Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીઆરપીએફ કેમ્પ પર હુમલા બાદ વ્યાપક કોમ્બિંગ ઓપરેશન

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે હચમચી ઉઠેલા અને દહેશતમાં મુકાયેલા આતંકવાદીઓ હવે તેમની હાજરી પુરવાર કરવા હુમલાઓ વધારી રહ્યા છે. સેના અને તેમના પરિવારના સભ્યોને ટાર્ગેટ બનાવીને હુમલા ત્રાસવાદીઓએ વધારી દેતા સેનાના જવાનો વધુ આક્રમક કાર્યવાહી કરવા માટે તૈયારી કરી ચુકી છે. સુંજુવાન કેમ્પમાં ક્લિનિંગ ઓપરેશન વચ્ચે શ્રીનગરમાં ફરી એકવાર ત્રાસવાદીઓએ સીઆરપીએફ કેમ્પમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો છે. શ્રીનગરના કરણનગરમાં સીઆરપીએફ કેમ્પ ઉપર આ હુમલો કરાયો હતો. ત્રાસવાદીઓ કેમ્પમાં ઘુસવામાં સફળ રહ્યા ન હતા પરંતુ નજીકની બિલ્ડિંગમાં ઘુસી ગયા હતા. અહીં તમામ પાંચ પરિવારોને બચાવી લેવાયા છે. બીજી બાજુ જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓ દ્વારા સેનાના કેમ્પ ઉપર કરવામાં આવેલા હુમલા બાદ સુરક્ષા જવાનો વધુ સાવધાન થયેલા છે. શનિવારના દિવસે વહેલી પરોઢે જમ્મુ-પઠાણકોટ માર્ગ પર સુંજુવાન આર્મી કેમ્પમાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યાના ૫૫ કલાકથી વધુ સમય બાદ ભારતીય સેનાનુ ઓપરેશન જારી રહ્યુ છે. તમામ ત્રાસવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યા બાદ હજુ પણ સાવચેતીના પગલારૂપે કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યુ છે. ક્લિનિંગ ઓપરેશનના ભાગરુપે સેનાએ લશ્કરી શિબિરના ખાલી આવાસી ક્વાર્ટરો ઉપર મોર્ટાર ઝીંક્યા હતા જેથી ત્યાં આગ લાગી ગઈ હતી. સુંજુવાન કેમ્પ હુમલામાં માર્યા ગયેલા તમામ ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં ખાતક હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્રાસવાદીઓ સામે જીવ સટોસટનો જંગ ખેલનાર અને મોડેથી પ્રાણોની આહુતિ આપનાર જવાનોની ઓળખ કરી લેવામાં આવી છે. બીજી બાજુ ત્રાસવાદીઓ હજુ હુમલાના મુડમાં છે. આર્મી કેમ્પ પર હુમલા બાદ જવાનો ઓપરેશનમાં વ્યસ્ત હતા ત્યારે જ ત્રાસવાદીઓએ સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરી દીધો હતો. જેમાં છ જવાનો અને છ નાગરિકો ઘાયલ થયા હતા. આમા એક જવાન શહીદ થયો છે. આ હુમલો કરી ત્રાસવાદીઓ ફરાર થઇ ગયા હતા. આનો અર્થ એ થયો કે હુમલાનો ખતરો હજુ તોળાઇ રહ્યો છે. કેમ્પમાં શનિવારે વહેલી પરોઢે પાંચ વાગે ઘુસેલા ત્રાસવાદીઓ સામે ઓપરેશન સત્તાવારરીતે હજુ પરિપૂર્ણ કરવામાં આવ્યું નથી.સેનાએ વ્યાપક ઓપરેશન હાથ ધરીને ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઓપરેશનમાં પાંચ જવાન શહીદ થયા હતા. અથડામણ દરમિયાન એક નાગરિકનું પણ મોત થયું હતુ. ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આર્મી કેમ્પ પર શનિવારે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે આજે ત્રીજા દિવસે પણ જારી રહ્યુ હતુ. જેના ભાગરૂપે ચારેબાજુ ત્રાસવાદીઓની વ્યાપક શોધખોળ ચાલી રહી છે. કમાન્ડો પણ મેદાનમાં ઉતરેલા છે. ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ જમ્મુ શહેરમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી.શનિવારે વહેલી પરોઢે ૪.૫૫ વાગ્યાની આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણોસર આસપાસની તમામ સ્કુલોને બંધ કરાવી દેવામાં આવી હતી. ત્રાસવાદી હિંસા જમ્મુ કાશ્મીરમાં વધી ગઇ છે. ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કાશ્મીરના પાટનગર શ્રીનગરના શ્રીમહારાજા હરિસિંહ હોસ્પિટલની અંદર લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરીને એક પાકિસ્તાની ત્રાસવાદી અબુ હંજૂલા ઉર્ફે નાવિદ જટને છોડાવી લેવામાં સફળતા મેળવી હતી. આના કારણે ભારતીય સુરક્ષા તંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. લશ્કરના પાકિસ્તાની ત્રાસવાદી નાવિદ જટને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ કાશ્મીરના પુલગામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તે ત્રાસવાદી શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. પોલીસ કર્મી પાકિસ્તાની ત્રાસવાદી નાવિદને તપાસ માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા. તેજ ગાળા દરમિયાન તોઇબાના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલમાં ત્રાસવાદી હુમલા દરમિયાન હુમલાખોરોની સાથે બચી ગયેલો ત્રાસવાદી નાવિદ ફરાર થવામાં સફળ રહ્યો હતો.

Related posts

વિપક્ષને ફટકો : વીવીપેટ ગણતરી પ્રક્રિયા બદલવાનો પંચનો ઇનકાર

aapnugujarat

સબરીમાલામાં મોટી સંખ્યામાં મહિલાને પરત ફરવાની ફરજ

aapnugujarat

ચીન સાથે યુદ્ધની આશંકા વચ્ચે રક્ષામંત્રાલયે સરકાર પાસે કરી વધુ બજેટની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1