બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજા દ્વારા બકિંગહામ પેલેસમાં સમગ્ર પરિવારની તાકીદની બેઠક બોલાવતાં અસંખ્ય અટકળો શરૂ થઈ છે. બેઠક શા માટે બોલાવવામાં આવી છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા કરાઈ નથી. શાહી કર્મચારીઓને પણ આ અંગે કાંઈ ખબર નથી.મીડિયા અહેવાલ પ્રમાણે આ ઘટના અત્યંત અસામાન્ય છે. ૧૧ કલાકની બેઠકમાં કેટલીક ખાસ બાબતો વિશે માહિતી આપવામાં આવી હોય તેમ મનાય છે. દેશભરના શાહી કર્મચારીઓને સંબોધન કરવા માટે વરિષ્ઠ અધિકારીને નિર્દેશ પણ જારી કરાયા છે. ટિ્વટર પર પ્રિન્સ ફિલિપ મૃત્યુ પામ્યા હોવાની પણ અટકળો થઈ રહી છે. જોકે બર્કીંગહામ પેલેસે અત્યાર સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ જ જાણકારી પૂરી પાડી નથી.મહારાણી એલિઝાબેથ બીજાએ ગયા મહિને જ ૯૧માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. વિન્ડસરમાં લાંબી રજાઓ માણ્યા પછી તેઓ તાજેતરમાં જ લંડનના નિવાસસ્થાને પાછા ફર્યા છે. તેમના પતિ ડ્યૂક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ ૯૬ વર્ષના છે. આ શાહી યુગલે બધી જ મહત્વની જવાબદારીઓ તેમની યુવા પેઢીને સુપરત કરી છે.