Aapnu Gujarat
ગુજરાત

ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધાની હત્યા કરનાર હત્યારો અને તેનો સાગરિત ઝડપાયા

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ગત સપ્તાહમાં રંભાબહેન પટેલ નામની વૃધ્ધાની ગળુ દબાવી હત્યાના પ્રકરણમાં શહેર ક્રાઇમ બ્રાંચે આરોપી જમાઇ રમેશ પટેલની ગઇકાલે ધરપકડ કર્યા બાદ આ હત્યાની સોપારી લેનાર મુંબઇના કોન્ટ્રાકટ કિલર ઇશ્તીયાકના સાગરિત મહંમદ લતીફ રફીકશા ફકીર અને આ ગુનામાં તેની મદદ કરનાર શેરઅલી ઉર્ફે શેરૂની આજે ધરપકડ કરી લીધી હતી. હવે ક્રાઇમબ્રાંચે આ પ્રકરણમાં મુખ્ય કોન્ટ્રાકટ કિલરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, રંભાબહેનની હત્યા માટે તેમના જમાઇ રમેશ પટેલે ભૂતકાળમાં તેના રેતીના ધંધામાં ડ્રાઇવર તરીકે સાથે કામ કરતાં ઇશ્તીયાક નામના મુંબઇના વસઇ ખાતે રહેતા કોન્ટ્રાકટ કિલરને સોપારી આપી હતી. ઇશ્તીયાકે રંભાબહેનની હત્યા માટે તેના માણસ મોહમંદ લતીફ રફીકશા ફકીરને અમદાવાદ મોકલ્યો હતો. તેણે અહીં આવી વટવામાં રહેતા તેના સંબંધી શેરઅલી ઉર્ફે શેરૂનો સંપર્ક કર્યો હતો અને તેને રીક્ષા લઇને આવવા જણાવ્યું હતું. શેરૂ ભાડાની રીક્ષા લઇને આવ્યો હતો અને રમેશ પટેલે સોંપેલ તેની સાસુની હત્યાનું કામ પતાવી આરોપી મોહમંદ લતીફ રફીકશા ફકીર અને શેરૂ બંને વટવા જતા રહ્યા હતા. પકડાયેલો આરોપી મોહંમદ લતીફ રફીકશા ફકીર પણ જોગેશ્વરી ઇસ્ટ, સુન્ની જામા મસ્જિદ ફાતમા બી ચાલ નાશીરભાઇના મકાનમાં, મુંબઇ ખાતે રહે છે અને અગાઉ મુંબઇના ગોરેગાંવ મલાડ પોલીસ મથકના મારામારીના ગુનામાં ચારેક મહિના પહેલા પકડાયો હતો. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, ગત તા.૨૧-૧૨-૨૦૧૭ના રોજ બપોરના સમયે ઘાટલોડિયા વિસ્તારમાં કર્મચારીનગર વિભાગ-૨માં એ-૫૩ નંબરના બંગલામાં રહેતા રંભાબહેન પટેલની કોઇ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી રહસ્યમય સંજોગોમાં હત્યા કરી નાંખી હતી. ક્રાઇમબ્રાંચે મૃતક રંભાબહેનને છ પુત્રીઓ હોઇ પોલીસે તમામની વિગતો એકત્ર કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમની એક પુત્રી આરતી સોસાયટી, ઘાટલોડિયામાં પોતાના પતિ રમેશ પટેલ સાથે રહેતી હોવાની માહિતી મળી હતી. એટલું જ નહી, મૃતક રંભાબહેનની આ ત્રીજા નંબરની પુત્ર ઉષાબહેનના પતિ રમેશ પટેલને ધંધામાં લાખો રૂપિયાનું દેવું થઇ ગયું હોવાની હકીકત ક્રાઇમબ્રાંચના ધ્યાન પર આવતાં શંકા વધુ મજબૂત થઇ હતી અને તેથી તેની અટક કરી વિગતો કઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રમેશ પટેલ ભાંગી પડયો હતો અને ગુનાની કબૂલાત કરી લીધી હતી. ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, રમેશ પટેલ અગાઉ રેતીના ટ્રાન્સપોર્ટેશનના વ્યવસાય સાથે સંકળાયેલ હતો અને હાલ એક મેડિકલ સ્ટોર પણ ધરાવે છે પરંતુ ધંધામાં બહુ નુકસાન ગયું હોઇ દેવાની ભરપાઇ કરવાની ફિરાકમાં હતો. સાસુ રંભાબહેન જે મકાનમાં રહેતા હતા, તેની કિંમત રૂ.ત્રણ કરોડ જેટલી થવા જાય છે અને જો તેમના મૃત્યુ બાદ તે વેચાય તો તેની પત્નીના ભાગમાં રૂ.૪૦થી ૫૦ લાખ આવે અને જો એમ થાય તો તેનું દેવું ભરપાઇ થઇ જાય એવા પ્લાન સાથે રમેશ પટેલે સાસુ રંભાબહેનની હત્યાનું કાવતરૂં ઘડયું હતું. આ માટે તેણે પાંચ લાખ રૂપિયાની સોપારી ઉપરોકત કોન્ટ્રાકટ કીલરને આપી હતી અને તેને સમજાવ્યો હતો કે, કયા સમયે રંભાબહેન ઘરમાં એકલા હોય છે, તેથી કોન્ટ્રાકટ કીલરનો માણસ કુરિયર બોય બનીને ગયો હતો અને હત્યાને અંજામ આપી ફરાર થઇ ગયો હતો. જો કે, ક્રાઇમબ્રાંચે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી આરોપી જમાઇ રમેશ પટેલ સહિત કુલ ત્રણ આરોપીની આ હત્યા કેસમાં ધરપકડ કરી લીધી છે.

Related posts

બોપલમાં પતિ,પત્ની અને વો કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો

aapnugujarat

એસીપી રીમા મુન્શીને હોદ્દા પર પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

કડી ખાતે નિતિન પટેલે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1