સસ્તી વિમાની યાત્રા ઉપલબ્ધ કરાવનાર લો કોસ્ટ કંપની ઈન્ડીગોએ આજે સમર સ્પેશિયલ સેલની જાહેરાત કરી હતી. આ સ્કીમ હેઠળ ૮૯૯ રૂપિયામાં વિમાની ટિકિટની શરૂઆત થશે. ત્રણ દિવસ સુધી તમામ સ્થાનિક ઉડાણની ટિકિટ બુકીંગ પર છૂટછાટ આપવામાં આવશે. ઓફર હેઠળ એર પેસેન્જર સોમવારે ૮મી મેથી લઈને બુધવાર ૧૦મી મે સુધી કેટલાક નક્કી કરવામાં આવેલા રૂટ ઉપર ૮૯૯ રૂપિયાના શરૂઆતી ભાડામાં ટિકિટ બુક કરાવી શકે છે. મુંબઈ-ગોવા, અમદાવાદ-મુંબઈ, ચેન્નાઈ-પોર્ટબ્લેયર, ગુવાહાટી-હૈદરાબાદ, મુંબઈ-ગુવાહાટી, જમ્મુ-અમૃતસર, દિલ્હી-ઉદેપુર, કલકતા-અગરતલા સહિત અન્ય માર્ગો ઉપર ૮૯૯ રૂપિયામાં ટિકિટ બુકીંગ થઈ રહી છે. પહેલી જૂનથી ૩૧મી ઓગસ્ટ વચ્ચે યાત્રા કરનાર લોકો જ ઓફર હેઠળ સસ્તી ટિકિટ બુક કરાવી શકે છે. આ ગાળા દરમ્યાન ચેન્નાઈથી ૧૪ રૂટ ઉપર છૂટછાટવાળી ટિકિટ પર યાત્રા કરી શકાય છે. ચેન્નાઈથી બેંગલોર માટે ૯૯૯, મુંબઈ માટે ૧૭૯૯, કોલકાતા માટે ૨૨૯૯, કોઈમ્બતુર માટે ૧૦૯૯, કોચી માટે ૧૨૯૯ અને દિલ્હી માટે ૩૪૯૯ રૂપિયાના ટિકિટ બુકીંગ થશે. ગોવા માટે ૧૯૯૯, હૈદરાબાદ માટે ૧૩૯૯, ઈન્દોર માટે ૩૦૯૯ રૂપિયામાં ટિકિટ બુકીંગ થશે. કંપનીનું કહેવું છે કે વહેલા તે પહેલાના ધોરણે આ બુકીંગ થઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં કંપનીની યોજનાને ખૂબ હકારાત્મક પ્રતિસાદ મળતા હવે નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે. સમર સ્પેશિયલ ઓફરની જાહેરાત કરવામાં આવ્યા બાદ ગરમીની રજાઓ બાદ પણ યાત્રીઓની સંખ્યામાં વધારો થશે. આ સમર સ્પેશિયલ ઓફર યાત્રીઓને વધારે વિમાની યાત્રા કરવાની તક આપશે.