આંકડો નોંધવામાં આવે છે. નોટબંધી દરમિયાન તેમનો રેકોર્ડ રોજેરોજ રિઝર્વ બેંકને મોકલાતો હતો. ૩૦ ડિસેમ્બર બાદ રૂટીનમાં આંકડા જતા હતા. દૈનિક જાગરણના એક અહેવાલ મુજબ હવે ફરી બેંકોમાં જમા થનારી ર૦૦૦ અને પ૦૦, ૧૦૦, પ૦, ર૦, ૧૦, પ, ર, ૧ રૂપિયો અને સિક્કાનો હિસાબકિતાબ રાખવામાં આવે છે. રિઝર્વ બેંક દ્વારા બેંકની શાખા, કરન્સી ચેસ્ટ અને સેન્ટ્રલ સર્વર ત્રણેયમાં રેકોર્ડ રાખવામાં આવે છે.