Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટનાં જજને વોટસએપ મેસેજ મોકલવાનાં મામલે વડોદરા મ્યુનિ. કમિશનર રાવે કોર્ટમાં હાજર રહી માફી માંગી

ગુજરાત હાઇકોર્ટના જજને મોબાઇલ પર વોટ્‌સએપ મેસેજ મોકલવાના રાજયભરમાં ખળભળાટ મચાવનારા પ્રકરણમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિનોદ રાવે આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થઇ ભઆરે દિલગીરી સાથે માફી માંગી હતી. જો કે, મ્યુનિસિપલ કમિશનરને માફી આપવી કે નહી તે અંગે હાઇકોર્ટ બાદમાં નિર્ણય કરશે. આ કેસમાં અરજદાર દુકાનદારો તરફથી વળતું સોગંદનામું રજૂ કરી જવાબ કરવો હોઇ સમયની માંગણી કરવામાં આવતાં જસ્ટિસ આર.એચ.શુકલએ કેસની વધુ સુનાવણી તા.૧૮મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારના પથિકભવન કોમ્પલેક્ષના સ્થાનિક દુકાનદારોએ તેઓની દુકાનો તોડવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હિલચાલ સામે એડવોકેટ શાર્વિલ મજમુદાર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે એડવોકેટ એસ.પી.મજમુદારની દલીલો ગ્રાહ્ય રાખી અગાઉ દુકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરવા સામે સ્ટે જારી કર્યો હતો. આ કેસ હાઇકોર્ટના જે જજની કોર્ટમાં ચાલી રહ્યો હતો, તે જજને જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે મેસેજ કરતાં હાઇકોર્ટે આ સમગ્ર બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઇ વિનોદ રાવને ગત સપ્તાહે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રખાવ્યા હતા. જસ્ટિસ આર.એચ.શુકલએ વકીલો-પક્ષકારોથી ભરચક કોર્ટમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રીતસરના ઝાટકી નાંખ્યા હતા અને એમનો એટલી હદે ઉધડો લઇ નાંખ્યો હતો કે, હાઇકોર્ટે તેમને લેખિતમાં માફી માંગવા અને ખુલાસો કરવા ફરમાન કર્યું હતું. હાઇકોર્ટના હુકમ અનુસંધાનમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ આજે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહ્યા હતા અને પોતે હાઇકોર્ટની માફી માંગતું વિગતવાર સોગંદનામું રજૂ કર્યું હતું. વિનોદ રાવે હાઇકોર્ટની માફી માંગતા જણાવ્યું કે, તેઓને ખરેખર ખ્યાલ ન હતો કે, ન્યાયમૂર્તિને આ પ્રકારે મેસેજ કરાય કે નહી. પોતાના આ વર્તન અંગે તેઓ દિલગીર છે અને અદાલતની બિનશરતી માફી માંગે છે. તેમણે નિર્દોષભાવે આ મેસેજ કર્યો હતો, તેમાં અદાલતી તિરસ્કાર કે ન્યાયતંત્રની ગરિમાના હનનનો કોઇ ઇરાદો ન હતો. આ સંજોગોમાં હાઇકોર્ટે તેમને માફી બક્ષવી જોઇએ. હાઇકોર્ટે સરકારના અધિકારીઓને ન્યાયતંત્રની ગરિમા અને હાઇકોર્ટના હુકમોની ગંભીરતા સમજવા માર્મિક ટકોર કરી હતી. દરમ્યાન અરજદાર દુકાનદારો તરફથી એડવોકેટ શાર્વિલ મજમુદારે આ કેસમાં તેઓ પણ વળતુ સોગંદનામું રજૂ કરી જવાબ આપવા ઇચ્છે છે એમ કહી સમયની માંગણી કરતાં હાઇકોર્ટે કેસની સુનાવણી તા.૧૮મી સપ્ટેમ્બરે રાખી હતી. વડોદરા મ્યુનિસિપલ કમિશરને પણ માફી અંગેનો નિર્ણય હાઇકોર્ટ બાદમાં લે તેવી શકયતા છે.

Related posts

ખેડૂતે એરંડાની આડમાં વાવ્યો ગાંજો

aapnugujarat

અમદાવાદમાં ફરી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ

aapnugujarat

હત્યા, બળાત્કાર સહિતના પીડિતોને વળતરમાં વધારો કરતી ગુજરાત સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1