ઉત્તર પ્રદેશના એટામાં ગમખ્વાર રોડ અકસ્માતમાં ૧૪ લોકોના કરુણ મોત નિપજ્યાં છે જ્યારે ૨૪ જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને જલેસર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને આગરાના એસએન મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યાં છે.
મળતી માહિતી મુજબ એક ટ્રકમાં સવાર લોકો આગરામાં તિલક સમારોહમાં હાજરી આપીને પાછા ફરી રહ્યાં હતાં. આ દરમિયાન એટાના જલેસર પાસે ટ્રક નહેરમાં ઉતરી ગઈ હતી. ટ્રકમાં સવાર ૧૪ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે ઘાટલ ૨૪ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કહેવાય છે કે ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ લોકોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને ટ્રાફિક જામ પણ કરી નાખ્યો હતો. લોકોનું કહેવું છે કે અકસ્માતના લગભગ કલાક બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગ્રામિણોનો એ પણ આરોપ છે કે પોલીસકર્મીઓએ રાહત અને બચાવ કાર્ય યોગ્ય રીતે કર્યું નથી. જો સમયસર બચાવકાર્ય કરાયું હોત તો આટલા બધા લોકોના મોત ન થાત.