Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ મોદી ૧૩મીએ બપોરે અમદાવાદ આવી ૩૦ કલાક રોકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેના ૧૩-૧૪ સપ્ટેમ્બરના ગુજરાતના કાર્યક્રમોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદી, સીધા જાપાનથી સીધા અમદાવાદ આવનારા જાપાની વડાપ્રધાન કરતાં દોઢ કલાક વહેલા એટલે કે ૧૩મીએ બપોરે ૨ વાગે દિલ્હીથી આવશે અને ૧૪મીએ રાત્રે જાપાનના વડાપ્રધાન રવાના થશે એ પછી દિલ્હી જવાના છે. આમ વડાપ્રધાન મોદીનું ગુજરાત રોકાણ ૩૦ કલાક જેટલા સમયનું રહેશે. જાપાની વડાપ્રધાન તેમના ધર્મપત્ની સાથે આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદીના રોકાણ માટે હંમેશની માફક ગાંધીનગરના રાજભવનમાં વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, જ્યારે ચીની પ્રમુખ રોકાયા હતા તે અમદાવાદના વસ્ત્રાપુરની ફાઈવસ્ટાર હોટેલમાં જાપાની વડાપ્રધાન શિન્ઝો એબે રોકાણ કરવાના છે.
જાપાની પ્રીમિયર અમદાવાદ એરપોર્ટ ઉપર ૩-૩૦ વાગે આવશે, જ્યાં વડાપ્રધાન મોદી અને ગાર્ડ ઓફ ઓનર દ્વારા તેમનું સ્વાગત થશે. બાદમાં બંને વડાપ્રધાનો એક સાથે વાહનમાં સાબરમતી ગાંધી આશ્રમ પહોંચશે.  એરપોર્ટથી આશ્રમ સુધીના લગભગ ૭ કિલોમીટરના રસ્તે રોડ-શો થશે, એ વખતે રસ્તા બંને તરફ ૩૦ સ્ટેજ ઉપર વિવિધ રાજ્યોના ડાન્સ જૂથો તેમના પરંપરાગત પરિવેશમાં લોકનૃત્યો કરશે. જાપાની વડાપ્રધાન સાથે આવનારું ડેલિગેશન પણ રોડ-શો વખતે બંને વડા પ્રધાનોની પાછળ જોડાશે.લગભગ સાડા પાંચ વાગે સાબરમતી આશ્રમની મુલાકાત પૂર્ણ થયા બાદ જાપાની વડા પ્રધાન આઠ કલાકની મુસાફરી કરીને સીધા આવેલા હોઈ ફ્રેશ થવા માટે વસ્ત્રાપુરની હોટેલમાં પહોંચશે. ત્યાંથી લગભગ પોણા સાત વાગે લાલદરવાજા સિદ્દી સૈયદની જાળીની મુલાકાતે આવશે, જ્યાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. બાદમાં લગભગ ૭-૩૦ વાગે સિદ્દી સૈયદની જાળી સામે આવેલી હોટેલમાં જાપાની વડાપ્રધાન સાથે વડા પ્રધાન મોદી રાત્રી ભોજન લેશે, જેમાં ગણતરીના પંદરેક મહાનુભાવો સામેલ થશે. આ ભોજન-બેઠક બાદ બંને વડાપ્રધાનો વિખૂટા પડશે.
બીજા દિવસે ૧૪મીએ સવારે ૯ વાગે સાબરમતી પાવર હાઉસ સામેના ગ્રાઉન્ડ ખાતે આ બંને વડાપ્રધાનોના હસ્તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે. ત્યાર પછીના કાર્યક્રમો સવારે ૧૧ વાગ્યાથી પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે, જેમાં ૧૧-૩૦ વાગે દાંડીકુટિરની મુલાકાત, બપોરે ૧૨થી ૧ ડેલિગેશનો વચ્ચે ચર્ચા ૧-૩૦ વાગે મહાત્મા મંદિર ખાતે લંચ અને એ પછી ૪ વાગે બંને વડાપ્રધાનોની હાજરીમાં ઈન્ડિયા- જાપાન પરિષદ યોજાશે. બાદમાં જાપાની વડાપ્રધાન ઉતારાના સ્થળે આવશે અને ત્યાંથી ૭ વાગે સાયન્સ સિટી પહોંચશે, જ્યાં ગુજરાત સરકાર તરફથી ભોજન સમારંભ યોજાનારો છે.
જાપાની વડાપ્રધાન આ રાત્રી ભોજન પછી હોટેલ થઈને સીધા એરપોર્ટ પહોંચશે, જ્યાં વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકાર દ્વારા એમને વિદાયમાન અપાશે. બાદમાં વડાપ્રધાન મોદી પણ ત્યાંથી જ સીધા દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે.

Related posts

પ્રેમના કારણે વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી ન શકાયઃ કેરળ હાઈકોર્ટ

aapnugujarat

જોબ સેક્ટરનું ચિત્ર મજબુત કરવા નરેન્દ્ર મોદીનો આદેશ

aapnugujarat

હોમલોન ઉપર વધુ ટેક્સ છૂટ મળે તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1