Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરનાં સોપિયાનમાં અપહરણ કરાયા બાદ સેનાના ઓફિસરની હત્યાથી ચકચાર

જમ્મુ-કાશ્મીરના સોપીયન વિસ્તારમાં આતંકવાદીઓએ રજા મેળવી લીધા બાદ પોતાના ઘરે પહોંચેલા સેનાના લેફ્ટીનેન્ટની બર્બરતાપૂર્વક ઘાતકી હત્યા કરી દીધી છે. આતંકવાદીઓએ સેનાના આ ઓફિસરનું એક લગ્ન પ્રસંગમાંથી અપહરણ કરી લીધું હતું ત્યારબાદ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમનો મૃતદેહ દક્ષિણી કાશ્મીરના હરમન વિસ્તારમાં મળી આવ્યો છે. આ ઘટના બાદ સેનાના કાશ્મીરમાં રજા ઉપર ગયેલા જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીએ આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે ત્રાસવાદીઓ કાયરતાપૂર્વકના કૃત્યો કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ કુલગામના નિવાસી લેફ્‌ટીનેન્ટ ઉમર ફયાઝ રજા ઉપર હતા. મંગળવારે મોડી રાત્રે તેઓ બેહિબાદ નજીક બાતાપુરામાં પોતાના પરિવારમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આજે સવારે તેમનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસનું કહેવું છે કે ત્રાસવાદીઓ ઉમરને એક બાગમાં લઈ ગયા હતા. જ્યાં તેમના ઉપર પાંચથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી. એક સ્થાનિક વ્યક્તિએ તેમના મૃતદેહ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. સેનાએ નિવેદન જારી કરીને કહ્યું છે કે વીર જવાનને સેના સલામ કરે છે અને દુઃખના આ સમયમાં સેના પરિવારની સાથે છે. લેફ્ટીનન્ટ ઉમર ફયાઝ કાશ્મીરના અખનૂરમાં રાજસ્થાન રાયફલ્સના યુનિટમાં તૈનાત હતા. એનડીએ પાસઆઉટ લેફ્ટીનેન્ટ ફયાઝને ૧૦મી ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે સેનામાં કમિશન્ડ મળ્યા બાદ ખુશખુશાલ હતા. આ વર્ષે તેઓ સેનામાં યંગ ઓફિસર્સ કોર્સમાં જવાના હતા. ફયાઝ એનડીએમાં હોકી ટીમના કેપ્ટન હતા. વોલીબોલના પણ સારા ખેલાડી હતા. ફયાઝના પિતા ખેડૂત છે. મળેલી માહિતી મુજબ ફયાઝના મૃતદેહને આજે આવાસ ઉપર લાવવામાં આવ્યા બાદ દફનવિધિ કરવામાં આવી હતી. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. ગયા સપ્તાહમાં કૃષ્ણાઘાટીમાં બર્બરતાપૂર્વક બે ભારતીય જવાનોના પાકિસ્તાની સેનાએ ગળા કાપી નાખ્યા હતા. આને લઈને દેશમાં પહેલાથી જ આક્રોશ છે ત્યારે બીજી આવી ઘટના ઘટી છે. ફયાઝ પ્રથમ વખત જ રજા ઉપર આવ્યા હતા અને તેમની આ છેલ્લી રજા બની ગઈ હતી. ૨૨ વર્ષીય લેફ્ટી. ઉમર ફયાઝ ગયા વર્ષ ેડિસેમ્બરમાં કમિશન્ડ થયા બાદ સેનામાં સામેલ થયા હતા. સેનામાં સામેલ થયા બાદ પ્રથમ વખત ફયાઝે રજા લીધી હતી. ૨૫મી મેના દિવસે જમ્મુના અખનૂર વિસ્તારમાં પોતાના યુનિટમાં ફયાઝ પરત ફરનાર હતા.

Related posts

बीजेपी और जेडीयू गठबंधन २०० से ज्यादा सीटें जीतेंगे : नीतीश कुमार

aapnugujarat

सिद्धू को बड़ी जिम्मेदारी सौंपने की तैयारी में कांग्रेस, आज संभाल सकते हैं पद

aapnugujarat

પ્રથમ સેમિ હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સેવા શરૂ

aapnugujarat

Leave a Comment

URL