Aapnu Gujarat
ગુજરાત

સુજલામ સુફલામ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં સિંચાઇ અને તળાવો ભરવા માટેની પાઇપ લાઇન યોજનાનો ઉપરાષ્ટ્રપતિશ્રીના હસ્તે  શિલાન્યાસ

મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ શ્રી સરદાર પટેલની ભૂમિને વંદન કરીને ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વૈકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ક્યાંક વધુ વરસાદ પડે છે તો ક્યાંક સુકુ રહે છે.  દેશના દરેક પ્રાન્તનો સમતોલ વિકાસ કરવાના ઉમદા આશયથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નદીઓનું જોડાણ કરવાના  ભગીરથ કાર્યનો આરંભ કર્યો છે.પાણી પહોંચાડવાનું કામ પવિત્ર છે તેવું પણ તેમણે ભારપુર્વક જણાવ્યું હતું.

ગ્રામ રાજ્ય વિના રામરાજ્ય અશક્ય છે તેવું કહી ઉપરાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું હતું , કે ગામડાના વિકાસ સિવાય રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. ગામડાનો વિકાસ કરવા માટે ગામડાઓને  રસ્તાથી જોડવા ખુબ જરૂરી છે.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપ લાઇન યોજનાનો શિલાન્યાસ કરીને ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વૈંકૈયાનાયડુએ ગુજરાતી ભાષામાં સર્વે લોકોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતીમાં સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતી મીઠી ભાષા છે,ગુજરાતીઓ મીઠા છે તથા ખાવાનું પણ મીઠું છે. જેથી મારા સંબધો ગુજરાતીઓ સાથે ખુબજ મીઠી લાગણીથી બંધાઇ ગયા છે.

સ્વરાજને સુરાજ્યમાં બદલવાના કામ કરવાની દિશામાં આગળ વધી ગામડાઓમાં શિક્ષણ, વિજળી અને પાણી પહોંચાડવું ખુબ જરૂરી છે. આ દિશામાં સરકારે સુચારૂ આયોજન કર્યું છે.

ભારત દેશની મોટા ભાગની નદીઓના નામ મહિલાઓના નામ સાથે જોડાયેલા છે તેમ કહી  ઉપરાષ્ટ્રપતિેએ મહિલાઓના સર્વાંગી  વિકાસને મહત્વ આપવાની વાત ઉપર ભાર મુક્યો હતો. તેમણે મહિલાઓના વિકાસથી  કેવું પરિવર્તન આવશે તેની દ્રષ્ટાંતપુર્વક વાત કરી હતી. ગુજરાત સરકારે આ દિશામાં કરેલ પહેલને આવકારી હતી.

અન્ય રાજ્યો માટે ગુજરાત પ્રેરણારૂપ રાજ્ય છે, તેવું કહી ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં પ્રગતિનો મુળ સ્ત્રોત ગુજરાત છે . ગુજરાતમાં ઉધોગો અને ખેતીનો વિકાસ સારો છે. નર્મદા ડેમના દરવાજા બંધ થતાં ગુજરાતનો વિકાસ ખુબ ઝડપી થશે અને દરેક ખેતરમાં પાણી પહોંડવાનું સ્વપ્ન ખુબ ઝડપથી સાર્થક થશે. સરકાર કરશે……સરકારનું કામ છે તેવું માન્યા કરતાં સહિયારા પુરૂષાર્થથી તમામ કામો પાર પડે છે, તેવું કહી તેમણે સ્વચ્છ ભારત અભિયાનમાં દેશના દરેક નાગરિકે આંદોલન રૂપે લાગી જવાનું આહવાન કર્યું હતું.

રાજ્યપાલશ્રી ઓમ પ્રકાશ કોહલીએ જણાવ્યું હતું કે જળના ઉપલબ્ધ સંશાધનોને પાણીની અછત વાળા વિસ્તારમાં પહોંચાડવામાં આવે તો સમતોલ વહેંચણી થઇ શકે અને તેના માટે નદીમાં વહી જતા પાણીને રોકીને અછત નિવારી શકાય. તેમણે સુજલામ સુફલામ યોજનાથી ૪૪,૦૦૦ એકર જમીન હરીયાળી થશે તે આનંદની વાત છે, તેમણે  દરેક ખેતરોને પાણી આપવાની સરકારની કટિબધ્ધતા આવકારી હતી.  રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ કરવા જણાવ્યું હતું

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સુજલામ સુફલામ યોજનાનું લોકાર્પણ અને ખાતમુર્હુત મહેસાણા જિલ્લા માટે આશીર્વાદ  સમાન બની રહેશે તેમ જણાવ્યું હતું. રૂ.૧૨૪૩ કરોડની પાઇપ લાઇન દ્વારા જિલ્લાની ધરતી નવપલ્લવીત  બનશે અને તથા પશુપાલન ઉધોગને વેગ મળતા જીવન ધોરણ ઉંચા આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું ખેડૂતોને સમૃધ્ધ કરવાનું સ્વપ્ન  સાકાર થશે

શ્રી નીતિનભાઇ પટેલે ભુતકાળમાં પાણીના તળ નીચા જવા અને ફ્લોરાઇડયુક્ત પાણીથી જિલ્લાના નાગરિકોને સ્વાસ્થ્ય ની તકલીફ પડતી હતી તે હવે સુજલામ સુફલામ યોજનાથી દુર થશે તેમ જણાવ્યું હતું.

જળસંપત્તિ રાજ્ય મંત્રી નાનુંભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાતમાં પાણીની અસમતોલ વહેંચણી હતી. દક્ષિણ ગુજરાતમાં ૩૦ ટકા ભૂમિ ભાગ અને ૭૦ ટકા પાણી હતું. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૭૦ ટકા ભૂમિ ભાગ અને ૩૦ ટકા પાણી હતું. રાજ્યની શાસનધુરા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ  મોદીએ સંભાળ્યા પછી  ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા સુજલામ સૂફલામ યોજના કાર્યરત કરાવી હતી જેની ફળશ્રુતિરૂપે આજે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીના તળ  ઉંચા આવ્યા છે. ખેડૂતોની સિંચાઇની સમસ્યાને હલ કરવા આજે રૂ.૧૨૪૩ કરોડની ૦૬ યોજનાનો શિલાન્યાસ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે.

સાંસદ શ્રી જયશ્રીબહેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાની આ પ્રજાને આ પ્રોજેક્ટથી સીધો ફાયદો થશે. મહેસાણા કૃષિક્રાંતિના પગરણ મંડાશે અને વિકાસના નવા દ્વાર ખુલશે તેમણે નર્મદા યોજનાથી આવનારા  દિવસોમાં ગુજરાતને થનાર લાભોની જાણકારી આપી હતી.

ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયાનાયડુના વરદ હસ્તે આજે મહેસાણા ખાતે રૂ.૧૨૪૩ કરોડના ખર્ચે તૈયાર થનાર સિંચાઇ અને તળાવો ભરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી મહેસાણા જિલ્લાના વિજાપુર, કડી, વડનગર, ખેરાલું, મહેસાણા, જોટાણા, બેચરાજી, સતલાસણા અને વીસનગર સહિત ગાંધીનગર જિલ્લાના કલોલ અને માણસા તાલુકાના મળીને ૧૯૫ ગામોની ધરા નવપલ્લવીત થનાર છે.

જીવનમાં પાણીનું વિશેષ મહત્વ હોય છે. મહેસાણા જિલ્લામાં રૂ.૧૨૪૩ કરોડના ખર્ચે તૈયાર થનાર પાઇપ લાઇન થકી સિંચાઇ અને તળાવો ભરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પાંચ પાઇપ લાઇનનો શિલાન્યાસ અને એક પાઇપ લાઇનનો લોકાર્પણ કરાયું હતું.

મહેસાણા જિલ્લામાં સિંચાઇ અને તળાવો પાઇપ લાઇન થકી નર્મદાના નીરને ભરવા માટે    ગાંધીનગર જિલ્લાને લાભાન્વિત  કરતી આ યોજનામાં ૬ પાઇપ લાઇન યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કરાયું  હતું.  આ યોજના થકી ૫૫૬૪૦ એકર જમીનના વિસ્તારને આવરી લેવાયો છે. આ છ પાઇપ લાઇન યોજના દ્વારા ૨૪૫ તળાવો અને ચેકડેમોને સીધા જોડવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં આ છ પાઇપ લાઇનમાં આઠ પમ્પીંગ સ્ટેશન અને ૨૪૩ કિ.મી. લંબાઇની પાઇપ લાઇન નાંખવામાં આવનાર છે. આ યોજના આગામી ૦૨ વર્ષમાં પૂર્ણ થનાર છે.

ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળનો ઉપયોગ સતત વધતો ગયો અને વાર્ષિક સરેરાશ ૩ થી ૫ મીટર ભૂગર્ભજળના સ્તર ઘટતા જતા હતા. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદાના વહી જતાં વધારાના પાણીમાંથી ૧ મીલીયન એકર ફીટ પાણીની ફાળવણી ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે કરી હતી, આ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના ૯ મુખ્ય જળાશયો જેવા કે,  વાત્રક, મેશ્વો, હાથમતી, ગુહાઇ, મુક્તેશ્વર, દાંતીવાડા અને સીપુ જળાશયને પાઇપલાઇનથી જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા મુખ્ય નહેર આધારિત ૧૪ પાઇપ લાઇનનું આયોજન કરાયું છે. જેમાં ૧૧ પાઇપ લાઇન યોજનાની કામગીરી માટે રૂ.૨૮૪૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વાત્રક, માઝમ, મેશ્વો, હાથમતી, ગુહાઇ, મુક્તેશ્વર, ધરોઇ અને દાંતીવાડા પાઇપ લાઇનથી જોડી દેવામાં આવેલ છે. જેના થકી ભૂગર્ભજળ રિચાર્જ થયા અને અંદાજીત ૧,૮૮,૩૦૦ એકર વિસ્તારને સિંચાઇનો લાભ, ૮ જિલ્લાના ૨૬ તાલુકાના ૪૫૩ ગામ તળાવોને પાઇપ લાઇન સાથે જોડી નર્મદા નદીના પાણીથી ભરવામાં આવી રહ્યા છે.

મહેસાણા જિલ્લાના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટના સમારોહમાં પુર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર, વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઇ કાકડીયા, સંસદિય સચિવ શ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્ય શ્રી નારાયણભાઇ પટેલ, શ્રી રજનીકાન્ત પટેલ, શ્રી ઋષિકેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી એચ.કે.પટેલ, જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી એમ.કે.જાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય માંડલિક, નિવાસી અધિક કલેકટર શ્રી રમેશ મેરજા સહિત પ્રબુદ્ધ નાગરિકો, ખેડુતો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મા અમૃતમ્‌ વાત્સલ્ય કાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલી

aapnugujarat

सतलासणा तहसील में ८ इंच बारिश

aapnugujarat

મોરવા હડફ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1