Aapnu Gujarat
બ્લોગ

વર્ષ ૨૦૧૭ની સૌથી મોટી રાજકીય ઘટના…..

વર્ષ ૨૦૧૭ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે વર્ષ ૨૦૧૭માં જુદા જુદા ક્ષેત્રોમાં મોટી રાજકીય ઘટનાઓ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ હજુ પણ અકબંધ રહ્યો છે. સત્તામાં ત્રણ વર્ષ છતાં તેમની લોકપ્રિયતા રહી છે. બીજી બાજુ જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે સત્તા મેળવી છે. કોંગ્રેસ પાર્ટીને એક પછી એક નિરાશા હાથ લાગી છે. વર્ષના અંતમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની વરણી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવા નવસર્જનની તકો દેખાઈ રહી છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર રાજકીય ક્ષેત્રે આંદોલન ચલાવીને ઉભરી આવ્યા છે તેમની ચર્ચા પણ રાજકીય ક્ષેત્રમાં જોવા મળી છે. વર્ષ ૨૦૧૭માં રાજકીય ક્ષેત્રે જે મોટી ઘટનાઓ રહી તે નીચે મુજબ છે.
નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ
સત્તામાં સાડાત્રણ વર્ષથી વધુ સમય હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશભરમાં અકબંધ રહી છે. આજે પણ ચૂંટણી યોજાઈ જાય તો મોદી સરકારને સૌથી વધુ મત મળે છે તેવા સર્વે પણ આવી ચુક્યા છે. વડાપ્રધાન પદ ઉપર તેમને જોવા ઇચ્છુક લોકોની સંખ્યા સૌથી વધારે છે. તેમના ફોલોઅર્સમાં સતત વધારો થઇ રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેમના ઝંઝાવતી પ્રચાર અને લોકપ્રિયતાના કારણે ભાજપને એક પછી એક રાજ્યોમાં જીત મળી છે જેમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજકીય ક્ષેત્રે સૌથી મહત્વપૂર્ણ રહેલા રાજ્યોનો સમાવેશ થાય છે. મોદી દ્વારા લેવામાં આવેલા સાહસી પગલાઓની પણ પ્રશંસા થઇ છે જેમાં નોટબંધી, જીએસટી અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા નિર્ણયનો સમાવેશ થાય છે. વિકાસ પુરુષ તરીકે તેમની નોંધ લેવાઈ છે. વિશ્વના મંચ ઉપર એક મજબૂત નેતા તરીકે નરેન્દ્ર મોદી ઉભરી આવ્યા છે. આવનાર સમયમાં તેમની લોકપ્રિયતા વધે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે.
રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા
કોંગ્રેસના પ્રમુખ તરીકે આખરે ૧૬મી ડિસેમ્બરના દિવસે રાહુલ ગાંધીની તાજપોશી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી તેમને કોંગ્રેસના પ્રમુખ બનાવવા માટેની હિલચાલ ચાલી રહી હતી. આખરે આજે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધિવતરીતે તાજપોશી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકરોએ દેશભરમાં ઉજવણી કરી હતી. રાહુલ ગાંધી ઉપર શુભેચ્છાઓનો વરસાદ પણ થયો હતો. મોટાભાગના રાજકીય પક્ષોએ પણ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી કોંગ્રેસની જુની પરંપરાને સફળરીતે આગળ વધારશે. તેમનામાં તમામ પ્રકારની કુશળતા રહેલી છે. જો કે, રાહુલ ગાંધી સામે શ્રેણીબદ્ધ નવા પડકારો પણ રહેલા છે. કોંગ્રેસ પાર્ટીની તાજેતરના સમયમાં એક પછી એક રાજ્યોમાં હાર થઇ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાની સાથે સાથે આવનાર સમયમાં યોજાનારી વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિને સુધારવાની પણ મોટી જવાબદારી રહેશે. હાલના વર્ષોમાં ખરડાયેલી પ્રતિષ્ઠા સુધારવા માટેની પણ તેમની જવાબદારી રહેશે. લોકોમાં જે છાપ ખરાબ થઇ છે તેને સુધારવાની પણ રાહુલ સામે મોટી જવાબદારી રહેશે. રાહુલ ગાંધીની તાજપોશી કરવામાં આવ્યા બાદ કાર્યકરો ઉત્સાહિત દેખાયા હતા.
ગુજરાતમાં ફરી ભાજપ સરકાર
ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો ૧૮મી ડિસેમ્બરે અંત આવ્યો હતો. હાઇપ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયા બાદથી જ પરિણામને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી હતી. એગ્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા બાદ તમામમાં ભાજપને લીડ આપવામાં આવી રહી હતી પરંતુ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે તમામ ચોંકી ઉઠ્યા હતા. એક વખતે તો જ્યારે પ્રવાહ આગળ વધી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે ભાજપ પર લીડ મેળવી લીધી હતી.જો કે ભારે રસાકસીની સ્થિતી છેલ્લે સુધી રહ્યા બાદ અને દિલધડક ટક્કર થયા બાદ ભાજપે સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. તમામ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૯૯ સીટ જીતીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસને જોરદાર પ્રચાર કર્યો હોવા છતાં અને તમામ તાકાત લગાવી હોવા છતાં ૮૦ સીટથી સંતોષ માનવાની ફરજ પડી હતી. હાર્દિક ફેક્ટર, જુદા જુદા આંદોલનના કારણે સરકારથી કેટલાક ચોક્કસ સમુદાયની નારાજગી, જીએસટી અને નોટબંધીની અસર દેખાઇ ન હતી. મોદી મેજિક વચ્ચે ભાજપે ફરી ભગવો લહરાવ્યો હતો. અન્યોને ફાળે ચાર સીટ ગઇ હતી. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની હાર થઇ હતી. ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર બની ગઈ છે. ભાજપે સત્તાવિરોધી લહેરને પાર પાડીને મોદીની લોકપ્રિયતા વચ્ચે ગુજરાતમાં ફરી સત્તા બનાવી લીધી છે. રૂપાણી મુખ્યમંત્રી તરીકે અને નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી તરીકે જારી રહ્યા છે.
હાર્દિક પટેલનો પાવર
પાટીદાર સમુદાય માટે અનામતની માંગણીને લઇને આંદોલન શરૂ કરનાર પાટીદાર નેતા હાર્દિક પટેલે દેશભરમાં લોકપ્રિયતા મેળવી લેવામાં સફળતા મેળવી હતી. તમામ નેતા લીડરો સાથે તેને મળવાની તક પણ મળી હતી. પોતાની સભાઓ અને રોડ શોમાં લાખોની સંખ્યામાં ભીડ એકત્રિત કરનાર હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપની ઉંઘ હરામ કરી દીધી હતી. ભાજપની ઘણી સીટો ઓછી કરવામાં હાર્દિક પટેલે ભૂમિકા ભજવી છે. અલબત્ત ભાજપને પરાજિત કરવાના ઇરાદા ધરાવનાર હાર્દિક પટેલને તેના ઇરાદામાં સફળતા મળી નથી. વડાપ્રધાન મોદી અને ભાજપ સામે તમામ તાકાત લગાવી હોવા છતાં સફળતા મળી નથી. જો કે, હાર્દિક પટેલ એક આક્રમક લીડર તરીકે ચોક્કસ પણે ઉભર્યો છે. પોતાના આંદોલનને જારી રાખવાની વાત તે હજુ પણ કરી રહ્યો છે. ભાજપની સરકાર બન્યા બાદ તેના ઉપર હવે દબાણ વધ્યું છે.
જિગ્નેશ અને અલ્પેશનું કોંગ્રેસને સમર્થન
જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને પોતાની તરફેણમાં કરીને કોંગ્રેસ પાર્ટીએ જાતિ કાર્ડ રમવાના તમામ પ્રયાસો કર્યા હતા. આ બંને લીડરોએ પણ આંદોલનમાંથી ઉભરી આવ્યા બાદ પોતપોતાની સીટ ઉપર ચૂંટણી જીતવામાં ગુજરાતમાં સફળતા મેળવી છે પરંતુ તેમની લોકપ્રિયતા જળવાઈ નથી. કોંગ્રેસ પાર્ટીની આ બંનેને સાથે લઇને જાતિકાર્ડ રમીને ભાજપને પછડાટ આપવાની યોજના સફળ રહી નથી. જિગ્નેશે રાધનપુરમાંથી જીત મેળવી લીધી છે. અલ્પેશે પણ જીત મેળવી છે. પરંતુ આ બંને નેતાઓ અપેક્ષા મુજબ કોંગ્રેસને જીત અપાવી શક્યા નથી. આગામી દિવસોમાં આ બંને યુવા લીડરોની ભૂમિકા કેવી રહેશે તેને લઇને રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. પોતપોતાના સમુદાય માટે આંદોલન મારફતે આ બે લીડરો આગળ આવ્યા હતા. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જોડાઈ ચુક્યો છે.
ઉત્તર પ્રદેશમાં યોગી રાજ
ઉત્તરપ્રદેશમાં વર્ષની શરૂઆતમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોદી લહેર વચ્ચે જોરદાર સપાટો બોલાવીને ભાજપે પ્રચંડ બહુમતિ મેળવી હતી અને ઉત્તર પ્રદેશમાં સ્પષ્ટ બહુમતિ સાથે ભાજપ સરકાર બની ગઈ છે. તમામ રાજકીય પંડિતોની ગણતરી ઉંધી વળી ગઈ હતી. ઉત્તરપ્રદેશમાં ૪૦૩માંથી ભાજપે ૩૧૨, સમાજવાદી પાર્ટીએ ૪૭ અને કોંગ્રેસને સાત બેઠકો મળી હતી. બહુજન સમાજ પાર્ટીને ૧૯ બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા હતા. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હોવા છતાં તેમની કારમી હાર થઇ હતી. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે સત્તારુઢ થયા બાદ એક પચી એક વિકાસલક્ષી નિર્ણયો કરીને પોતાની લોકપ્રિયતાને આગળ વધારી રહ્યા છે.
ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રમ રાવતની સરકાર
વર્ષ ૨૦૧૭માં ભાજપે એક પછી એક રાજ્યોમાં સત્તા હાસલ કરવામાં સફળતા હાંસલ કરી છે જેમાં ઉત્તરાખંડમાં ભાજપે સપાટો બોલાવીને ૫૭ બેઠકો જીતી લીધી હતી જ્યારે કોંગ્રેસને માત્ર ૧૧ બેઠકો મળી હતી. ત્રિકેન્દ્રરાવ મુખ્યમંત્રી બની ગયા છે. મણિપુર, ગોવામાં પણ ભાજપની સરકાર બની ગઈ છે.
હિમાચલમાં ભાજપની જયરામ ઠાકુરની સરકાર
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૧૮મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી ભાજપે જોરદાર અને પ્રચંડ જીત મેળવી હતી. કોંગ્રેસની વીરભદ્રસિંહ સરકારનું પતન થયું છે. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામા ભાજપે સફળતા મેળવી હતી. હિમાચલ પ્રદેશની કુલ ૬૮ બેઠક પૈકી ભાજપે ૪૪ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો છે જ્યારે કોંગ્રેસને ૨૧ બેઠકો હાથ લાગી છે. અન્યોના ખાતામાં ત્રણ સીટો ગઇ છે. હિમાચલમાં બહુમતિ માટેનો જાદુઈ આંકડો ૩૫નો રહ્યો છે. મતગણતરીની શરૂઆત થયા બાદ હિમાચલપ્રદેશમાં તો શરૂઆતથી જ ભાજપે લીડ મળી હતી. હિમાચલમાં અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે ૯મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયુ હતુ. આવી સાથે જ તમામ ૩૩૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. હિમાચલપ્રદેશમાં કોની સરકાર બનશે તે અંગે ફેંસલો થયો હતો. ઉંચા મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી બન્ને જીતના દાવા કરી રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં રેકોર્ડ ૭૫ ટકાથી વધુ મતદાન થયું હતું. હિમાચલમાં હવે જયરામ ઠાકુર મુખ્યમંત્રી બન્યા છે.
૨૦૧૬માં નોટબંધી બાદ ૨૦૧૭માં જીએસટી
દેશભરમાં ઉજવણી વચ્ચે આખરે પહેલી જુલાઈના દિવસે ઐતિહાસિક જીએસટી વ્યવસ્થા અમલી બની ગઇ હતી. આની સાથે જ એક રાષ્ટ્ર એક ટેક્સ અને એક માર્કેટ મારફતે ન્યુ ઇન્ડિયાના નિર્માણની શરૂઆત થઇ હતી. એકંદરે જીએસટીથી મોટાભાગના લોકોને લાભ થશે તે અંગેનો દાવો મોદી સરકાર અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહ્યા હતો. આનાથી દેશના જીડીપીમાં પણ સુધારો થશે. વડાપ્રધાન મોદી જીએસટી લોન્ચિંગ વેળા કહી ચુક્યા છે કે, નવી વ્યવસ્થાથી સામાન્ય લોકો ઉપર કોઇ બોજ પડશે નહીં. જીએસટીના દોર પર દેશ આધુનિક ટેક્સ વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ વ્યવસ્થા વધુ સરળ અને પારદર્શી છે. આનાથી બ્લેકમનીને રોકી શકાશે. ભ્રષ્ટાચારને રોકવામાં આવશે. જીએસટી પર સંસદમાં પહેલાના સાંસદો અને વર્તમાન સાંસદોએ સતત ચર્ચા કરી છે. બંધારણીય સભાની પ્રથમ સભા સાક્ષી તરીકે છે. દેશમાં એક નવા યુગની શરૂઆત થઇ હતી. જીએસટી અમલી બન્યા બાદ હવે એક દેશ અને એક ટેક્સ વ્યવસ્થા આવી ગઇ હતી. દેશમાં હજુ સુધીના સૌથી મોટા અને ઐતિહાસિક કરવેરા સુધારાના લોન્ચિગ કાર્યક્રમ વેળા તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યા હતા. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે કરવેરા સુધારાને લોન્ચિંગ કરવા માટે ઐતિહાસિક પળ આખરે ૧૨ વાગે આવી ગઇ હતી. રાત્રે ૧૨ વાગતાની સાથે જ તત્કાલિન રાષ્ટ્રપતિ મુખર્જી અને વડાપ્રધાન મોદીએ એક સાથે બટન દબાવીને સમગ્ર દેશમાં એક ટેક્સ વ્યવસ્થાને વિધીવતરીતે અમલી બનાવી દીધી હતી.
કાનીમોઝી-રાજા નિર્દોષ છુટ્યા
સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ભૂકંપ સર્જનાર દેશના સૌથી મોટા કોભાંડો પૈકી એક તરીકે ગણાતા રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કોંભાંડ કેસમાં ૨૧મી ડિસેમ્બરના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. પૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા અને ડીએમકેના સાંસદ કાનીમોઝી સહિત તમામ આરોપીઓને ખાસ સીબીઆઇ અદાલતે નિર્દોષ જાહેર કરી દીધા હતા. આ ચુકાદાથી કેસમાં નવો વળાંક આવી ગયો હતો નાટ્યાત્મકરીતે વળાંક આવ્યા બાદ ચુકાદો જાહેર કરાતા કાયદાકીય નિષ્ણાતોમા પણ આને લઇને ચર્ચા છેડાઈ ગઈ હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને પણ આના કારણે રાહત થઇ હતી. કારણ કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ગાળા દરમિયાન આ મામલો બન્યો હતો. સ્પેશિયલ સીબીઆઇ જજ ઓપી સૈનીએ ચુકાદો જાહેર કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મની લોન્ડરિંગ કેસમાં તમામ આરોપોમાંથી તમામ ૧૯ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા.
ઘાસચારા કૌભાંડ કેસમાં લાલૂ ફરી દોષિત
લાલૂ પ્રસાદ યાદવ પરિવારને ૨૩મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક મામલામાં રાંચીની સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. સજાની જાહેરાત હવે ત્રીજી જાન્યુઆરીના દિવસે કરવામાં આવનાર છે. અલબત્ત કોર્ટે ૨૨ આરોપીઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત છ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. લાલૂ યાદવને રાંચી કોર્ટમાંથી સીધીરીતે બિરસામુંડા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. ૧૯૯૬માં થયેલા આ કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં ૨૦૧૩માં નિચલી અદાલતે લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કૌભાંડમાં એવા લોકો ઉપર અલગ અલગ છ કેસો ચાલી રહ્યા છે. લાલૂ ઉપરાંત આરોપીઓમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત વિદ્યાસાગર મિસાદ, આરકે રાણા, ધ્રુવ ભગત, આઈએએસ ઓફિસર મહેશ પ્રસાદ, બેક જુલિયસ સહિત ૨૨ લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. કોર્ટમાં લાલૂની સાથે તેમના પુત્ર તેજસ્વી યાદવ પણ ઉપસ્થિત હતા. ચુકાદો જાહેર કરવામાં આવ્યા બાદ લાલૂએ એક પછી એક ટિ્‌વટ કર્યા હતા.

Related posts

મન ભરીને અવિરત પ્રેમની વાતો બહુ કરી ચાલ હવે આપણે બેમાંથી એક બની જઈએ

aapnugujarat

Some small Gujarati Shayaris

aapnugujarat

Morning Tweet

aapnugujarat

Leave a Comment

UA-96247877-1