છત્તીસગઢના નક્સલી પ્રભાવિત સુકમા જિલ્લાના પોલીસ ટુકડીએ ૧૯ કુખ્યાત નક્સલીઓની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા નક્સલવાદીઓમાં નવ એવા નક્સલીઓ પણ સામેલ છે જે બુરકાપાલ હુમલામાં સામેલ હતા. સુકમા જિલ્લાના પોલીસ અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે, પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. મોટાપાયે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં બુરકાપાલ હુમલામાં સામેલ રહેલા નવ નક્સલવાદીઓને જિલ્લાના ચિંતાગુફા અને ચિંતલનાર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૧૦ નક્સલીઓની ધરપકડ કુકાનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી હતી. આ નક્સલવાદીઓ ફેબ્રુઆરી મહિનામાં ટ્રકમાં આગ ચાંપી દેવા અને પોલીસ દળ ઉપર હુમલા કરવાની ઘટનામાં સામેલ હતા. ૨૪મી એપ્રિલના દિવસે નક્સલવાદીઓએ ભીષણ છુપો હુમલો કર્યો હતો. સુકમા જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બુરકાપાલમાં નક્સલીઓએ હુમલો કર્યો હતો. સીઆરપીએફ ટુકડી ઉપર કરવામાં આવેલા આ હુમલામાં ૨૫ જવાન શહીદ થયા હતા. ઝડપાયેલા તમામ નક્સલીઓની ઓળખ કરી લેવામાં આવી છે. નક્સલીઓના લીડરોને પકડી પાડવા માટે પણ મોટાપાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વધુ સફળતા હાથ લાગે તેમ માનવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે, નક્સલી લીડરો ઉપર ચાંપતી નજર છે.
આગળની પોસ્ટ