Aapnu Gujarat
બિઝનેસ

કોરિયન કટોકટી વચ્ચે દલાલ સ્ટ્રીટમાં વેચવાલી રહી શકે છે

શેરબજારમાં ઉત્તર કોરિયાની કટોકટી અને વૈશ્વિક પરિબળો વચ્ચે હાલ પ્રવાહી અને ઉથલપાથલવાળી સ્થિતિ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. શેરબજારમાં રેંજ આધારિત કારોબારને લઇને રોકાણકારો સાવધાન થયેલા છે. કિમ જોંગના નેતૃત્વમાં ઉત્તર કોરિયા ટૂંક સમયમાં જ આઈસીબીએમ મિસાઇલનું પરીક્ષણ કરી શકે છે તેવી દહેશતના કારણે મૂડીરોકાણકારો બજારમાં પ્રવેશ કરવાથી દૂર જોવા મળી રહ્યા છે. સોના જેવા સુરક્ષિત ગણાતા ક્ષેત્રમાં રોકાણ કરવામાં મૂડીરોકાણકારો વિશ્વાસ રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં શેરબજારમાં હાલ વેચવાલીનો માહોલ જોવા મળે તેવી શક્યતા છે. શુક્રવારના દિવસે બીએસઈ સેંસેક્સ ૨૫ પોઇન્ટ રિકવર થઇને ૩૧૬૮૭ની સપાટીએ અને નિફ્ટી પાંચ પોઇન્ટ રિકવર થઇને ૯૯૩૫ની સપાટીએ રહ્યો છે. ૧૭ ઘટકોમાં તેજી અને ૩૪ ઘટકોમાં મંદી જોવા મળી હતી. પહેલીથી ૮મી સપ્ટેમ્બર વચ્ચના ગાળામાં સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૦.૬૪ ટકા અને નિફ્ટીમાં ૦.૩૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર કોરિયાની કટોકટીના પરિણામે ફાઈનાન્સિયલ માર્કેટો હચમચી ઉઠ્યા છે. વિશ્વભરના બજારોમાં દહેશત જોવા મળી રહી છે. ઉત્તર કોરિયા દ્વારા ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કોઇપણ સમયે કરવામાં આવી શકે છે. દક્ષિણ કોરિયાના મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ લોંચ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રોકાણકારો કિમ જોંગની ખતરનાક પ્રવૃત્તિને લઇને ચિંતાતુર બનેલા છે. સ્થિતિમાં કોઇપણ વળાંક વિશ્વભરના ફાઈનાન્સિયલ માર્કેટોને હચમચાવી શકે છે. બીજી બાજુ સરકાર દ્વારા ૧૨મી સપ્ટેમ્બરના દિવસે શેરબજારના કલાકોના ગાળા બાદ જુલાઈ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જારી કરવામાં આવશે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન દ્વારા નક્કી કરવામાં આવતા ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટનો ગ્રોથ રેટ મે મહિનામાં ઘટીને ૧.૭ ટકા થઇ ગયો હતો જે ગયા વર્ષે આજ મહિનામાં ૮ ટકાની આસપાસનો હતો. આ સપ્તાહમાં જ ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટે સીપીઆઈ આધારિત ફુગાવાના આંકડા ૧૨મી સપ્ટેમ્બરના દિવસે જ જારી કરવામાં આવશે જ્યારે રિટેલ ફુગાવાનો આંકડો સતત ત્રણ મહિના સુધી ઘટ્યા બાદ વાર્ષિક આધાર પર જુલાઈ મહિનામાં વધીને ૨.૩૬ ટકા થયો હતો. આ ઉપરાંત ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાના આંકડા ઓગસ્ટ મહિના માટે ગુરુવારના દિવસે ૧૪મી સપ્ટેમ્બરે જારી થશે. હોલસેલ આધારિત ફુગાવો જુલાઈ મહિનામાં ૧.૮૮ ટકા થયો હતો. કારણ કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યાના પ્રથમ મહિનામાં કેટલીક કોમોડિટીની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. જૂન ૨૦૧૭માં ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો ૦.૯૦ ટકા હતો. જ્યારે જુલાઈ ૨૦૧૬માં આ આંકડો ૦.૬૩ ટકાનો હતો. શનિવારના દિવસે ગઇકાલે મોડીરાત્રે જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક મળી હતી જેમાં અપેક્ષાની બિલકુલ વિરુદ્ધમાં કેટલાક પગલા લેવાયા હતા. આ બેઠકમાં ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર સેસમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. બીજી બાજુ દરરોજ ઉપયોગમાં આવતી ૪૦ વસ્તુઓના જીએસટી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રિટર્ન ફાઇલ કરવાની તારીખને લંબાવી દેવામાં આવી હતી અને જીએસટી નેટવર્ક દ્વારા સામનો કરવામાં આવી રહેલા મુદ્દામાં ધ્યાન આપવા પ્રધાનોની એક પેનલની રચના કરવામાં આવી હતી. અન્ય જે પરિબળો રહેલા છે તેમાં આઈપીઓની સ્થિતિ, બેંક ઓફ ઇઁગ્લેન્ડની બેઠક અને અમેરિકામાં ઝડપથી થઇ રહેલા ઘટનાક્રમની અસર જોવા મળી શકે છે.

Related posts

તમારું પણ પૂરું થશે કરોડપતિ બનવાનું સપનું, બસ કરો આટલું કામ…

aapnugujarat

RIL માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે

aapnugujarat

જામનગરમાં ખાનગી પેઢીના પ્રોપરાઈટરને 9 લાખના ચેક રિર્ટન કેસમા છ મહિનાની સજા

editor

Leave a Comment

UA-96247877-1