છેલ્લા થોડા વર્ષોથી આયુર્વેદિક પ્રોડક્ટ દ્વારા એમએનસી કંપનીઓને ટક્કર આપતી બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ હવે ભારતમાં રેસ્ટોરાં બિઝનેસમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. કંપની મેકડોનાલ્ડ, કેએફસી અને સબવે રેસ્ટોરન્ટ્સને ટક્કર આપવાની યોજના બનાવી રહી છે.
દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કંપની હવે ભારતભરમાં રેસ્ટોરાં ચેન ખોલવાની વિસ્તૃત યોજના બનાવી રહી હોવાનું જણાવ્યું હતું.ઈન્ડિયા ફૂડ ફોરમના જણાવ્યા મુજબ ભારતના કુલ રિટેલ કારોબારમાં ૫૭ ટકા હિસ્સો ફૂડનો છે, જે ૨૦૨૫ સુધીમાં ત્રણ ગણો વધીને ૭૧ લાખ કરોડ રૂપિયા થવાની શક્યતા છે. આ સેગમેન્ટમાં આવતા પહેલાં કંપનીએ પોતાની ઓળખ બનાવવા સંઘર્ષ કરવો પડી શકે છે. પતંજલિ આયુર્વેદમાં શરૂઆતમાં ઉત્સુક્તા પેદા કરવાની ક્ષમતા છે. જોકે, ક્વિક સર્વિસ રેસ્ટોરાં સેગમેન્ટમાં જંગી મૂડી રોકાણની જરૂર પડતી હોવાથી લાંબા સમય સુધી શ્રેષ્ઠ ન કરી શકે તેવી પણ શક્યતા છે.
પતંજલિ આયુર્વેદે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૧૦,૬૫૧ કરોડની રેવન્યુ હાંસલ કરી છે. પતંજલિ ટૂથપેસ્ટ સેગમેન્ટ (દંત કાંતિ)થી રૂ.૯૪૦ કરોડની આવક થઇ છે. જ્યારે હેર કેર ઓઇલ સેગમેન્ટમાં કંપનીની આવક રૂ.૮૨૫ કરોડ અને ફેસવોશમાં રૂ.૨૨૮ કરોડ રહી છે. કંપનીએ દેશી ઘી વેચીને રૂ.૧૪૬૭ કરોડ કમાણી કરી. બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં ઉત્તરાધિકારીની નિમણુક અંગે જણાવ્યું કે કોઇ સંન્યાસી જ પતંજલિનું સંચાલન કરશે.