ફરદીન ખાન અને નતાશા માધવાની તેમના બીજા બાળકને લઇને ખુબ જ ખુશખુશાલ થયેલા છે. આ વર્ષમાં તેઓ બીજા બાળકના માતા-પિતા બનવા જઇ રહ્યા છે. મળેલી માહિતી મુજબ ફરદીન ખાન બીજા બાળકના પિતા બનવાના સમાચાર પોતે આપી ચુક્યો છે. નતાશા હાલમાં પરિવારના સભ્યો સાથે લંડનમાં છે. મળેલી માહિતી મુજબ બ્રિટનમાં જ તે બાળકને જન્મ આપે તેમ માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ ફરદીન ખાન પણ ટૂંકા ગાળામાં બ્રિટન જશે. અત્રે નોંધનીય છે કે, ડિસેમ્બર ૨૦૦૫માં મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં અભિનેતા ફરદીન ખાને નતાશા સાથે લગ્ન કર્યા હતા. તેમની પહેલાથી જ ત્રણ વર્ષની પુત્રી છે જેનું નામ ઇસા બેલા ખાન રાખવામાં આવ્યું છે. ફરદીન ખાન બોલીવુડમાં સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થયો છે. શરૂઆતમાં સારી સફળતા મળ્યા બાદ ફરદીનને કોઇ સફળતા મળી રહી નથી. ફરદીન ખાન પોતાના પિતા અને વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ફિરોઝ ખાનની ફિલ્મ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી અને શરૂઆતમાં સારી સફળતા પણ મળી હતી પરંતુ ત્યારબાદ વધતી સ્પર્ધા વચ્ચે તે ફેંકાઈ ગયો હતો. ફરદીન ખાનને હાલમાં કોઇ ફિલ્મો મળી રહી નથી. એક સમયે ફરદીન ખાન ટોચની અભિનેત્રી કરીના કપૂર અને અન્ય અભિનેત્રીઓ સાથે પણ નજરે પડ્યો હતો. બોલીવુડના અનેક સ્ટાર પુત્રોને સફળતા મળી નથી તેમાં ફરદીન ખાન પણ સામેલ છે. ફરદીન ખાને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે પરંતુ નાની ભૂમિકા વાળી ફિલ્મો હોવાના લીધે તે કામ કરી રહ્યો નથી. તેને મોટાભાગે મલ્ટીસ્ટારર ભૂમિકા મળી રહી છે. આ પ્રકારની ફિલ્મોમાં કામ કરીને તે સતત ચર્ચામાં રહેવા ઇચ્છુક દેખાઈ રહ્યો નથી. ફરદીનના ડિસેમ્બર ૨૦૦૫માં અતિભવ્ય લગ્ન થયા હતા.