ઇવીએમ પર આશંકા સંબંધિત આરોપો બાદ ચૂંટણી પંચે ૧૨મી મેના રોજ રાજધાની નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઈવીએમને લઈને કેટલાક રાજકીય પક્ષો તરફથી વ્યક્ત કરવામાં આવેલી આશંકાઓને દૂર કરવાની કોશિશ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીએસપી, સમાજવાદી પાર્ટી સહિતની પાર્ટીઓએ ઈવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો છે અને પેપર બેલેટ દ્વારા ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. રાજકીય પક્ષોનો દાવો હતો કે ઈવીએમમાં લોકોનો વિશ્વાસ ખતમ થઈ ગયો છે. જો કે ભાજપે આવા આરોપોને વિધાનસભા ચૂંટણીમાં હારને કારણે રાજકીય પાર્ટીઓની હતાશાનું કારણ ગણાવ્યા છે.ચૂંટણી પંચનો ઈરાદો આગામી ચૂંટણીઓમાં વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ એટલે કે વીવીપીએટીના ઉપયોગ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં વધુ પાદર્શકતા લાવીને લોકોનો ભરોસો વધારવાની છે. વીવીપીએટીમાં એક ચબરખી નીકળે છે. તેના દ્વારા મતદાતા ઈવીએમથી ક્યાં ઉમેદવારને વોટ કરવામાં આવ્યો તેની જાણકારી સત્યાપિત કરી શકશે. ચૂંટણી પંચ રાજકીય પક્ષોની આશંકા દૂર કરવા સંદર્ભે એક આયોજન કરવા જઈ રહ્યું છે. જેમાં રાજકીય પક્ષોને ઈવીએમ હેક કરી દેખાડવા માટે કહેવામાં આવશે.આ મામલે મુખ્ય ચૂંટણી કમિશનરે નસીમ જૈદીએ જણાવ્યું હતું કે વીવીપીએટી માટે નાણાંની ફાળવણી થઈ ચુકી છે. તેના માટે બે જાહેર ઉપક્રમો ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને ૧૫ વીવીપીએટીની સપ્લાઈ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું લક્ષ્ય આગામી તમામ ચૂંટણીઓમાં વીવીપીએટીનો ઉપયોગ કરવાનું છે.