Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નાણાં મંત્રી અરૂણ જેટલી આવતીકાલે બજેટ રજુ કરશે

નાણાંપ્રધાન અરૂણ જેટલી આવતીકાલે કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. અનેક પ્રકારની લોકોની અપેક્ષા અને અનેક પ્રકારના જટિલ પડકારો વચ્ચે નાણાંપ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરશે. બજેટમાં દેશના તમામ વર્ગને રાજી રાખવાની બાબત તેમના માટે સરળ રહેશે નહી.જેટલી મુળભૂત મુક્તિ મર્યાદાને વધારીને ત્રણ લાખ રૂપિયા કરી શકે છે.કંપની કરવેરામાં પણ કાપ મુકી શકે છે. કંપની કરના દરને વર્તમાન ૩૦-૩૪ ટકાથી ઘટાડીને ૨૮ ટકા સુધી કરી શકાય છે. બજેટમાં કૃષિ ક્ષેત્રમાં રોકાણ અને મોટા માળખાકીય પ્રોજેક્ટ પર ખર્ચ વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. રોજગાર પર ખાસ ધ્યાન રહેશે. નાણાંપ્રધાન આવકવેરા સલેબમાં કેટલાક ફેરફાર કરી શકે છે. હાલમાં અઢી લાખ સુધીની આવક કરમુક્ત છે. કોર્પોરેટ ટેક્સ રેટને ઘટાડી દેવામાં આવે તેવી શક્યતા છે. કંપનીઓ માટે ડીડીટી ખતમ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વખતે નોટબંધી અને જીએસટીના કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે. સાથે સાથે મોટા ભાગના ક્ષેત્રોમાં પણ મંદી આવી છે. આવી સ્થિતીમાં આરોગ્ય, કૃષિ, શિક્ષણ, ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય તમામ જરૂરી સેક્ટરોની માગને પૂર્ણ કરવા માટે જેટલી સંતુલિત પ્રયાસ કરે તેમ માનવામાં આવે છે. સામાન્ય લોકો નોટબંધી અને જીએસટીના કારણે ખુબ મુશ્કેલીમાંથી પસાર થઇ ચુક્યા છે. જેથી તેમના માટે પણ કેટલીક આકર્ષક રાહત જાહેર કરવામાં આવી શકે છે. પગારદાર વર્ગ દ્વારા પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. બજેટમાં બચતને પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. બજેટમાં સામાન્ય લોકો ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે. નોટબંધી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મંદી પ્રવર્તી રહી છે જેથી આ સેક્ટરમાં તેજી લાવવાનો પણ પડકાર રહેલો છે. આ ઉપરાંત હાઉસ પ્રોપર્ટી માટેની આવકને લઇને પણ કેટલીક જાહેરાતો થઇ શકે છે. બજેટમાં અન્ય કેટલીક જોગવાઈઓને લઇને તમામ લોકો પોતપોતાની રજૂઆતો કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૪માં મે મહિનામાં સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર તેનુ પાંચમુ અને અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરનાર છે. જેમાં મધ્યમ વર્ગ, ખેડુત વર્ગ, અને યુવા વર્ગને ખુશ કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. બજેટમાં વ્યક્તિગતો અને કંપનીઓને ટેક્સમાં કેટલીક રાહત મળી શકે છે. ટેક્સના સ્લેબ અથવા તો મુક્તિ મર્યાદાના પાસામાં ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે. તેમાં ફેરફાર કરીને વ્યક્તિગતો અને કંપનીઓને કેટલીક રાહત સરકાર આપી શકે છે. દેશમાં વધુ રોકાણ કરવા માટે કંપનીઓને પ્રોત્સાહન આપવા નવી પહેલ થઇ શકે છે. કોર્પોરેશન ટેક્સને લઇને પણ ગણતરી ચાલી રહી છે. ટેક્સ નિષ્ણાંતો માને છે કે મોદી સરકાર આ દિશામાં પહેલ કરી શકે છે. બજેટમાં જેટલી સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં વધારો પણ કરી શકે છે. આશરે ૧૦ ટકા વધારો સંરક્ષણ ફાળવણીમાં કરવામાં આવી શકે છે. મોદી સરકાર કેન્દ્રિય બજેટમાં આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. નરેન્દ્ર મોદી સરકાર રાજ્યોને વધારે સત્તા આપવા ઇચ્છુક દેખાઇ રહી છે. ભારતના વિકાસમાં રાજ્યોની ભૂમિકા વધારે મજબુત બને તેવી ઇચ્છા મોદી સરકાર ધરાવે છે. કેન્દ્રિય બજેટમાં આનો સંકેત આપવામાં આવી શકે. જુદા જુદા મંત્રાલયોના બજેટમાં પણ જંગી ઘટાડો કરવામાં આવી શકે છે. યોજના અને બિન યોજનાખર્ચ વચ્ચેના અંતરને લઇને નવી નિતી જાહેર કરવામાં આવી શકે છે. સામાજિક સેક્ટરને યોજના ફાળવણીમાં કાપ મુકાશે નહી પરંતુ રાજ્યોને આમાં ભૂમિકા અદા કરવા માટે કહેવામાં આવશે. .વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ મોદી સરકાર બજેટ રજૂ કરતી વેળા આ વખતે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર ખાસ નજર રાખશે. સરકાર દરેક બજેટમાં સર્વિસ ટેક્સની જાળને વધુ વિસ્તૃત કરે છે. આ પરંપરાને જાળવી રાખવાની બાબત સરળ રહેશે નહી. જુદા જુદા ક્ષેત્રો તરફથી છેલ્લા ઘણા દિવસથી માંગ કરવામાં આવી રહી હતી. સ્ટીલ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની માંગ થઇ રહી હતી. શિસ્તમાં રહેતા કરદાતાઓને રાહત આપવાના હેતુસર એચએનઆઈ પર વધારાના ટેક્સ લાગૂ કરવામાં આવી શકે છે.કૃષિને વિશેષ મહત્વ અપાઈ શકે છે.ઇન્કમ ટેક્સ રેટને લઇને સામાન્ય લોકોમાં હમેંશા ચર્ચા રહે છે. નવી પરંપરા શરૂ થઇ તુકી છે. જેના ભાગરૂપે આ વખતે પણ ફેબ્રુઆરીના અંતિમ દિવસના બદલે ફેબ્રુઆરીના પ્રથમ દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે. સામાન્ય બજેટમાં ગ્રામીણ ક્ષેત્ર અને રોજગાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. આ બન્ને પાસા પર મોદી સરકાર હાલના વર્ષોમાં ફ્લોપ રહી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ખેડુતો આંદોલન પણ કરતા રહ્યા છે. ખેડુત સમુદાયના લોકો કહી રહ્યા છે કે ખાદ્યાન, ડીઝલ, વીજળી અને જંતુનાશક દવા મોંઘી થવાના પરિણામસ્વરૂપે તેની હાલત કફોડી બનેલી છે. એકબાજુ તમામ ચીજોની કિંમતો વધી રહી છે તો બીજી બાજુ તેમની કોઇ પણ પેદાશ માટે પુરતા ભાવ મળી રહ્યા નથી. આવી જ રીતે સરકાર પર આરોપો પણ થઇ રહ્યા છે કે તે રોજગારની તક સર્જવામાં સફળ સાબિત થઇ રહી નથી.આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં આર્થિક વિકાસ વૃદ્ધિ દર ૬.૭૫ ટકા રહેશે. જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં આ ૭-૭.૫ ટકા સુધી પહોંચી શકે છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ક્રુડ ઓઇલની કિંમતમાં ૧૨ ટકાનો વધારો થવાના સંકેત આપવામાં આવ્યા છે. જેની ગ્રોથ રેટ પર અસર થાય તે તો સ્વાભાવિક છે. સર્વિસ સેક્ટર ગ્રોથ ૮.૩ ટકા અને કૃષિ ક્ષેત્રમાં વૃદ્ધિ દર ૨.૧ ટકા રહેવાની વાત કરવામાં આવી છે. આર્થિક સર્વે ૨૦૧૮માં આર્થિક સલાહકારોની તરફથી સલાહ આપવામાં આવી છે કે મધ્યમ અવધિમાં રોજગાર, શિક્ષણ અને કૃષિ પર ભાર મુકવામાં આવનાર છે. આ તમામ સેક્ટરમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આર્થિક સર્વેમાં પ્રથમ વખત એવુ બન્યુ છે જ્યારે કૃષિ પર ખાસ પ્રકરણને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સર્વેમાં વર્ષ ૨૦૧૭-૧૮માં કૃષિ સેક્ટરનો ગ્રોથ રેટ ૨.૧ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જે નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ના ગ્રોથ રેટ કરતા ૨.૮ ટકા ઓછો છે. ગયા વખતે કૃષિ સેક્ટર ગ્રોથ ૪.૯ ટકાની આસપાસ રહ્યો હતો. બજેટ આવતીકાલે સવારે ૧૧ વાગે લોકસભામાં રજૂ કરાશે.

Related posts

हरियाणा चुनाव : २९३३ पोलिंग बूथ संवेदनशील

aapnugujarat

અરુણાચલ પ્રદેશમાં નક્સલી હુમલો, ધારાસભ્ય સહિત ૧૧ની હત્યા

aapnugujarat

तीन तलाक पर एनडीए सरकार ने लिया यु-टर्न

aapnugujarat

Leave a Comment

UA-96247877-1