Aapnu Gujarat
Uncategorized

પદ્માવતની આગમાં ગુજરાતની શાંતિ હણાઇ : પ્રદર્શન હજુ જારી

પદ્માવત ફિલ્મની રિલીઝ અંગે સુપ્રીમકોર્ટે આપેલી લીલીઝંડી બાદ પણ ફિલ્મને રજૂ કરવાના મુદ્દે ભારે અસમંજસભરી સ્થિતિ સર્જાઇ હતી. રાજયભરમાં તોડફોડ, આગચંપી અને હાઇવે ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી હતી. ફિલ્મના વિરોધને લઇ રાજપૂત સમાજ દ્વારા સૌથી વધુ આક્રોશ મહેસાણામાં જોવા મળ્યો હતો. મહેસાણામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦થી વધુ એસટીબસો સળગાવવામાં આવી હતી, તો ગઇકાલે મોડી રાત્રે સાણંદથી અમદાવાદ આવી રહેલી એક એએમટીએસ બસને આગ ચાંપવામાં આવી હતી અને નિકોલ વિસ્તારમાં રાજહંસ થિયેટરમાં રાજપૂત સમાજના લોકોએ ભારે તોડફોડ મચાવી હતી. પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજપૂત સમાજ અને કરણી સેનાના કાર્યકરોએ જાહેર મિલ્કત અને સંપત્તિને નિશાન બનાવતાં તંત્ર અને પોલીસ પણ હરકતમાં આવ્યું હતું અને એસટી બસોને આગ ચાંપવા તેમ જ થિયેટરમાં તોડફોડની ઘટનામાં જરૂરી પોલીસ ફરિયાદો દાખલ કરી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. તો, આજે રાજકોટ સહિત વધુ કેટલાક શહેરોમાં પદ્માવત ફિલ્મ રજૂ નહી કરવાનો નિર્ણય લેવાયો હતો.બીજીબાજુ, સૌરાષ્ટ્રમાં વિરોધ આંદોલન માટે પદ્માવત વિરોધ સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી. પદ્માવતી ફિલ્મની આગમાં ગુજરાતની શાંતિ જાણે ડહોળાઇ રહી, રાજપૂત સમાજ દ્વારા રાજયના વિવિધ જિલ્લાઓમાં ઠેર-ઠેર ઉગ્ર વિરોધ અને પ્રદર્શનો યોજાઇ રહ્યા છે. એસટી બસો સળગાવવાની ગંભીર ઘટનાઓને ધ્યાનમાં લઇ એસટી તંત્રએ મહેસાણા જિલ્લાની ૧૫૦૦થી વધુ ટ્રીપો સહિત એસટી બસોની હજારો ટ્રીપો રાજયના જુદા જુદા વિસ્તારોમાં બંધ કરી દીધી હતી. તોડફોડ અને આગંચપીની ઘટનાઓ બાદ એકાએક બંધ કરાયેલી એસટી બસોની સેવાને પગલે રાજયના હજારો મુસાફરો રસ્તામાં જ, કાં તો જે તે એસટી ડેપોમાં અટવાઇ ગયા હતા અને ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. ગઇકાલે મહેસાણા જિલ્લામાં ત્રણ એસટી બસોમાં આગ લગાવવાની ઘટના બાદ જિલ્લાની તમામ એસટી સેવા મોડી રાતથી જ બંધ કરી દેવાઇ હતી. મહેસાણાના કડી, વિજાપુર, બહુચરાજી, ઉંઝા, વિસનગર, ખેરાલુ, સતલાસણા, પાલનપુર અને પાટણમાં એસટી બસોના પૈડા થંભાવી દેવાયા હતા. મહેસાણા જિલ્લામાં ૧૫૦૦થી વધુ એસટી બસોની ટ્રીપો રદ કરવામાં આવી છે, તો બનાસકાંઠામાં પદ્માવત ફિલ્મના વિરોધને લઇ જિલ્લાની ૧૦૦થી વધુ બસોના રૂટ બંધ કરવા પડયા છે. અંબાજીથી અમદાવાદ જતી બસો પણ બંધ કરવાની ફરજ પડી છે. હિંમતનગર એસટી ડેપોની રૂટની બસ સેવા હાલ પૂરતી બંધ કરાઇ છે, જેમાં મોડાસા, ઇડર રૂટ સિવાયના તમામ રૂટ બંધ કરી દેવાયા છે. આમ, ઉત્તર ગુજરાત તરફ જતમી મોટાભાગની બસોની ટ્રીપ બંધ કરી દેવાનો એસટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ જ પ્રકારે પાટણ એસટી ડેપોની તમામ રૂટની સેવા બંધ કરી દેવાઇ છે. આ જ પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એસટી બસ સેવા અગમચેતીના પગલારૂપે બંધ કરવાની ફરજ પડી હતી. અમદાવાદમાં ધોળકા-તારાપુર હાઇવે પર રાજપૂત સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા ફિલ્મનો વિરોધ કરી નેશનલ હાઇવે નં-૮ પર ટાયરો સળગાવી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. તો, પ્રાંતિજમાં પણ ફિલ્મનો જોરદાર વિરોધ થયો હતો. રાજપૂત સમાજે વિશાળ રેલી યોજી સંજય લીલા ભણશાલીના પૂતળાનું દહન કર્યું હતું અને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સ્થાનિક થિયેટર સંચાલકોને પદ્માવત ફિલ્મ નહી દર્શાવવા રજૂઆત કરી હતી. બીજીબાજુ, નવસારીમાં પણ કરણી સેના અને અન્ય હિન્દુ સંગઠનોએ મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે જામ કરી દીધો હતો. તો વડગામ-ખેરાલુ હાઇવે પર પણ મહાકાલ સેનાએ ટાયરો સળગાવી ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પણ રાજપૂત સમાજે જામ કરી દેતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. ઉંઝા તાલુકા અને રાજપૂત યુવા સંગઠન દ્વારા ઉંઝા-મહેસાણા હાઇવે બ્લોક કરીને ફિલ્મનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ જ પ્રકારે વસાઇ નજીક ટોળાએ ત્રણ એસટી બસોના કાચ ફોડીને ધમાલ મચાવી હતી. તો વિસનગરના કડા પાસે શનિવારે ઉશ્કેરાયેલા લોકોએ મોડી રાત્રે ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. વિજાપુર તાલુકાના મહાદેવપુરા-લાડોલ રોડ, રણછોડપુરા, હિંમતનગર રોડ અને વિજાપુરમાં રાજપૂત સમાજના લોકોએ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉમટી આવી ટાયરો સળગાવી રસ્તાઓ બ્લોક કર્યા હકતા. કડી-કલ્યાણપુરા રોડ પર પણ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બહુચરાજીમાં એસટી વર્કશોપ રોડ પર ટોળાએ ટાયરો સળગાવ્યા હતા. સતલાસણામાં અંબાજી રોડ પર ટાયરો સળગાવી વિરોધ કરતાં ૨૫ યુવાનોની સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી. પાટણમાં ડીસા હાઇવે પર પણ ટાયરો સળગાવી ટ્રાફિક ચક્કાજામ કરાયો હતો. બનાસકાંઠામાં પાલનપુર નજીકના કાણોદર, ડીસા, થરા, ગોળા, ધાનેરા સહિતના વિસ્તારોમાં હાઇવે પર ટાયરો સળગાવવાની ઘટનાઓ નોંધાઇ હતી. તો, વાવ-સૂઇ ગામ નેશનલ હાઇવે પર ટોળાએ ટાયરો સળગાવી આડશો મૂકી રસ્તા રોકતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી, જેને લઇ વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.

Related posts

नागरिकता कानून का विरोध भाजपा के लिए फायदेमंद, ‘श्री 420’ हारेंगे : स्वामी

aapnugujarat

રાજ્ય મંત્રી જસવંત સિંહ ભાભોર પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં

aapnugujarat

અડવાણી રાષ્ટ્રપતિપદ માટે સૌથી યોગ્ય ઉમેદવારઃ શત્રુઘ્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1