Aapnu Gujarat
બ્લોગ

તમાકુનું વ્યસન ભારત માટે પડકારરૂપ

ચિત્રપટમાં હીરો કે વિલન રૂબાબથી સિગારેટ ફૂંકતો હોય અને ધુમાડાબંધ સેરો કાઢતાં હોય એવાં દશ્યોની અસર કુમળી વયનાં બાળકો પર તરત પડે છે! એને મન તો એ મર્દાનગી અને શૌર્યનું પ્રતીક છે અને છાને ખૂણે એની નકલ કરવા તત્પર થઈ જાય છે. આ હકીકતને લક્ષમાં લઈ તમાકુ મુક્ત ઉત્પાદનો કરતી કંપનીઓ એમના સુધી પહોંચી ગયા છે. વિશ્વમાં રોજ ૫૫૦૦ બાળક તમાકુ સંયોજિત પદાર્થોનું સેવન કરે છે. દર ૧૫ સેંકડે એક બાળક તમાકુનું સેવન કરવાનું શરૂ કરે છે. પુખ્ત વયના મોટાભાગના વ્યસનીઓએ ૧૦ વર્ષની ઉંમરથી જ તમાકુ લેવાનું ચાલુ કરી દીધું છે.
તમાકુ કરતાં તેની અજ્ઞાનતા વધારે ઘાતક છે. આજે આ વ્યસન ચેપી રોગની જેમ ચારમાંથી એક ભારતીયને લાગી ચૂક્યો છે; એટલે ૨૫ કરોડ લોકો તમાકુના વ્યસની બની ચૂક્યા છે.
આપણા દેશનું વાર્ષિક સિગારેટનું બિલ રૂ. ૧૮ હજાર કરોડ છે. તમાકુનું વાર્ષિક મુત્યુઆંક ૧૦ લાખ છે. ૨૦ ટકા કેન્સર તમાકુને લીધે થાય છે. ઉપરાંત ૯૦ ટકા મોઢાને લગતા રોગ અને ૬૦ ટકા હૃદય સંબંધિત રોગ તમાકુના સેવનથી થાય છે.
મુંબઈમાં જ ૬ લાખ લોકો એક યા બીજા પ્રકારે તમાકુનું સેવન કરે છે અને ૨૦ લાખ જેટલા નાની ઉંમરે જ મૃત્યુને ઉંબરે છે.જાહેરસ્થળો પર ધૂમ્રપાન નિષેધ કે તમાકુ પર ટેક્સ વધારતા જવો કે સિગારેટના પાકીટ પર ચેતવણી છાપવી એ સરકારના અધકચરા પગલાં કારગત નીવડ્યાં નથી. કંપનીઓ માતબર થતી જાય છે ને જાહેર રોકાણ વધતું જાય છે. એટલું જ નહીં, ખૂબ લોકપ્રિય એવી વિદેશી સિગારેટ માર્લબોરોનું ઉત્પાદન હવે ભારતમાં થશે? શું આપણી સરકાર આવી ભરપૂર આવક આપતી તમાકુ કંપનીઓને કદી જાકારો આપી શકશે?જોકે ફિલ્મમાં જ્યારે હીરો વિલન કે અન્ય પાત્ર સ્મોકિંગ કરતાં હોય એવું દશ્ય હોય ત્યારે શરૂઆતમાં જ ૩૦ સેકન્ડ સુધી તમાકુના સેવનથી થતા રોગો તેમજ નુકસાન વિશે માહિતી આપવાની હોય છે વળી જ્યારે આ દશ્ય ભજવાતું હોય ત્યારે નીચે સતત સ્ક્રોલ પર તમાકુના સેવનથી થતા નુકસાન વિશે માહિતી આપવાની હોય છે, જે મોટે ભાગે આપવામાં આવતી નથી કે એવી રીતે દશ્યમાન થાય છે કે પ્રેક્ષકનું ધ્યાન ભાગ્યે જ ખેંચાય છે; એટલે બોલીવુડમાં તમાકુને તિલાંજલિ ઝુંબેશ માટે ઉત્સુકતા દેખાતી નથી. પાલિકાઓએ શહેરમાં તમાકુયુક્ત પદાર્થોનું સેવન અટકાવવા અને તેનાથી થતા નુકસાન વિષે લોકોને માહિતગાર કરવાનું કાર્ય કરવાનું હોય છે.
એમના મોટાભાગના નિયમોનું રીતસર છડેચોક ઉલ્લંઘન થાય છે. પણ પાલિકા પગલાં લઈ શકતી નથી. ટોબેકો એક્ટ પ્રમાણે સિગારેટ કે અન્ય પદાર્થોનું વેચાણ કરતી દુકાનો પર ક્યાંય તેની જાહેરાતવાળા સાઈન બોર્ડ રાખવા ન જોઈએ. જ્યાં શાળા કે કોલેજો હોય ત્યાં ૧૦૦ મીટરના વિસ્તારમાં આવા પદાર્થોનું વેચાણ થતું હોય ત્યાં એના સેવનથી થતા નુકસાન અંગેની માહિતી સચિત્ર મૂકવી જોઈએ.
આ નિયમોનું પાલન થતું નથી અને ખુલ્લેઆમ તેનું વેચાણ દેશના ભાવિ નાગરિકોના આરોગ્ય માટે એ ચિંતાજનક છે. જો શ્વાસ રૂંધાય જાય તો મૃત્યુ નીપજે એમ તમાકુ શરીરનાં કોષોનો પ્રાણવાયુ રૂંધે છે. આમ કોષોનો નાશ થાય છે. એવું તમાકુ-વ્યસન મુક્તિના નિષ્ણાત ડૉ. જાગૃતિ ચશ્માવાલાનું કહેવું છે. તમાકુ માથાના વાળથી પગના નખ સુધી ઝેર સમાન અસર કરે છે. તમાકુ લેતા જ ૭ સેકન્ડમાં હૃદયના ૮-૧૦ ધબકારા વધી જાય છે. આને લીધે હૃદય પર જોર પડે છે અને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે.
આમ આપણે જ આપણું આયુષ્ય ટૂંકાવી રહ્યા છીએ. એશિયાઈ પુરુષોને હૃદયરોગ થવાની ઘણી શક્યતા છે એટલે તમાકુનું વ્યસન મૃત્યુને આંમત્રણ છે. તમાકુ સીધી જ બાળકો અને યુવાઓ પર પગપેસારો કરે છે. આથી જ તે ખૂબ જોખમી છે. ભારતમાં તમાકુનો ઉપયોગ દરેક રાજયમાં અને દરેક શહેરમાં થાય છે પણ તેની પેર્ટન દરેક રાજયમાં અલગ અલગ છે.આ તારણ છેક અમેરિકાના ફલોરિડાથી જુદા જુદા દેશોમાં ફરીને ભારતની મુલાકાતે આવેલી અને તમાકુના વ્યસન અંગે રિસર્ચ કરતી વેલ્સ્લી યુનિ.ની એલેન્ડ્રાનું છે.
અમેરિકાના ફલોરિડા શહેરની વેલ્સ્લી યુનિવર્સિટીની વિધાર્થિની એલેન્ડ્રા એલિસને વિવિધ દેશોમાં ફરીને તમાકુ પ્રતિબંધિત કાયદાઓ અને તમાકુના સેવનના પ્રસાર અંગેના રિસર્ચ પ્રોજેકટના ભાગરૂપે વડોદરાની મુલાકાત લીધી હતી. તેણે જણાવ્યું કે, ‘હું શાળામાં હતી ત્યારે પણ તમાકુ વિરોધી કાર્યક્રમો આયોજતી.કોલેજ બાદ પ્રોજેકટમાં ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, ચીન, કમ્બોડિયા, ભારત જેવા કેટલાક દેશોમાં ફરીને તમાકુને લગતા કાયદાઓ, વ્યસન મુકિત માટે કાર્ય કરતી સંસ્થાઓ વગરેની કાર્યપદ્ધતિને હું આવરી લઇશ.’ વડોદરામાં તમાકુ વિરોધી કાર્ય કરતી ફેઇધ ફાઉન્ડેશનની મુલાકાત લેનાર એલેન્ડ્રાએ જણાવ્યું કે, ‘હુક્કા બાર બંધ થવાનો કિસ્સો વડોદરામાં સફળ થયો છે તે પ્રશંસનીય છે.વળી ભારતમાં વ્યસનની પેર્ટન દરેક રાજય-શહેરમાં અલગ છે માટે વ્યસન મુકિત અને કાયદાને લગતી બાબત અહીં ખૂબ પડકારરૂપ છે. ’ તેના મતે તમાકુના ઉધોગકારો પાસે ઢગલો નાણાં હોય છે અને માટે કયાંક સરકાર પણ તેનાથી દબાઇ જતી હોય છે.
તમાકુ ઉધોગકારો કેવી રીતે તેમનાં ઉત્પાદનોને લોકોમાં પ્રચલિત કરતાં હોય છે તે બાબત આશ્ચર્ય પમાડે તેવી હોય છે .આપણે તમામ આજે પોલ્યુશન, હડીયાપાટીવાળું જીવન, જંકફૂડ ખાઈને માંદા પડીએ છીએ પછી ખોટે ખોટી એલોપથીની દવા થકી જ કેન્સરને કંકોત્રી લખીએ છીએ. એમ છતાં આપણે કેન્સર ન થાય તે માટે સાવચેતી લેતા નથી.
આપણે કેન્સરનું નામ પડે એટલી ધડામ દઈને કહી દઈએ છીએ કે ‘મને કેન્સર થાય? એ ભયાનક દર્દ મને તો ન જ થાય.’ પણ તમે ભારત અને જગતના કેન્સરના દરદીની સંખ્યા અને વીઆઇપી નામો જોશો તો જરૂર આજથી ચેતશો અને શાંતિવાળુ જીવન અને ‘ગરીબ’ માણસ જેવો સાદો આહાર રાખશો અને આધ્યાત્મિક જીવન તરફ આકર્ષાશો જ.
– મૂળ ભારતનો નીલ પટેલ લંડન જઈને રોક ગાયક બની ગયેલો. તેને સાથળમાં કેન્સરની ગાંઠ થઈ તેની માતા સદભાગ્યે યોગ જાણતી હતી અને લંડનમાં નિસર્ગોપચાર કેન્દ્ર ખોલેલું. તેનો સંગીતકાર દીકરો જવારાના રસ, યોગ અને પોઝિટિવ વિચારો થકી સારો થયો. કેન્સર મુક્ત થયો.
– આપણા મહારાષ્ટ્રનાં ‘લાડલા’ નેતા શરદ પવાર બીજા ગામઠી લોકોની જેમ તમાકુ ચોળીને ખાતા હતા તેમને જડબાનું કેન્સર થયું. એવું જ કેન્સર રાજકોટના એક યુવાન ગુજરાતી લેખકને થયેલું. સદભાગ્યે બન્ને સારા છે.
– ઈગ્લેંડનાં ક્રિકેટર ટોની ગ્રેગને ફેફસાનું કેન્સર થયું છે અને લાખ્ખો રૂપિયા ટ્રીટમેન્ટમાં ખર્ચ્યા છે. ટોની ગ્રેગ ક્રિકેટમાં ૫૮ ટેસ્ટમેચ રમ્યો છે. ક્રિકેટમાં જીતવું સહેલુ છે પણ કેન્સર સામે નહીં.
– ડીએનએ અખબારની આરોગ્ય રીપોર્ટર માલતી પોરેચાએ ૨૦૧૩માં જણાવ્યુ કે મુંબઈમાં દર ૩૦૦૦ સ્ત્રીઓમાંથી ૧ સ્ત્રીને કેન્સર થાય છે.
– અમેરિકાના સેનેટર એડવર્ડ કેનેડીને મગજનુ કેન્સર થયું. તેણે પાવર ઓફ પોઝિટિવ થિંકિંગથી મટાડ્યુ ખરું પણ પછી કેન્સર સામે હારી ગયેલા.
– વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બિહામણા આંકડા ચાર વર્ષ પહેલા આપેલા કે ભારતમાં દરેક ૭ મીનીટે ૧ જણ સર્વાઇકલ કેન્સરથી મરે છે.
સર્વાઇકલ એટલે ગ્રીવા અગર ગરદનનું કેન્સર. ચાર વર્ષ પહેલા ૫૩૫૯૨ સ્ત્રીઓ સ્તન કેન્સરનો ભોગ બનેલી. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જગતની ૨૦ ટકા વસતિ છે. જગતના કેન્સરના પચાસ ટકા દરદી આ ત્રણ દેશમાં હશે.
– ખરેખર તો કેન્સર થાય એટલે અમેરિકામાં તુરંત કેન્સર-રજીસ્ટ્રીમાં નામ નોંધાવા લોકો જાગ્રત છે. ભારતમાં આવી કોઈ રજીસ્ટ્રી નથી. કેન્સરના નિદાન ઝડપથી થતા નથી. સ્ત્રીઓ કેન્સર સાથે જીવે છે તેમ એક અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસે લખેલું. કેન્સરના સ્પેશિયાલીસ્ટો પેદા કરવા મેડિકલ કોલેજોમાં ઓન્કોલોજીસ્ટ માટેની પુરતી જગ્યા નથી. એક આંકડા પ્રમાણે ભારતમાં ૩૦૦૦ ઓન્કોલોજીસ્ટ હોવા જોઈએ. તેનાથી ચાર-પાંચ ગણાની જરૂર છે.
– અમેરિકામાં ન્યુયોર્ક ખાતે સ્લોન- કેટરીગા- કેન્સર સેન્ટર છે. ત્યાં આપણાં વિખ્યાત ફિલ્મસ્ટાર નરગીસ કેન્સરની ટ્રીટમેન્ટ લઈને મરી ગઈ છે. ત્યાં ઉપચાર લીધેલા એક ફીલીપ ગોલ્ડ નામના પત્રકાર- એકટરે કેન્સરથી યુવાન વયે મરતા પહેલા એક પુસ્તક લખેલું. તેનુ નામ હતુ ‘વ્હેન આઈ ડાઈ’. તેને પેટનું પાચન પ્રણાલીનું કેન્સર થયેલું. પણ મરતા પહેલા કેન્સરથી કેમ બચવું તે લખતો ગયો છે. તેણે લખેલું કે ઓછામાં ઓછી એલોપથીક દવા લો અને વધુમા વધુ નિસર્ગોપચાર, સાદો આહાર લો અને તમાકુ, સિગારેટનો ત્યાગ કરો ‘મહાત્મા’ બની જાઓ.
– અમેરિકામાં દરેક મેડિકલ કોલેજ અને યુનિવર્સિટીમાં કેન્સરના સ્પેશ્યાલિસ્ટો તૈયાર થાય છે ત્યાં ટ્રીટમેન્ટ પણ થાય છે. જેમને ભારતના સ્પેશ્યાલિસ્ટ પર વિશ્વાસ ન હોય (જોકે અમેરિકનોને વિશ્વાસ છે) તો ન્યુયોર્કની સ્લોન કીટરીગ કેન્સર હોસ્પિટલ, મેયો ક્લીનીક સ્ટેન ફર્ડ અને વોશિંગ્ટન યુનિ, તેમ જ શિકાગો યુનિવર્સિટીની હોસ્પિટલોમાં જઈ શકો છો પણ અમેરિકામાં આવવા જવાના ખર્ચ જેટલો જ ખર્ચ ભારતમાં (અરધો) કરીને કેન્સરથી સાજા થવાની વધુ ગેરન્ટી છે- અમેરિકા જવું હોય તો મારી ભલામણ છે કે બ્રુકલીનમાં આલ્બર્ટ આઈનસ્ટાઈન કેન્સર સેન્ટર કે ન્યુજર્સીની રોબર્ટ વુડ હોસ્પિટલમાં જવું ત્યા તમને ગુજરાતી ખાણીપીણીવાળી હોટેલો મળી રહેશે. પરંતુ ભારતના લોકો યાદ રાખે કે મુંબઈની તાતા મેમોરીયલ હોસ્પિટલે એશિયાની કેન્સર માટેની મોટામાં મોટી હોસ્પિટલ છે. મહારાષ્ટ્રનાં ગામડામાંથી કેન્સરના દરદી આવે છે. તાતા મેમોરીયલ હોસ્પિટલ દર વર્ષે ૫૦૦૦૦ દરદીને ટ્રીટ કરે છે. નજીકમાં સંત ગજેબાબા મહારાજ ધર્મશાળા અને નાના પાટકર સ્મૃતિ કેન્દ્રમાં રહેવાની સગવડ મળે છે.
– નેકસસ મેગેઝિનના કહેવા પ્રમાણે બ્રિટનમાં દર વર્ષે ૨ લાખ લોકો કેન્સરનું નિદાન મેળવે છે તેમાંથી ટ્રીટમેન્ટ પહેલા ૧૫૨૦૦ દરદી મરી જાય છે. વાર્ષિક મરણનો (કેન્સરને કારણે) આંક ૫૪૭૦૦૦ છે!
– સિગારેટ પીનારા નોંધ લે કે દસમાંથી ૯ કેન્સરના દરદી આવે છે તે ધૂમ્રપાન થકી આવે છે. દરરોજ ૪૩૯ દરદી સ્મોકિંગથી થયેલા કેન્સરથી મરે છે. આ આંકડો સાંભળીને તમે ચૂનામાં તમાકુ મસળીને ખાતા હો કે સિગારેટ પીતા હો તે વ્યસન પ્લીઝ પ્લીઝ છોડજો!તમાકુ વ્યસન મુક્તિના નિષ્ણાત જાગૃતિ ચશ્માવાલાનું કહેવું છે કે ‘તમાકનું વ્યસન છોડવું અઘરું છે પણ અશક્ય નથી. તમાકુ છોડવા માટે વ્યસન મુક્તિ ઈચ્છુકોને યોગ્ય સલાહ, માર્ગદર્શન અને દવા આપવામાં આવે તો સફળતા મળે છે.’
ક્વિટ ટોબેકો પ્રોગ્રામઃ ડો. ચશ્માવાલા સંચાલિત કાર્યક્રમમાં શરૂઆતમાં વ્યસનીને સચિત્ર સાદી ભાષામાં તમાકુ આપણા શરીરમાં કેટલું નુકસાન કરે છે એ સમજાવવામાં આવે છે. આથી સમજીને છોડનારી વ્યસનીનું વ્યસનમુકત થવાની શકયતા ઘણી વધી જાય છે. પરિવારનો ટેકો હોય તો સરળતા રહે અને સફળતા મળે. તમાકુ બંધ કરવાની સાથે જ કલાકોમાં વ્યસનીને જાતજાતની તકલીફો થાય છે. કામમાં ચિત્ત ન લાગવું, તલપ લાગવી, માથું ભારે થવું, બેચેની થવી વગેરે અનુભૂતિ થાય છે અને તે કંટાળીને, નિરાશ થઈને પાછો તમાકુને વળગી રહે છે.સારવારના પ્રથમ બે દિવસો અઘરા હોય છે વ્યસનીને સંપૂર્ણ માર્ગદર્શન અને પછી સમજાવવામાં આવે છે અને ઉક્ત તકલીફોમાં ઓછામાં ઓછો ૮૦ ટકા સુધારો વર્તાય છે.વ્યસન-મુક્ત થવા માટે માત્ર મનોબળ પૂરતું નથી. તમાકુ બંધ કરવાની સાથે જ રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ઉત્પન્ન થાય છે એને સમજી કાબૂમાં રાખીએ તો વ્યસન-મુક્તિમાં સફળતા મળે છે. તમાકુ છોડવાથી થતી તકલીફોને નીવારવા દવાનો એક ડોઝ આપવામાં આવે છે. આ દવાથી ટોબેકોથી થતી તલપ અને એમાંથી મળતો વ્યસનીને આનંદ તે ઘણે અંશે કાબૂમાં રાખી શકાય છે.
એક જ દવા લાગુ ન પડે તો વિવિધ દવા અને તેની માત્રાને સંયોજિત કરવામાં આવે છે. કયુટીપી આશરે ૪ થી ૬ અઠવાડિયાં ચાલે છે. વ્યસનમુક્ત થવાના લક્ષણો દેખાય છે આદતથી લાચાર વ્યસની પાછુ તમાકુ તરફ ના વળે તેની કાળજી રાખવી પડે છે. બે વર્ષ સુધી ચેક-અપ, સંપર્ક અને માર્ગદર્શન આપવામાં આવે છે. જો કોઈ બે વર્ષ સુધી વ્યસનમુકત રહે તેને આદત પાછી લાગવાની શકયતા ઓછી છે.સમાજમાં તમાકુ નિષેધ ઝુંબેશ માટે ડો. જાગૃતિ ચશ્માવાલા છેલ્લાં ૭ વર્ષ થયાં કાર્ય કરી રહ્યાં છે અને આશરે ૧,૦૦૦ વ્યક્તિને વ્યસનમુક્ત કર્યા છે. એમનું કહેવું છે કે આપણા સમાજમાં ટોબેકો સેવનથી થતા પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાનને લક્ષમાં લેવામાં આવતું નથી.

Related posts

हिंदी दिवस या अंग्रेजी हटाओ दिवस ?

editor

રજનીકાંત : બસ નામ હી કાફી હૈ

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : વિચારવું ભુલ ભરેલું : મતભેદ બાજુએ તારવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1