તેલંગાણા પોલીસ પર ગંભીર આરોપ લગાવવા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ફસાયા છે. હૈદરાબાદ પોલીસે ગુરૂવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સામે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની નકલી વેબસાઇટના સંબંધમાં કરેલી ટિપ્પણીને લઇને ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, દિગ્વિજય સિંહે ૧ મે એ ટિ્વટ કર્યું હતું કે, તેલંગાણા પોલીસે મુસ્લિમ યુવકોને ફસાવવા માટે આઇએસની નકલી વેબસાઇટ બનાવી છે.તેલંગાણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)ના ધારાસભ્ય એમ. ગોપીનાથ અને એક અન્ય વ્યક્તિની ફરિયાદના આધારે જુબીલિ હિલ્સ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે દિગ્વિજય સિંહ સામે લોકોમાં દહેશત ફેલાવનાર સામગ્રી પ્રસારિત કરવા, જાણી જોઇને લોકોમાં સંકટ માટે ચેતવણીનો માહોલ બનાવવા અને લોકોને ભ્રમિત કરવાવાળા નિવેદન આપવા માટે ભારતીય દંડ સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.મહત્વનું છેકે, દિગ્વિજય સિંહનું નિવેદન ત્રણ દિવસ પહેલા આવ્યું હતું. પરંતુ, પોલીસે કાયદાકીય ચર્ચા બાદ તેમની સામે ફરિયાદ નોંધી છે. દિગ્વિજય સિંહે ટિ્વટ કર્યું હતું કે, તેલંગાણા પોલીસે એક નકલી આઇએસની વેબસાઇટ બનાવી છે. જે મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવી રહ્યું છે અને તેમને આઇએસમાં સામેલ થવા માટે પ્રેરિત કરી રહ્યાં છે.