ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ બહુજન સમાજ પાર્ટીમાં પણ હવે ફેરફારનો દોર શરૂ થઈ ગયો છે. બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ આક્રમક વલણ અપનાવીને નસીમુદ્દીન સિદ્દિકી અને તેમના પુત્ર અફઝલ સિદ્દિકીની પાર્ટી વિરોધી ગતિવિધિમાં સામેલ હોવાના આરોપ બાદ હકાલપટ્ટી કરી દીધી છે. આનાથી બહુજન સમાજ પાર્ટીમાં પણ ખળભળાટ મચી ગયો છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ કારમી હાર થયા બાદ માયાવતી સંગઠનને નવેસરથી તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. થોડાક દિવસ પહેલા જ માયાવતીએ પોતાના ભાઈ આનંદને પાર્ટીમાં નાયબ અધ્યક્ષ બનાવ્યા હતા. પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલા નસીમુદ્દીન સિદ્દિકીની ગણતરી બસપના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. બહુજન સમાજવાદી પાર્ટીના મહાસચિવ સતીશ ચન્દ્ર મિશ્રએ કહ્યુ છે કે બન્નેના કારણે પાર્ટીની છાપ ખરાબ થઇ રહી હતી. મિશ્રાએ આક્ષેપ કર્યો છે કે સિદ્ધીકીએ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં બેનામી સંપત્તિ ઉભી કરી છે. સાથે સાથે ગેરકાયદે કતલખાના પણ ચલાવી રહ્યા છે. સતીશ ચન્દ્રે કહ્યુ હતુ કે નસીમુદ્દીન પાર્ટીના નામે વસુલી કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યુ હતુ કે સિદ્ધીકી અને તેમના પુત્રને પાર્ટી વિરોધી ગતિવિધી બદલ દુર કરવામાં આવ્યા છે. તેમને તમામ હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. સાથે સાથે તેમને પાર્ટીમાંથી દુર કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ વાદી પાર્ટી ખાતુ પણ ખોલી શકી ન હતી. હાલમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ પાર્ટીનો દેખાવ ખુબ નબળો રહ્યો હતો. નસીમુદ્દીન સિદ્ધીકીની દેખરેખમાં જ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન બસપનુ સોશિયલ મિડિયા નેટવર્ક ચાલી રહ્યુ હતુ.જેમાં સફળતા મળી નથી.