Aapnu Gujarat
ગુજરાત

ગોધરાકાંડનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

દેશ અને દુનિયામાં ખળભળાટ મચાવનારા ગોધરાકાંડના જઘન્ય હત્યાકાંડ કેસમાં છેલ્લા ૧૬ વર્ષોથી નાસતા ફરતા આરોપી યાકુબ પાતળીયાને આજે પંચમહાલ પોલીસે ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી આબાદ ઝડપી લીધો હતો. ગોધરાકાંડનો આરોપી ૧૬ વર્ષે પકડાતાં ફરી એકવાર દેશના સૌથી સંવેદનશીલ કેસોમાં ગણાતો એવો ગોધરાકાંડ કેસ ચર્ચામાં આવ્યો હતો. પંચમહાલ બી ડીવીઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે ભારે ગુપ્તતાપૂર્વક ઓપરેશન પાર પાડી ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી ગોધરાકાંડ કેસમાં છેલ્લા ૧૬ વર્ષથી વોન્ટેડ એવા આરોપી યાકુબ પાતળીયાને ઝડપી લીધો હતો. આટલા વર્ષોથી નાસતો ફરતો આરોપી યાકુબ પાતળીયા હાલ વયોવૃધ્ધ અવસ્થામાં ૬૩ વર્ષની વયે પહોંચી ચૂકયો છે. પોલીસે આરોપી યાકુબ પાતળીયાની ધરપકડ કરી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ને સોંપી દીધો હતો કે જે ગોધરાકાંડ કેસની તપાસ ચલાવી રહી છે. ગત તા.૨૭-૨-૨૦૦૨ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચ પર હુમલો કરવા એકત્ર થયેલા ટોળામાં આરોપી યાકુબ પાતળિયા પણ હિસ્સો હતો અને આ સમગ્ર જઘન્ય હત્યાકાંડ કેસમાં તેની પણ સક્રિય સંડોવણી બહાર આવી હતી. આ કેસ સંદર્ભે પાતળિયા વિરૂધ્ધ સપ્ટેમ્બર-૨૦૦૨માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આઇપીસીની કલમ-૩૦૭, ૧૪૩,૧૪૯, ૧૪૭, ૧૪૮, ૩૩૨, ૩૫૨ અને ૧૫૩(એ) તથા રેલ્વે એકટની સંબંધિત કલમો હેઠળ તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો. જો કે, આરોપી યાકુબ પાતળિયા છેલ્લા ૧૬ વર્ષોથી નાસતો ફરતો રહેવામાં સફળ રહ્યો હતો. તેનો ભાઇ કાદિર પાતળિયા પણ આ કેસમાં ૨૦૧૫માં પકડાયો હતો અને ટ્રાયલ ચાલવા દરમ્યાન જેલમાં જ મૃત્યુ પામ્યો હતો. તેનો એક બીજો ભાઇ ઐયુબ પાતળિયા વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગોધરાકાંડ કેસમાં સ્પેશ્યલ કોર્ટે ૩૧ આરોપીઓને સજા ફટકારી હતી, જેમાં ૧૧ને ફાંસીની સજા ફરમાવી હતી. જયારે ૬૩ આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા હતા. આ હુકમ સામેની અપીલોમાં ગુજરાત હાઇકોર્ટે ૧૧ આરોપીઓની ફાંસીની સજા ઘટાડી આજીવન કેદમાં તબદિલ કરી હતી, જયારે અન્ય ૨૦ આરોપીઓની જન્મટીપની સજા યથાવત્‌ રાખી હતી.

Related posts

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના લીમડી ગામ પાસે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના સ્થળ પાસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

aapnugujarat

લોકસભા ચૂંટણી પાઇપ લઇને નીકળેલા યુવાનને પોલીસે લોકઅપમાં પુરી દીધો

aapnugujarat

ગુજરાતમાં ભાજપનું પેજ સમિતિનું કાર્ય ૮૪ ટકા પૂર્ણ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1