Aapnu Gujarat
બ્લોગ

સરદાર જ્યંતિ : સરદાર પટેલઃ ઉત્કૃષ્ટ નેતા અને આયોજક

જૂન, ૧૯૦૬માં બ્રિટિશરો જેવી જીવનશૈલીમાં માનતા એક ગુજરાતી વકીલે અમદાવાદની ગુજરાત ક્લબમાં કાઠિયાવાડી પહેરવેશ ધારણ કરીને આવેલા નવા મુલાકાતીની હાંસી ઉડાવી હતી. એક તરફ, કાઠિયાવાડી મુલાકાતી ક્લબના મેદાનમાં ઓછી સંખ્યામાં દર્શકો સમક્ષ ભાષણ આપી રહ્યા હતા, તો બીજી તરફ આ વકીલ પોતાના મિત્રો સાથે પત્તાની રમત રમવામાં વ્યસ્ત હતાં. તેઓ જાણતા હતા કે આ કાઠિયાવાડી મુલાકાતી બીજું કોઈ નહીં પણ મોહનદાસ કરમચંદ ગાંધી હતા, જેઓ થોડા સમય અગાઉ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા અને અણદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. પણ વ્યવસાયે આ સફળ વકીલને ગાંધીની પ્રવૃત્તિમાં કોઈ રસ નહોતો. પણ ગાંધીએ સતત તેમની બેઠકમાં આવવાનો આગ્રહ ચાલુ રાખતા આ વકીલે ફક્ત જિજ્ઞાસા ખાતર તેમની સભામાં હાજરી આપી હતી.
વકીલને નવાઈ એ વાતની લાગી હતી કે ગાંધીની સભામાં રાજકીય ભાષણબાજી થવાને બદલે વ્યાખ્યાનમાં ધાર્મિક-આધ્યાત્મિક વાતો વધારે થઈ હતી. છતાં ૪૧ વર્ષના આ કડક વકીલની અંદર ખળભળાટ મચી ગયો અને તેમના જીવનની દિશા હંમેશા માટે બદલાઈ ગઈ. જ્યાં સુધી આ વકીલ સત્યાગ્રહના રંગે રંગાઈ ન ગયા અને ‘સંનિષ્ઠ સત્યાગ્રહી’ ન થયા, ત્યાં સુધી ગાંધીજીનાં શબ્દોનો પડઘો દિવસો સુધી તેમને સંભળાતો રહ્યો. પણ અંતરથી વ્યવહારિક અભિગમ ધરાવતી વ્યક્તિ હોવાથી તેઓ ૧૯૧૭ સુધી ગાંધીજીની સાથે સંપૂર્ણપણે જોડાયા નહોતા.
વર્ષ ૧૯૧૭નું વર્ષ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ હતું. આ જ વર્ષે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો અને તેઓ ભારતના રાજકીય મસીહા તરીકે બહાર આવ્યા હતા. પછી આ વકીલ ગાંધીજીના પટ્ટશિષ્ય બની ગયા હતા અને સમયની સાથે તેઓ ગાંધીજીનો જમણો હાથ બની ગયા હતા. તેઓ ગાંધીજીના વિચારોને મૂર્તિમંત સ્વરૂપ આપતા હતા, તેઓ ગાંધીજીની યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરતા હતા. ગાંધીજીના રંગે રંગાઈને આ વકીલે યુરોપિયન પહેરવેશનો હંમેશા માટે ત્યાગ કરી દીધો હતો અને ખાદીની બનેલી ધોતી-કુર્તા અપનાવ્યો હતો.
આ વકીલ બીજું કોઈ નહીં, આપણા ભારતના લોખંડીપુરુષ અને ભારતને એકતાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ (૧૮૭૫-૧૯૫૦) હતા.
સરદારનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫માં ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં થયો હતો. નડિયાદ ગુજરાતની ડાયમન્ડ નગરી તરીકે પ્રસિદ્ધ સુરતથી ૨૦૦ કિમીના અંતરે સ્થિત છે. તેઓ લડાયક ગણાતી જ્ઞાતિ લેઉવા પટેલ સમુદાય સાથે સંબંધ ધરાવે છે.
લેઉવા પટેલ પરંપરાગત રીતે ખેતીવાડી કરે છે. તેઓ બહાદુરી અને સખત મહેનતનો ઇતિહાસ ધરાવે છે. સરદારનું કુટુંબ મૂળે ખેતીવાડી કરતું હતું અને તેઓ ખેતરમાં જ મોટા થયા હતા એમ કહીએ તો ચાલે. તેઓ પોતાનો પરિચય હંમેેશા ખેડૂત તરીકે આપતા હતા. કાયદા ક્ષેત્રે કે રાજકીય કારકિર્દીમાં શિખર પર પહોંચ્યા પછી પણ તેઓ પોતાને ખેડૂત ગણાવતા હતા. તેમને ત્રણ ભાઈઓ અને એક બહેન હતી. તેમાંથી એક વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ (૧૮૭૩-૧૯૩૩) હતા, જેઓ કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ (સ્પીકર) બન્યા હતા.
સરદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (૧૯૧૭-૧૯૨૮)ના ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને લોકપ્રિય નેતા તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી દેખાડી હતી અને વચનો પૂર્ણ કર્યા હતા. તેમણે બ્રિટિશ અમલદારશાહીની કામગીરી કરતાં શ્રેષ્ઠ કામગીરી કરી દેખાડી હતી અને સાથે સાથે શહેરના લોકો માટે કેટલીક રચનાત્મક પહેલો કરી હતી. જ્યારે તેઓ કોર્પોરેશનના પ્રમુખ (૧૯૨૪-૧૯૨૮) હતા, ત્યારે તેમણે એક વખત ‘સ્વચ્છ ભારત’નું વિશિષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. સ્વયંસેવકો સાથે પટેલ જાતે ઝાડુ અને કચરાપેટી લઈને અમદાવાદની શેરીઓમાં ફરી વળ્યા હતા અને શહેર સ્વચ્છ કરવાનું બીડું ઉઠાવ્યું હતું. તેમણે આ અભિયાનની શરૂઆત હરિજનવાસમાંથી કરી હતી. વર્ષ ૧૯૧૭માં અમદાવાદમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.
આ કટોકટીના સંજોગોમાં પટેલ અને તેમના સ્વયંસેવકોએ પીડિતો અને તેમના પરિવારજનોને મદદ કરવા રાતદિવસ એક કર્યા હતા. જેમ લોકમાન્ય તિલકે ૧૮૯૬માં પૂણેમાં પ્લેગ દરમિયાન જે કામગીરી અદા કરી હતી તેવું જોખમ ખેડીને સરદારે અમદાવાદમાં કામગીરી કરી દેખાડી હતી.
કામકાજના ભારણની પટેલના સ્વાસ્થ્ય પર અસર થઈ હતી, પણ તેઓ લોકપ્રિય નેતા તરીકે બહાર આવ્યા હતા અને સામૂહિક નેતા તરીકેની તેમની છાપ ઊભી થઈ હતી. આ જ ગાળામાં ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ અને તેના દાયકા પછી ૧૯૨૮માં બારડોલીના ના-કર આંદોલનમાં પટેલનાં નેતૃત્વનાં ગુણો ખીલ્યા હતા. અંગ્રેજોએ ખેડા (ગુજરાત)ના ખેડૂતોની કરવેરો રદ કરવાની માંગણી સંપૂર્ણપણે સ્વીકારી નહોતી, તેમ છતાં આ આંદોલનના બે મહત્ત્વપૂર્ણ પરિણામો મળ્યાં હતાં – એક, જમીનના વેરા નક્કી કરવામાં ખેડૂતો મહત્ત્વપૂર્ણ પક્ષકારો બન્યા હતા અને બે, ગાંધી અને પટેલ કાયમ માટે એકતાંતણે બંધાઈ ગયા હતા. ૨૩ જુલાઈ, ૧૯૨૭ના રોજ તોફાની વરસાદથી ગુજરાતમાં પૂર આવ્યું હતું. આ આફતમાં પટેલે પૂરપીડિતોને બચાવવાનું અને પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું, જેના પગલે સમગ્ર દેશનું ધ્યાન તેમના પરત્વે આકર્ષાયું હતું.
બોમ્બે સરકારે (તે સમયે ગુજરાત બોમ્બે પ્રાંતનો ભાગ હતું)એ તેમને એવોર્ડ એનાયત કરવાની ભલામણ કરી હતી, પણ સરદારે નમ્રતાપૂર્વક તેનો અસ્વીકાર કર્યો હતો. વર્ષ ૧૯૨૮માં બારડોલીના સત્યાગ્રહમાં સફળતા સાંપડ્યા પછી પણ આ નમ્રતા સરદારની ઓળખ બની ગઈ હતી. તેમણે ડિસેમ્બર, ૧૯૨૮માં કલકત્તામાં આયોજિત કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં ઊભા થવાનો ઇનકાર કરી દીધો હતો. વારંવાર વિનંતી કર્યા પછી તેઓ ગુજરાતના પ્રતિનિધિમંડળના સભ્યો સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓ સમક્ષ ઊભા થયા હતા અને તેમને મંચ પર આવવાની ફરજ પાડવામાં આવી હતી. સુરત જિલ્લાનું બારડોલી પટેલનું સમરાંગણ બની ગયું હતું. આ સમયે તેમણે સતત ત્રણ મહિના કરવેરા ન ભરવા ખેડૂતોને અસાધારણ નેતૃત્વ પ્રદાન કર્યું હતું.
પટેલની સંગઠનક્ષમતા સાથે તિલકે મહારાષ્ટ્રમાં ૧૮૯૬માં દુષ્કાળ રાહત અભિયાનને સરખાવી શકાય. પટેલ લશ્કરી વ્યૂહ અપનાવી ખેડૂતોની ટુકડી બનાવી હતી અને સંપૂર્ણપણે અહિંસક અભિયાન શરૂ કર્યું હતું. તેઓ સેનાપતિ હતા અને તેમના હાથ નીચે વિભાગપતિઓ તથા સ્વયંસૈનિકો (સૈનિકો)ની નાની-નાની ટુકડીઓ રચવામાં આવી હતી. આ સત્યાગ્રહમાં ૯૨ ગામડાં અને ૮૭,૦૦૦ ખેડૂતો સામેલ થયા હતા. તેમણે સંદેશા પહોંચાડવા ઘોડેસવાર સંદેશવાહકો, ભજનિકો, પેપર પ્રિન્ટર્સનું નેટવર્ક ઊભું કર્યું હતું. બારડોલીમાં તેમની સફળતાએ બ્રિટિશ સામ્રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું. પણ સૌથી શ્રેષ્ઠ સન્માન બારડોલી તાલુકાના નાની ફળોદના ખેડૂતે આપ્યું હતું. કુવરજી દુર્લભ પટેલે જાહેર સભામાં તેમને કહ્યું હતું કે, ‘પટેલ, તમે અમારા સરદાર છો.’ પછી તેઓ હંમેશા માટે ‘સરદાર’ બની ગયા હતા.
પટેલની શિસ્ત કાબિલેદાદ હતી. સ્વયંશિસ્ત ગાંધીનો મંત્ર હતો. પણ પટેલ સંગઠનમાં શિસ્ત લાવ્યા હતા અને જન આંદોલનો માટે જરૂરી સુસંગતતા ઊભી કરી હતી. જ્યારે ભારતીય રાજકારણમાં જન આંદોલનની શરૂઆત થઈ હતી, ત્યારે પટેલનું ભારતીય રાજકીય રંગમંચ પર આગમન થયું હતું.
અમેરિકન પત્રકાર જોહન ગુન્થરે ૧૯૩૦ના દાયકામાં એશિયાના રાજકરણનો અભ્યાસ કર્યો હતો. તેમણે પટેલને ‘પક્ષના ઉત્કૃષ્ટ સર્વેસર્વા’ ગણાવ્યાં હતાં. તેમણે પટેલને કર્મયોગી, વ્યવહારિક અભિગમ ધરાવતા નેતા ગણાવ્યા હતા, જેઓ કાર્ય કુનેહપૂર્વક પૂર્ણ કરવાની કુશળતા ધરાવતા હતા.
પટેલની સંગઠનક્ષમતાની કસોટી ભારતની આઝાદીના સમયે થઈ હતી. ભારત આઝાદ થવાની નજીક હતું ત્યારે તે દેશી રજવાડાઓમાં વિખંડિત થવાની શંકા હતી અને તે સમયે ભારતમાં આશરે ૫૬૫ દેશી રજવાડાં હતાં, નહીં કે ભારતીય સંઘ. ત્રાવણકોર જેવા કેટલાંક રાજ્યો સ્વતંત્ર રહેવાની ઇચ્છા ધરાવતાં હતાં, તો ભોપાલ અને હૈદરાબાદે પાકિસ્તાન સાથે જોડાવાનું ષડયંત્ર રચ્યું હતું પણ પટેલે રાજકીય કુનેહ અને રાજનીતિજ્ઞ જેવી બાહોશતા સાથે દેશી રજવાડાઓને ભેળવીને ભારતીય સંઘમાં જોડાવા તૈયાર કરી લીધા હતા. તેમણે હૈદરાબાદમાં બળથી કામ લીધું હતું, જ્યાં રઝાકારોએ રાજ્યની વસતિ પર આતંક મચાવ્યો હતો.
ભારતના પ્રથમ ગૃહપ્રધાન તરીકે સરદાર પર પાકિસ્તાનમાંથી હિંદુ અને શીખ શરણાર્થીઓને પુનઃસ્થાપિત કરવાની મસમોટી જવાબદારી હતી તથા તેમણે સરકારી સેવાઓનું માળખું પણ વ્યવસ્થિત કરવાનું હતું. આઇસીએસ ફિલિપ મેસોને કહ્યું હતું કે, પટેલ સ્વાભાવિક સંચાલક હતા, જેમને પૂર્વાનુભવની જરૂર નહોતી. ગાંધીજીના અંતેવાસી કાકા કાલેલકરે પણ કહ્યું હતું કે, પટેલમાં શિવાજી અને તિલકના ગુણોની ઝલક જોવા મળી હતી, ભલે તે ગાંધીજીના પટ્ટશિષ્ય હતા. પટેલે ૧૯૫૦માં ૭૫ વર્ષ પૂર્ણ કર્યા હતા અને આ વયે અતિ તણાવને કારણે તેમનું સ્વાસ્થ્ય નબળું પડ્યું હતું. મુંબઈમાં ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ તેમનું અવસાન થયું હતું. તેઓ મરણપથારી પર પણ તેમના પરિવાજનોની નહીં, પણ દેશની ચિંતા કરતા હતા.
પટેલના વારસાની ઉપેક્ષા કરવામાં આવી એ કમનસીબ બાબત છે. વર્તમાન સરકાર ઇતિહાસની એ ભૂલને સુધારવાનો પ્રયાસ કરી રહી છે અને પટેલને ભારતના રાષ્ટ્રના ઘડવૈયા તરીકે યથાર્થ રીતે પ્રસ્તુત કરી રહી છે.

Related posts

પાણી પરમેશ્વરે સજીવ સૃષ્ટિને આપેલી અણમોલ ભેટ

aapnugujarat

બેડ લોન્સના કારણે બેંકો માટે નવું ધીરાણ આપવું મુશ્કેલ

aapnugujarat

સરકારને એક વર્ષે લાદ્યુ જ્ઞાન સેનેટરી નેપકિન લક્ઝરી આઈટમ નથી..!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1