ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંજૂરી બાદ હવે રાજ્યમાં ટૂંક સમયમાં અન્નપૂર્ણા ભોજનાલય શરૂ થવા જઇ રહ્યુ છે, આ ભોજનાલયમાં સરકાર ગરીબો માટે સસ્તુ ભોજન ઉપલબ્ધ કરાવશે.
મુખ્યમંત્રીના નજીકના સૂત્રો અનુસાર યોગી આદિત્યનાથે આ યોજનાને લીલી ઝંડી દર્શાવી દીધી છે.યોગીએ મુખ્યમંત્રી પદ સંભાળતા જ એલાન કર્યુ હતુ કે હવેથી રાજ્યમાં કોઇ પણ વ્યક્તિને ખાલી પેટ નહીં રહેવુ પડે. બધાને ભરપેટ ભોજન મળશે.
આ ભોજનાલયમાં નાસ્તો, બપોર અને રાતનુ ભોજન પણ સામેલ હશે. યુપીના આ ભોજનાલયમાં ત્રણ રૂપિયામાં નાસ્તો અને પાંચ રૂપિયામાં બપોર અને રાત્રીનું ભોજન મળશે. નાસ્તામાં દલિયા, ઇડલી-સંભાર, પૌંઆ અને ચા-પકોડા મળશે તો બપોર અને રાત્રીના ભોજનમાં રોટલી, સીઝન અનુસાર શાકભાજી, તુવેરની દાળ અને ભાત મળશે. અન્નપૂર્ણા ભોજનાલય યુપીના તમામ મહાનગરોમાં શરૂ કરવામાં આવશે.ખેડૂતોનું ઋણ માફ કર્યા બાદ ગરીબો માટે કરવામાં આવેલો આ યોગી સરકારનો બીજો મોટો નિર્ણય છે. ભોજનાલયોને એવા સ્થળો પર શરૂ કરાવાના પ્રયાસો કરવામાં આવશે, જ્યાં ગરીબોની સંખ્યા વધાર હશે.