Aapnu Gujarat
બ્લોગ

ડૉ .શ્યામાપ્રસાદ મુખર્જી નહેરૂ અને કલમ ૩૭૦

ભારતના ભાગલા પછી પૂર્વ પાકિસ્તાનમાંથી હિન્દુઓની મારી મારીને હકાલપટ્ટી કરવામાં આવી અને જે હિન્દુઓએ પોતાની ભૂમિ છોડવાની ના પાડી એમના પર જુલમ કરીને મુસલમાન બનાવી દેવામાં આવ્યા. લાખો હિન્દુ શરણાર્થી બનીને પૂર્વ પાકિસ્તાનમાંથી પશ્રિ્‌ચમ બંગાળ આવ્યા.ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલ આ પરિસ્થિતિને થાળે પાડવા કલકત્તા ગયા. એમણે ત્યાંના એક ભાષણમાં પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે પૂર્વ પાકિસ્તાનના હિન્દુઓ સાથેનો આ દુર્વ્યવહાર બંધ નહીં થાય અને તેઓ શરણાર્થી બનીને ભારત આવ્યા કરશે તો એમના પુનર્વસવાટ માટેની જમીન પાકિસ્તાને આપવી પડશે. સરદારે કહ્યું કે પૂર્વ પાકિસ્તાનની કુલ વસ્તીના ૩૦ ટકા હિન્દુઓ જો પાકિસ્તાનમાં ન સમાઈ શકવાના હોય તો એમના માટે પાકિસ્તાને જ અલગ હોમલૅન્ડની જમીન ફાળવી આપવી પડશે. સરદારે પૂર્વ પાકિસ્તાનના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે પોલીસ ઍક્શનની તૈયારી પણ શરૂ કરી દીધી.વ્યાપાર, ઉદ્યોગપ્રધાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સહિત નહેરુ કૅબિનેટના મોટાભાગના પ્રધાનો તેમ જ ભારતની જનતા સરદારની આ નીતિની તરફેણમાં હતા.બંગાળી હોવાને કારણે ડૉ. મુખર્જી આ સમસ્યામાં વધારે રસ લેતા હતા અને સરદાર પણ આ પ્રશ્ર્‌ને ડૉ. મુખર્જીની સલાહનું મહત્ત્વ ઊંચું આંકતા હતા, પણ નહેરુ તથા મૌલાના આઝાદને સરદારની આ દૃઢતા માફક આવતી નહોતી. મૌલાના આઝાદ દ્વારા પાકિસ્તાનને ભારતના સંભવિત પોલીસ ઍક્શનની જાણકારી મળી. પાકિસ્તાની વડા પ્રધાન લિયાકત અલી ખાં મંત્રણા માટે નવી દિલ્હી દોડી આવ્યા. નહેરુને એમણે એવી પટ્ટી પઢાવી કે નહેરુએ પૂર્વ પાકિસ્તાન સામે કોઈ પણ પ્રકારનું પગલું નહીં લેવાય એવી બાંયધરી આપી દીધી. આમ પૂર્વ પાકિસ્તાનમાં રહી ગયેલા હિન્દુઓ સાથે ભારત કોઈ નિસબત નહીં ધરાવે એવી ખાતરી અપાઈ ગઈ.આ સમજૂતીને કારણે સમગ્ર દેશમાં, ખાસ કરીને પશ્રિ્‌ચમ બંગાળમાં, પ્રજા ખૂબ રોષે ભરાઈ.નહેરુએ પૂર્વ પાકિસ્તાનના દોઢ કરોડ હિન્દુઓને પાકિસ્તાની જુલમ સહન કરવા ત્યજી દીધા હતા. સરદાર પટેલ ઉપરાંત અનેક પ્રધાનો નહેરુની આ મૂર્ખામીથી નારાજ હતા. ડૉ. મુખર્જી માનતા હતા કે નહેરુના પ્રધાનમંડળમાં રહેવાથી નહેરુની આ નીતિને સમર્થન આપ્યું ગણાશે માટે રાજીનામું આપીને પ્રધાનપદું છોડી દેવું જોઈએ. સરદારનું માનવું હતું કે પ્રધાનમંડળમાં રહીને જ નહેરુની આ નીતિનો સચોટ વિરોધ થઈ શકશે. પણ ડૉ. મુખર્જીએ જોયું કે સરદારે આમેય પોતાની બગડતી જતી તબિયતને કારણે કૅબિનેટની મીટિંગોમાં આવવાનું ઓછું કરી નાખ્યું હતું અને આને કારણે નહેરુ – આઝાદ જૂથનું વર્ચસ વધી રહ્યું છે, કોઈ પણ મુદ્દે આ જૂથ પર અંકુશ મૂકવાનું કામ દુષ્કર બનતું જાય છે. રાષ્ટ્રહિતથી વિપરીત એવી નહેરુુની નીતિઓનો બહાર રહીને પ્રગટ વિરોધ કરવા માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારત સરકારના પ્રધાનમંડળમાથી રાજીનામું આપ્યું. સિદ્ધાંત અને નીતિના મુદ્દે ખુરશીને લાત મારનારા તેઓ પ્રથમ કેન્દ્રીય પ્રધાન હતા. રાજીનામાની તારીખ ૮ એપ્રિલ, ૧૯૫૦. રાજીનામું આપ્યા પછી પણ તે સ્વીકારાયું તે પહેલાં, ૧૮ એપ્રિલના રોજ એમણે પોતાના આ નિર્ણય વિશે વિગતે વાત કરતું પ્રવચન સંસદમાં આપ્યું. આ ભાષણ એક ઐતિહાસિક દસ્તાવેજ છે, જેમાં નેહરુની રાષ્ટ્રવિરોધી નીતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.ડૉ. મુખર્જીની દૃષ્ટિ તથા નિષ્ઠાએ જનસંઘને જન્મ આપ્યો. ૧૯૫૨ના ફેબ્રુઆરીમાં માંડ ત્રણ-ચાર મહિના જૂના જનસંઘે ડૉ. મુખર્જીના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું. પ્રથમ ચૂંટણીમાં જ જનસંઘના ઉમેદવારોને કુલ એટલા મત મળ્યા જેને કારણે ચૂંટણીપંચે જનસંઘને કૉન્ગ્રેસ, સામ્યવાદી પક્ષ તથા સમાજવાદી પક્ષની સમકક્ષ મૂકીને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવી પડી.૧૯૫૨ના ડિસેમ્બરમાં કાનપુરમાં જનસંઘનું પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં ભારતના નવનિર્માણ માટે ભારતની શિક્ષણનીતિનું ભારતીકરણ કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. વિદેશી આક્રમણખોરો તથા વિદેશી શાસકોએ લખેલા ભારતીય ઈતિહાસના પુનર્લેખનથી માંડીને રક્ષાબંધન, વિજયાદશમી, દિવાળી તથા હોળી જેવા ઉત્સવોને રાષ્ટ્રીય તહેવાર ગણીને એ દિવસે જાહેર રાષ્ટ્રીય રજા રાખીને દેશભરમાં ઉજવણી કરવા સહિતના સંખ્યાબંધ મુદ્દાઓ આ પ્રસ્તાવમાં હતા.આમાંનો એક મુદ્દો જમ્મુ-કાશ્મીરને બંધારણની કલમ ૩૭૦ હેઠળ અપાયેલા વિશેષાધિકારનો વિરોધ કરતો પણ હતો. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આ કલમનો વિરોધ કરતી ‘જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદ’ને સંપૂર્ણપણે ટેકો આપતા હતા. છેવટે આ જ મુદ્દો એમની હત્યાનું કારણ બન્યો. એમણે ૨૩ જાન્યુઆરી, ૧૯૫૦ અગાઉનાં અનેક પ્રવચનોમાં જાહેરાત કરી હતી કે ૩૭૦મી કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપવાની ભૂલ ન કરવી જોઈએ. આ વિશે એમણે નહેરુને વિગતે પત્ર પણ લખ્યો હતો અને શેખ અબ્દુલ્લાને રૂબરૂ મળીને એમને સમજાવવાની કોશિશ પણ કરી હતી.૧૯૫૩માં જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની જુલમી સરકાર વિરુદ્ધનું આંદોલન પુરજોશમાં ચાલી રહ્યું હતું. ઠેકઠેકાણે સત્યાગ્રહીઓ પર ગોળીબાર થતો હતો. અનેક નાગરિકો શહીદ થઈ ચૂકયા હતા અને હજારો આંદોલનકારીઓ જેલમાં હતા. પ્રજા પરિષદ તરફથી ડૉ. મુખર્જીને અનેકવાર આગ્રહ કરવામાં આવતો કે તમે જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લો, જાતે પરિસ્થિતિનું અવલોકન કરો, આને કારણે કાર્યકરોનું મનોબળ પણ વધશે.ડૉ. મુખર્જીએ આ આમંત્રણ વિશે પોતાના સાથીઓ સાથે વિચારણા કરી. સૌની સલાહને માન આપીને ડૉ. મુખર્જીએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. તે વખતે એમને ખબર નહોતી કે આ પ્રવાસ એમના જીવનની અંતિમ યાત્રા બની જશે. આવતા રવિવારે પૂરું.ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની વાત આ લેખમાં પૂરી કરીએ. ડૉ. મુખર્જીના સૂચિત કાશ્મીર પ્રવાસના સમાચાર જાણ્યા પછી અનેક લોકોએ આવીને એમને સલાહ આપી કે ત્યાં જવામાં જાનનું જોખમ છે. શ્રીમતી સુચેતા કૃપલાણીએ ડૉ. મુખર્જીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પંડિત નેહરુ તમને કાશ્મીરથી જીવતા પાછા નહીં આવવા દે એટલે આ પ્રવાસ રદ કરવો જોઈએ. આના જવાબમાં ડૉ. મુખર્જીએ સુચેતાજીને કહ્યું કે પંડિત નેહરુ સાથે મારે કોઈ અંગત અદાવત તો છે નહીં, માત્ર નીતિસંબંધી મતભેદ છે. મેં એમનું કંઈ બગાડ્યું નથી, એ શું કામ મારું અનિષ્ટ ચાહે? આ સાંભળીને સુચેતાજીએ કહ્યું કે તમે કદાચ પંડિતજીની માનસિકતાને જાણતા નથી. એ માને છે કે તમે એમના સૌથી મજબૂત વિરોધી અને વિકલ્પ તરીકે પ્રજાની આંખમાં વસી ગયા છો. તમને ખતમ કરવા એ કંઈ પણ કરશે પણ ડૉ. મુખર્જીએ પોતાનો નિર્ણય બદલવાની ના પાડી. એ દિવસોમાં જન્મુ-કાશ્મીર જવા માટે નવી દિલ્હીના સંરક્ષણ મંત્રાલયમાંથી પરમિટ કઢાવવી પડતી. ડૉ. મુખર્જીએ પરમિટ માટે અરજી આપવાની ના પાડી અને કહ્યું કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય હિન્દુસ્તાનનું અવિભાજ્ય અંગ છે. ભારતીય નાગરિક તરીકે અને એમાંય સંસદસભ્ય તરીકે ભારતભરમાં કોઈ પણ ઠેકાણે જવાનો એમને બંધારણીય અધિકાર છે.મેના મધ્યમાં ડૉ. મુખર્જીએ દિલ્હીથી પ્રવાસનો આરંભ કર્યો. જમ્મુ પહોંચતાં પહેલાં અનેક જગ્યાઓએ એમનાં સન્માન તથા ભાષણો થયાં. જલંધર પહોંચ્યા ત્યારે એમને ગુરદાસપુરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો ટેલીગ્રામ મળ્યો. એમાં લખ્યું હતું કે ભારત સરકારે એમને પરમિટ વગર જમ્મુ-કાશ્મીર રાજ્યાં પ્રવેશ કરવાની છૂટ આપી છે. આ અનુમતિ વાસ્તવમાં ‘આ જા ફસા જા’ની કૂટિલનીતિનું એક પગલું હતી, કારણ કે આ તાર નહોતો આવ્યો ત્યાં સુધી સૌની ધારણા હતી કે જમ્મુ પહોંચવા માટેના આગલા સ્ટેશને અર્થાત જલંધરમાં નહીં તો પઠાણકોટમાં ડૉ. મુખર્જીની ધરપકડ થઈ જશે જેથી તેઓ જમ્મુ-કાશ્મીરની હદમાં પ્રવેશી ન શકે.બીજે દિવસે ગુરુદાસપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટે્રેટ ડૉ. મુખર્જીને પઠાણકોટમાં મળ્યા અને એમની સાથે માધોપુર રાવી નદીના પુલ સુધી ગયા.ડૉ. મુખર્જીએ પુલનો અડધો હિસ્સો પાર કરીને જેવા જમ્મુ-કાશ્મીરની સીમામાં પગ મૂક્યો કે તરત જ શેખ અબ્દુલ્લા સરકારની પોલીસે એમની ધરપકડ કરીને તાબડતોબ એમને શ્રીનગર મોકલી આપ્યા.
પરમિટ પ્રથા ભારત સરકારે ચાલુ કરી હતી. જમ્મુ-કાશ્મીર સરકારનો કાઈ કાયદો ડૉ. મુખર્જીએ તોડ્યો નહોતો. જમ્મુ-કાશ્મીરમાં થયેલી ધરપકડ સામે એ રાજ્યની બહારની અદાલતોમાં કોઈ કાર્યવાહી થઈ શકે નહીં, કારણ કે એ રાજ્ય ભારતની સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રની બહાર છે. કાશ્મીરની હાઈ કોર્ટમાં ડૉ. મુખર્જી માટે હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં વિલંબ થયો.આ ગાળામાં, જૂનના આરંભમાં, મૌલાના અબુલ કલામ આઝાદ શ્રીનગર જઈ આવ્યા પણ શેખ અબદુલ્લાના કેદી તથા એક જમાનામાં નેહરુ કૅબિનેટમાંના પોતાના સિનિયર સાથીને મળવા ન ગયા.થોડાક દિવસ પછી, ર૩મી જૂને, જનસંઘના સંસદસભ્ય તથા નામાંકિત ધારાશાસ્ત્રી બૅરિસ્ટર ઉમાશંકર ત્રિવેદીને શ્રીનગરની નીડો હોટેલમાં બે વ્યક્તિઓ મળવા આવી. એ દિવસે કાશ્મીર હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ જિનાલાસ કિલમની કોર્ટમાં ડૉ. મુખર્જી માટેની હેબિયસ કૉર્પસ અરજી પર સુનાવણી થવાની હતી. બે ભેદી માણસોમાંથી એક હિન્દુ પોલીસ અધિકારી હતા, બીજો કાશ્મીરી પંડિત હતા. બંનેએ બેરિસ્ટર ત્રિવેદીને કહ્યું કે અમને માહિતી મળી છે કે શેખ અબદુલ્લા પંડિત નેહરુની સૂચનાને કારણે ડૉ. મુખર્જીને જીવતા પાછા નહીં જવા દે માટે તમારે બને એટલું જલદી એમને અહીંથી મુક્તિ અપાવીને દિલ્હીભેગા થઈ જવું જોઈએ.ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની મુક્તિ માટે બૅરિસ્ટર ઉમાશંકર ત્રિવેદીએ કોર્ટમાં બપોર પછી પણ દલીલો ચાલુ રાખી. ચાર વાગ્યે દલીલો પૂરી થઈ. બૅરિસ્ટર ત્રિવેદીને પોતે રજૂ કરેલા મુદ્દાઓને કારણે તેમ જ ન્યાયમૂર્તિના અભિગમ પરથી ખાતરી હતી કે અદાલત ડૉ. મુખર્જીને મુક્ત કરવાનો હુકમ કરશે. ન્યાયમૂર્તિ કિલમે બીજા દિવસે ઉઘડતી અદાલતે ચુકાદો સંભળાવવામાં આવશે એમ કહીને નિર્ણય લખવા માટે એક રાતનો સમય લીધો.સાંજે બૅરિસ્ટર ત્રિવેદી ડૉ. શ્યામાપ્રસાદને મળવા હૉસ્પિટલ ગયા. એક દિવસ અગાઉ એમને જેલમાંથી આ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડૉ. મુખર્જી પ્રસન્નચિત્ત હતા. એમની તબિયત ખાસ્સી સુધારા પર હતી. સાંજે સાત વાગ્યે ત્રિવેદી શ્યામાપ્રસાદની વિદાય લઈને પોતાની હોટેલ પર ગયા.ડૉ. શ્યામાપ્રસાદને હાઈ બ્લડપ્રેશરની બીમારી હતી. હૃદયરોગ પણ હતો. એમના ડૉક્ટરોએ એમને સમુદ્રની સપાટીથી બહું ઊંચાઈ પરનાં સ્થળોએ જવાની કે ત્યાં રહેવાની સખત મનાઈ કરી હતી. જમ્મુમાં એમની ધરપકડ થઈ ત્યારે કાશ્મીર સરકારને આ વાતની જાણ કરી દેવામાં આવી હતી. આમ છતાં એમને શ્રીનગર લઈ જવામાં આવ્યા.હૉસ્પિટલમાં ડૉ. મુખર્જીની તહેનાતમાં રહેતી નર્સના કહેવા મુજબ રાત્રે દસ વાગ્યે ડૉક્ટર અલી જાને ડૉ. મુખર્જીને અકે ઈન્જેક્શન આપ્યું હતું. નર્સે ડૉ. અલી જાનને કહ્યું હતું કે દર્દીની તબિયત હવે ઘણી સારી છે. અને એમને કોઈ પ્રકારની દવાની અથવા ઈન્જેક્શનની જરૂર નથી, પણ ડૉ. અલી જાને ધરાર એક ઈન્જેકશન આપ્યું હતું. આ ઈન્જેક્શન ડૉ. અલી જાને કલાક પહેલા જ, બરાબર ૯ વાગ્યે શ્રીનગરના અમીરા કદલ વિસ્તારની વિખ્યાત દવાની દુકાન ‘કૅમ્પ ઍન્ડ કંપની’માંથી ખરીદ્યું હતું. દુકાનમાંથી આ ઈન્જેક્શન આપનારે કહ્યું હતુંઃ ‘તેં ડૉક્ટરને પૂછ્યું હતું કે તમે આ ઈન્જેક્શન કોના માટે લઇ જાઓ છો?’ દુકાનદારના કહેવા મુજબ દર્દીની હાલત અત્યંત કટોકટીભરી હોય ત્યારે જ આ ઈન્જેક્શન લઈ જવામાં આવતું હોય છે.રાત્રે ૧૦ વાગ્યે ડૉ. અલી જાને આ ઈન્જેક્શન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને આપ્યું. ઈન્જેક્શન આપ્યાની થોડીક જ મિનિટોમાં ડૉ. મુખર્જીની તબિયત લથડી ગઈ. ઈન્જેક્શન આપ્યાની બરાબર સાઠ મિનિટ બાદ ડૉ. મુખર્જીએ દમ તોડ્યો.ડૉ. મુખર્જીના મોતના સમાચાર સમગ્ર રાષ્ટ્ર માટે આઘાતજનક હતા.ડૉ. મુખર્જીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કર્યા વિના શ્રીનગરથી દિલ્હી મોકલી દેવામાં આવ્યો. દિલ્હીમાં હજારો દેશભક્તો એમની અંતિમયાત્રામાં જોડાયા ઉદાસ રાષ્ટ્ર દિવસો સુધી પોતાના એક સમર્થ નેતાના અપમૃત્યુના શોકમાં ગરકાવ રહ્યું. જુલાઈ, ૧૯પ૩માં સંસદનું વર્ષસત્ર શરૂ થયું. સંસદના તમામ રાજકીય પક્ષો વતી ડૉ. મુખર્જીનું શ્રીનગરમાં કૈદી તરીકે થયેલા મૃત્યુની ચર્ચા થઈ અને આ અકુદરતી મોતની તપાસ કરવા માટે એક પંચ યા તપાસસમિતિ નીમવાની બુલંદ માગણી કરવામાં આવી. કૉંગ્રેસ વતી પુરુષોત્તમદાસ ટંડન જેવા વરિષ્ઠ નેતાઓએ પણ આ માગણીને સમર્થન આપ્યું. પણ પંડિત નેહરુએ તપાસની માગણી ફગાવી દીધી. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના મોતના બનાવમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું એ સમયે આકાશવાણી તથા પ્રમુખ વર્તમાનપત્રો નેહરુની ખૂબ નિકટ હતાં. પણ એ …. તમામ માધ્યમોમાં શ્યામાપ્રસાદજીના મોત માટે નેહરુ- શેખ અબદુલ્લાની સાંગાંઠ વિશે ચર્ચાઓ થતી રહી. નેહરુ મર્યા ત્યાં સુધી આ આક્ષેપોનો બોજ હેઠળ જીવ્યા.ડૉ. મુખર્જીના મોતને કારણે પંડિત નેહરુને જે જોઇતું હતું તે પ્રાપ્ત થઇ ગયું. નેહરુથી કાશ્મીરને તથા લઘુમતીઓને પંપાળવાની નીતિઓ સામે રાષ્ટ્રવાદી ઉદારતાના ઉચ્ચતમ વિચારો આપનારાઓમાં રાજકીય ક્ષેત્રે ડૉ. મુખર્જી સૌથી મોટું બળ હતાં. એમના જવાથી આ રાજકીય ચળવળમાં શૂન્યાવકાશ સર્જાયો. જેને પૂરતાં દાયકાઓ વીતી ગયા. નેહરુવાદી ગતિઓથી થઇ રહેલા નુકસાન સામે જનસંઘ જેવા રાષ્ટ્રવાદી રાજકીય પક્ષોની જે ભૂમિકા તૈયાર થઇ રહી હતી, તેનું જાણે બાળમરણ થયું.ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની હયાતીમાં જનસંઘ કૉંગ્રેસનો એક સબળ, કાયમી અને શ્રેષ્ઠ વિકલ્પ બની શકયો હોત. કદાચ એ જ કારણ હતું. એમની હયાતીને નામશેષ કરવા પાછળ.
ઈતિહાસ વિજેતાઓ દ્વારા અથવા શાસકો દ્વારા લખાતો હોય છે. ભારતનો ઈતિહાસ મોગલો તથા અંગ્રેજોએ લખ્યો ત્યાર બાદ કૉંગ્રેસીઓએ તથા એમના સત્તાસાથી તથા પિઠ્ઠુઓ એવા સામ્યવાદીઓએ. દેવ ગઢવી એટલે ગુજરાતના જ નહીં, સમર્ગ ભારતના ઉચ્ચ કક્ષાના કાર્ટૂનીસ્ટ દસ બાર વર્ષ અગાઉ એમણે એક કાર્ટૂન દોર્યું હતું. ઈતિહાસનું એક પુસ્તક હાથમાં પકડીને એક નેતાજી બોલે છેે, બાદશાહ અકબરના માથે મોગલ પાઘડીને બદલે ગાંધીટોપી ચીતરવાનો ઉત્સાહ કોણે દેખાડયો?ભારતના ઈતિહાસ સાથે થયેલા ચેડાં સુધારીને ભારતની પ્રજાને એમનો સાચો ઈતિહાસ શીખવાડવાનો સુવર્ણ અવસર અત્યારે ભારતના નવા વડા પ્રધાનને પ્રાપ્ત થયો છે.

Related posts

વાયુ પ્રદૂષણને કારણે ગુણાકાર,ભાગાકાર કરવાની ક્ષમતા ઘટે છે

aapnugujarat

MORNINT TWEET

aapnugujarat

आज भी शुद्ध पेयजल से वंचित हैं ७.५ करोड़ हिंदुस्तानी : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1