Aapnu Gujarat
ગુજરાત

અમ્યુકો અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટોની મિલીભગત

અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓ અંગેની પીઆઇએલની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે આજે શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટની ચાલી રહેલી કામગીરીને લઇ માર્મિક ટકોર કરી હતી. એટલું જ નહી, હાઇકોર્ટે શહેરના રસ્તાઓના કામકાજ સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી ચાલતો ભ્રષ્ટાચાર એ પરાકાષ્ઠા હોવાની ગંભીર ટીકા કરી કસૂરવાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા લાલ આંખ કરી હતી. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો આજની સુનાવણી દરમ્યાન જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે મેટ્રો રેલની કામગીરીને લઇ તેની આસપાસના રસ્તાઓ તૂટતા અને બિસ્માર બનતાં સર્જાયેલી અત્યંત ખરાબ હાલતને લઇ અમ્યુકોને ઝાટકી નાંખતા જણાવ્યું કે, મેટ્રો રેલનું કામ ચાલે છે ત્યાંના રસ્તાઓની હાલત ભંયકર ખરાબ છે. આ રસ્તાઓ તૂટી ગયા છે અને ઉબડખાબડવાળા બની ગયા છે. હાઇકોર્ટે આવા રસ્તાઓ પણ તાત્કાલિક રિપેર કરવા કડક તાકીદ કરી હતી. જેને પગલે એડવોકેટ જનરલે મેટ્રો રેલની કામગીરીની આજુબાજુના રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવાની બાંહેધરી આપી હતી. સાથે સાથે અન્ય બિસ્માર રસ્તાઓ પણ બે અઠવાડિયામાં રિપેર કરવાની ખાતરી આપી ઉતરાયણ પછી અદાલત સમક્ષ રિપોર્ટ રજૂ કરવાની હૈયાધારણ આપી હતી. શહેરના બિસ્માર રસ્તાઓ અંગેની જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે હાઇકોર્ટે અમ્યુકો સહિતના સંબંધિત સત્તાવાળાઓ તરફથી રજૂ થયેલા અલગ-અલગ ૫૫ જેટલા રિપોર્ટ અને વિવિધ સોંગદનામાની હકીકતો અને દસ્તાવેજોના કરેલા અભ્યાસ દરમ્યાન ભ્રષ્ટાચારની ગંભીર અને ચોંકાવનારી હકીકત અદાલતના ધ્યાન પર આવી હતી. જેને પગલે હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને સણસણતા ચાબખા મારતાં બહુ ગંભીર ટીકા કરી હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે ઘણી કમનસીબ અને શરમજનક બાબત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી ચાલી રહેલો ભ્રષ્ટાચાર એ પરાકાષ્ઠા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારની સ્થિતિ એ એલાર્મિંગ છે. હાઇકોર્ટે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વિરૂધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા લાલ આંખ કરતાં અમ્યુકો તરફથી આ અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હાઇકોર્ટનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરાયો હતો. દરમ્યાન અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટને લઇ વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીના કારણે બિસ્માર બનેલા રસ્તાઓ અથવા તો, તેની આસપાસ કે આજુબાજુના તૂટી ગયેલા રસ્તાઓની પણ હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, મેટ્રો રેલના કારણે ત્યાંના રસ્તાઓની હાલત બહુ ખરાબ છે. હાઇકોર્ટે માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, વિકાસ જરૂરી છે પરંતુ નાગરિકોને હાલાકી પડે ચલાવી લેવાય નહી. મ્યુનિસિપલ કમિશનર તેમની ઓફિસમાંથી બહાર નીકળીને રસ્તાઓની મુલાકાત લે અને વાસ્તવિક સ્થિતિથી વાકેફ થાય અને તાત્કાલિક કામ કરે..હાઇકોર્ટે મેટ્રો રેલના કારણે તૂટેલા, બિસ્માર બનેલા કે ઉબડખાબડ થયેલા રસ્તાઓ પણ તાત્કાલિક રિપેર કરવા અમ્યુકો સત્તાવાળાઓને નિર્દેશ કર્યો હતો. એટલું જ નહી, હાઇકોર્ટે કોર્પોરેશનની હદમાં સમાવિષ્ઠ થયેલા ગામડાઓના રસ્તાઓ પણ રિસરફેસ કરવા અને રિપેર કરવા અમ્યુકો અને સરકારપક્ષને તાકીદ કરી હતી. હાઇકોર્ટનો ગરમ મિજાજ પારખી અમ્યુકો તરફથી મેટ્રો રેલવાળા બિસ્માર રસ્તાઓ રિપેર કરવા, એ સિવાયના બિસ્માર રસ્તાઓ બે સપ્તાહમાં રિપેર કરી ઉતરાયણ પછી અદાલત સમક્ષ રિપોર્ટ રજૂ કરવાની હૈયાધારણ અપાઇ હતી.

Related posts

નાયબ મુખ્યમંત્રીના હસ્તે આરોગ્ય વિભાગની સપ્તધારા પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા

aapnugujarat

કૃષિ મંત્રી બે દિવસ સુધી જામનગરમાં, સર્કિટ હાઉસ તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક યોજશે

aapnugujarat

સથવારા સમાજ નું ગૈારવ એવા એસ.પી. નરેશભાઈ કંજારીયા સાહેબ પોતાની ફરજ ઉપર ખડેપગે નિભાવી રહ્યાં છે

editor

Leave a Comment

UA-96247877-1