કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આમ આદમી પાર્ટીને ફંડિંગની માહિતી આપવા માટે નોટિસ પાઠવી છે. આપને ફંડિંગ વિશેની માહિતી ૧૫ દિવસમાં આપવા જણાવાયું છે. પાર્ટી પાસે ફંડના ડેટા તેમજ ભંડોળ પુરું પાડનારી કંપનીનું નામ આપવા જણાવાયું હતું. આ ઉપરાંત કંપનીના શેર ધારક અને તેના વિદેશી ઈક્વિટી વિશેની માહિતી માગવામાં આવી છે. ૩મેના ઈશ્યૂ કરાયેલી આ નોટિસ આપને શુક્રવારે મળી હતી.આપના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે ફેબ્રુઆરી ૨૦૧૫માં ગૃહ મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે આપના ફંડિંગમાં કોઈ ગરબડ નથી. તે સમયે ગૃહ મંત્રાલયના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે એફસીઆરએના ઉલ્લંઘના આક્ષેપો બદલ આપ વિરુદ્ધ કંઈજ મળ્યું નથી. તદ્દઉપરાંત આપ દ્વારા વિદેશમાંથી ફંડિંગના મુદ્દે કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી કરાયું હોવાનું પણ જણાવ્યું હતું.આપે ફક્ત ભારતીય નાગરિકો પાસેથી ફંડ મેળવ્યું હોવાનું ગૃહ મંત્રાલયે કોર્ટને જણાવ્યું હતું. ચઢ્ઢાના જણાવ્યા મુજબ જે તે સમયે ગૃહ મંત્રાલયે ક્લિન ચીટ આપી હતી અને હવે તે પુનઃ તપાસ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર આપને ટાર્ગેટ બનાવવા માટે તેના તમામ વિભાગોનો ઉપયોગ કરી રહ્યું છે જે ભારતીય લોકતંત્ર માટે ખેદજનક છે તેમ ચઢ્ઢાએ જણાવ્યું હતું. રાજકીય કિન્નાખોરીની ભાવનાથી આ બધું થઈ રહ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આપના ડરને પગલે આ બધું થઈ રહ્યું છે તેમ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું.