Aapnu Gujarat
ગુજરાત

શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસનાં મેગા ઓપરેશન

શહેરના છારાનગર, સરદારનગર અને કુબેરનગર વિસ્તારમાં શહેર પોલીસતંત્રએ આજે એક બહુ મહત્વના મેગા ઓપરેશનમાં સેંકડો પોલીસ જવાનોના કાફલા સાથે દરોડા પાડયા હતા અને આ વિસ્તારોમાંથી કુલ ૮૦૦ લિટર દેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો, તો ૩૦૦ લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે ૪૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી અને લગભગ ૫૦ જેટલા કેસ કરવામાં આવ્યા હતા. શહેર પોલીસના આ મેગા ઓપરેશનને લઇ શહેરભરમાં દારૂના બુટલેગરો અને દારૂની હેરાફેરી કરતા તત્વોમાં જોરદાર ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
શહેરના સેકટર-૨ પોલીસના બે ડીસીપી, ચાર એસીપી, ૨૦ પીઆઇ અને ૪૦૦થી વધુ પોલીસ જવાનોની મદદથી આ મેગા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે દરોડાના સ્થળોએથી દારૂ બનાવવાનો મુદામાલ સહિતનો અન્ય સરસામાન પણ જપ્ત કર્યો હતો. સેકટર-૨ પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સેંકડો પોલીસ જવાનોના કાફલા સાથે આજે વહેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસ ભારે ગુપ્તતાપૂર્વક આ મેગા ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પોલીસની અલગ-અલગ ટીમો શહેરના છારાનગર, સરદારનગર અને કુબેરનગર વિસ્તારમાં ત્રાટકી હતી અને સ્થાનિક કુખ્યાત બુટલેગરો અને દારૂની હેરાફેરી કરતા તત્વોના ત્યાં સપાટો બોલાવ્યો હતો. પોલીસે દરોડાના સ્થળોએથી ૪૦થી વધુ આરોપીઓને તો રંગેહાથ ત્યાંથી જ ઝડપી લીધા હતા. પોલીસે આ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન દરમ્યાન દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપરાંત, દારૂ બનાવવાનો મુદ્દામાલ સહિતનો અન્ય જથ્થો જપ્ત કર્યો હતો. ચાર કલાકથી વધુ ચાલેલા આ સમગ્ર ઓપરેશનમાં એસઆરપીના સશસ્ત્ર જવાનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ૮૦૦ લિટર દેશી દારૂ જથ્થો પકડી પાડી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો, જયારે ૩૦૦ લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરી લગભગ ૫૦ જેટલા પ્રોહીબીશનના કેસો કર્યા હતા.
શહેર પોલીસના ખાસ કરીને સેકટર-૨ પોલીસના આ મેગા ઓપરેશન અને દારૂડિયા તત્વો-બુટલેગરો પર બોલાવાયેલી તવાઇને લઇ આ વિસ્તારના સ્થાનિક નાગરિકોમાં ખાસ કરીને મહિલાઓ અને જાગૃત નાગરિકોમાં પોલીસની કામગીરીની વાહવાહી થઇ હતી. પોલીસે બહુ જોરદાર રીતે સમગ્ર મેગા ઓપરેશન પાર પાડયુ હતું. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શહેરના ગોમતીપુર સહિતના વિસ્તારોેમાં ચાલતા દારૂના અડ્ડા અને તેના કારણે સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓની બનતી દયનીય સ્થિતિને લઇ શહેર પોલીસ કમિશનર અને કલેકટરને રૂબરૂ મળી શહેરમાં દારૂબંધીના કાયદાની કડકાઇથી અમલવારી કરાવવા અને આવા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ શહેર પોલીસ દ્વારા દારૂના દૂષણને નાથવા હાથ ધરાયું હોય તેવું આ સૌથી મોટું અને સફળ ઓપરેશન હતું.

Related posts

પેપર લીકમાં સીટીંગ જજથી તપાસ કરાવવા કોંગીની માંગ

aapnugujarat

યોગ તો આરોગ્ય સાચવવાની ઝીરો કોસ્ટ થેરેપી છે :  પુરુષોત્તમ રૂપાલા

aapnugujarat

અમદાવાદમાં નિરાધાર બાળકો અને મહિલાઓને રાશન કીટનું વિતરણ

editor

Leave a Comment

UA-96247877-1