અલ્હાબાદ હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે, ત્રિપલ તલાકની ઇસ્લામિક પ્રથા અયોગ્ય છે. કારણ કે મુસ્લિમ લગ્ન કોન્ટ્રાક્ટ સમાન છે જેને પાર્ટનરની મંજુરી લીધા વગર પતિ દ્વારા એકપક્ષીય રીતે રદ કરી શકાય નહીં. હાઈકોર્ટનો આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ત્રિપલ તલાકને લઇન ેદેશભરમાં ભારે હોબાળો મચેલો છે. હાઈકોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, મુસ્લિમ મહિલા સહિત કોઇપણ વ્યક્તિના અધિકાર અને ઝેન્ડરના આધાર પર માનવ અધિકાર સાથે ચેડા થઇ શકે નહીં. પર્સનલ લોના નામ ઉપર કાયદા સાથે ચેડા કરી શકાય નહીં. પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા ત્રિપલ તલાકની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી ૧૧મી મેના દિવસથી હાથ ધરવામાં આવશે. નિકાહ હલાલા અનેમુસ્લિમોની અંદર બહુપત્નિની પ્રથાના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિપલ તલાકને લઇને મુદ્દો ઉઠાવી ચુક્યા છે. મોદીએ આ મુદ્દો ઉઠાવ્યા બાદથી દેશભરમાં આને લઇને ભારે ચર્ચા છે. મુસ્લિમોમાં છુડાછેડાની પ્રથાને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોદી કહી ચુક્યા છે કે, ત્રિપલ તલાક એક ખરાબ સામાજિક પ્રથા છે જેને દૂર કરવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારની પ્રથા સામાજિક જાગૃત્તિ દ્વારા જ દૂર થઇ શકે છે. મોદી મુસ્લિમ સમુદાયના બુદ્ધિજીવી લોકોને આગળ આવીને આ પ્રથાને દૂર કરવા જવાબદારી લેવા અપીલ કરી ચુક્યા છે. આ જટિલ મુદ્દા પર કેન્દ્ર સરકાર પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુકી છે. કોર્ટમાં કેન્દ્ર સરકાર સ્પષ્ટપણે કહી ચુકી છે કે, ત્રિપલ તલાક, નિકાહ હલાલા અને મુસ્લિમ સમુદાય બહુપત્નિના મામલા મુસ્લિમ મહિલાના અધિકારનો ભંગ સમાન છે. મુસ્લિમ મહિલાના ગૌરવને નુકસાન પહોંચાડા છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ મોટી સંખ્યામાં મહિલાઓ પણ રજૂઆત કરી ચુકી છે અને ત્રિપલ તલાકની પ્રથાને રદ કરવાની માંગ કરી ચુકી છે.