Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલાના આંગણે યોજાયો જિલ્લાકક્ષાનો મેગા જોબ ફેર : અંદાજે ૩૫૫ જેટલા ઉમેદવારની પ્રાથમિક પસંદગી

રાજ્યના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા આયોજિત અને નર્મદા જિલ્લા રોજગાર કચેરીના ઉપક્રમે વિવિધ ઔદ્યાગિક એકમો-નોકરીદાતાઓના સહયોગથી તાજેતરમાં રાજપીપલા મુખ્યમથકે શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ વિદ્યાલય સંકુલ ખાતે યોજાયેલા મેગા જોબફેર-૨૦૧૮ ને નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી એચ.આર. મોરે, આઇટીઆઇના આચાર્યશ્રી એ.ડી.ચૌધરી અને જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયા સહિત રોજગાર વાંચ્છુ ઉમેદવારોની વિશાળ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.

રાજ્યના માહિતી અને પ્રાસારણ વિભાગની જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલાએ ઉપસ્થિત રોજગાર વાંચ્છુ ઉમેદવારોને સંબોધતા તેમના પ્રેરક ઉદબોધનમાં કારકિર્દી ઘડતરમાં ખૂબ જ ઉપયોગી રાજ્ય સરકારના મુખપત્ર ગુજરાત પાક્ષિક” અને “ગુજરાત રોજગાર સમાચાર” સાપ્તાહિક ની વિસ્તૃત જાણકારી આપવાની સાથોસાથ સરકારશ્રીની અનેકવિધ કલ્યાણકારી અને રોજગારલક્ષી યોજનાના લાભો મેળવવા માટે યોજનાકીય અને પ્રકિર્ણ પ્રકાશનોની પણ સમજ આપીને તેનો મહત્તમ લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રકાશનોની નોંધણી માટેના લવાજમ સ્થળ ઉપર સ્વીકારવાની વ્યવસ્થા પણ માહિતી વિભાગ તરફથી કરાઇ હતી.  

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી એચ.આર. મોરેએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં ડિગ્રી કે ડિપ્લોમાના અભ્યાસક્રમો ઉપરાંત આઇ.ટી.આઇ. માં વિવિધ ટ્રેડમાં મળતાં તાલીમી અભ્યાસક્રમો પણ તેટલાં જ ઉપયોગી હોવાની સાથે ઇલેક્ટ્રીશીયન, પ્લમ્બીંગ, કારપેન્ટીંગ વગેરે ક્ષેત્રોમાં રહેલી તકો પારખીને સ્વરોજગારીના માધ્યમથી શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરની હિમાયત કરી હતી. તેમણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગ, વેપાર, સેવા ક્ષેત્રે અપાતી ધિરાણ સવલત ઉપરાંત વિવિધ સ્વરોજગારી માટે યોજનાકીય ધિરાણનો લાભ લઇ સ્વનિર્ભર બનવા ખાસ અનુરોધ કર્યો હતો.

આઇટીઆઇના આચાર્યશ્રી એ.ડી. ચૌધરીએ જિલ્લાની જુદી જુદી આઇ.ટી.આઇ.માં ચાલતા લાંબાગાળા- ટૂંકાગાળાના અભ્યાસક્રમોની જાણકારી આપી ડિગ્રી કે ડિપ્લોમામાં પ્રવેશ ન મેળવી શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને આજના સ્પર્ધાત્મક યુગમાં કૌશલ્ય વર્ધન થકી આઇ.ટી.આઇ.ના જુદા જુદા તાલીમી અભ્યાસક્રમોના માધ્યમથી વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનું ઘડતર કરવા આહવાન કર્યું હતું. નર્મદા જિલ્લામાં રાજપીપલા આઇ.ટી.આઇ. ખાતે સૌ પ્રથમ GST સંદર્ભે ૧૦૦ કલાકનો અભ્યાસક્રમ પણ શરૂ કરાયો છે, જેમાં પ્રવેશ મેળવવા માટે ભારતીય કાયદા હેઠળ સ્થાપિત યુનિવર્સિટિમાંથી કોમર્સ, Higher Auditing, Business Administration, Business Management, Law અથવા Banking માં સ્નાતક અથવા અનુસ્નાતક અથવા તેની સમકક્ષ પરીક્ષાની ડિગ્રી હોવી જરૂરી છે.

જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર. બારીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી મેગા જોબ ફેરનો હેતુ સમજાવી તેની રૂપરેખા આપી હતી. નર્મદા જિલ્લા ઉપરાંત વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જેવા વિસ્તારોમાંથી ૧૦ જેટલા ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ-નોકરીદાતાઓ અંદાજે ૩૭૫ જેટલી વેકેન્સી પૂરવા માટે આજના મેગા જોબ ફેરમાં ઉપસ્થિત રહીને તેમની સંસ્થાની જરૂરિયાત, પગાર-ધોરણ તેમજ ઉપલબ્ધ અન્ય સવલતો વિશે જાણકારી આપી હતી અને ઉપસ્થિત ઉમેદવારોના બાયોડેટા એકત્ર કરીને પ્રાથમિક પસંદગીની કામગીરી હાથ ધરી હતી.

આ પ્રસંગે નિવૃત્ત પ્રોફેસરશ્રી ભાઇલાલભાઇ પરમારે ગુજરાતી-અંગ્રેજી એમ બંને ભાષાના અનુવાદનું કામ ૬ માસમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શીખવવા માટેની તૈયારી દર્શાવતાં જણાવ્યું હતું કે, આ ક્ષેત્રે પણ માન-સન્માન સાથે સારી રોજગારી મેળવી શકાય છે, ત્યારે આ ક્ષેત્રે રસ ધરાવતા ઉમેદવારોને આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આજે યોજાયેલા આ મેગા જોબ ફેરમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૪૨૨ ને કોલ લેટર પાઠવવામાં આવ્યા હતાં, જે પૈકી અંદાજે ૫૨૫ જેટલા ઉમેદવારો આ ભરતી મેળામાં હાજર રહ્યાં હતાં અને જુદી જુદી જગ્યાઓની ભરતી માટે ઉપસ્થિત દસેક નોકરીદાતાઓ તરફથી અંદાજે ૩૫૫ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આઇટીઆઇના ફોરમેન ઇન્સ્ટ્રક્ટર શ્રી એસ.વી. કટારીયા, નિવૃત્ત પ્રોફેસરશ્રી ભાઇલાલભાઇ પરમાર, રોજગાર, ઉદ્યોગ, માહિતી, આઇ.ટી.આઇ.ના કર્મચારીગણ, રોજગારવાંચ્છુ ઉમેદવારો, વાલીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

कांग्रेस में नई सुची जारी होने के बाद फिर हंगामा : जमालपुर में साबिर काबलीवाला को टिकट नही

aapnugujarat

બીબીબીપી અમદાવાદના નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા

aapnugujarat

લોકસભા ચૂંટણી : કોંગ્રેસે સાત મહત્વની કમિટિ રચી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1