Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : સબળ વિરોધ પક્ષ માટે રિપબ્લિકન પક્ષની પરિકલ્પના

ડૉ. આંબેડકર લોકશાહીના પ્રખર પુરસ્કર્તા હતાં. લોકશાહીની સફળતા માટે બે પક્ષોની અનિવાર્યતા અર્થાત્‌ સબળ-સમક્ષ વિરોધપક્ષની આવશ્યક્તાના નિષ્પક્ષ પ્રામાણિક ચૂંટણી તંત્રના તેઓ આગ્રહી હતાં. પ્રવર્તમાન કોંગ્રેસ પક્ષની કૂટ-નીતિથી તેઓ બેહદ નારાજ હતાં. કારણ કે તે લોકશાહીને પોષાક ન હતી. વળી, ૧૯૫૨ની સામાન્ય ચૂંટણીઓનાં પરિણામ પછઈ તેમને લાગ્યું કે, સમાજવાદી પક્ષ કાચો પડે છે. વળી તે ગામડાં સુધી ગયો નથી. ભારતમાં જે પક્ષ ગ્રામ્યસ્તર સુધી પહોંચી શકે નહીં તે પક્ષ ચાલી શકે નહીં તેવું તેમનું તારણ પણ હતું. વળી તેઓ કોંગ્રેસમાં કોઈપણ સંજોગોમાં જવા તૈયાર ન હતાં. કોંગ્રેસનો તેમને અનુભવ હતો જ. છેક ૧૯૨૯ થી તેઓ સ્પષ્ટપણે માનતા હતાં કે કોંગ્રેસમાં જવાય જ નહીં. ચિપણૂક પરિષદમાં તેમણે કહ્યું હતું કે, ‘કેટલાંક કહે છે, કોંગ્રેસ સાથે રહેવાથી નુકસાન થશે.’ પરંતુ મારું સ્પષ્ટ મંતવ્ય છે કે, જ્યાં સુધી દલિત સમાજમાં શક્તિ પેદા થશે નહીં ત્યાં સુધી તેમનાં અસ્તિત્વનો સ્વીકાર કરશે નહીં. કોંગ્રેસ સાથે રહેવાથી ‘રાજકીય ભિખારીઓ પેદા થશે અને ‘દલિત શક્તિ’ સર્જનની બાબત ગૌણ બની જશે જેનાં પરિણામે છેવટે વિભાજન થઈ જશે તેમજ પદદલિતોને પારવાર નુકસાન થશે.’
આમ કોંગ્રેસમાં જવું નથી. જાતિવાદી પક્ષો જોડે ફાવતું નથી અને સામ્યવાદીનો સંગાથ રૂચિકર લાગતો નથી. વળી, સમાજવાદ તો જોઈએ જ. તેઓ કહેતાં કે, ‘કોઈપણ સમાજ કે રાષ્ટ્ર અસમાનતાના પાયા ઉપર નભી શકે નહીં, વિકસી શકે નહીં.’ આ સંજોગોમાં તેમણે ભારતીય રાજકારણમાં એક નવીન પક્ષની વિરોધપક્ષની પરીકલ્પના કરી, તે હતો ‘ભારતીય રિપબ્લિકન પક્ષ.’ તેઓ સબળ વિરોધપક્ષ અને નિષ્પક્ષ પ્રામાણિક ચૂંટણી તંત્રને સંસદીય લોકતંત્રની બે ધરી તરીકે પિછાનતા હતાં. પ્રવર્તમાન રાજકારણની મીમાંસા કરતાં તેમણે કહ્યું હતું કે, ‘આજે દેશમાં એવી રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, ‘કોંગ્રેસ આ એક જ પક્ષને (સત્તાધારી પક્ષને) મુજરો કરવાની મનોવૃત્તિ લોકોમાં દૃઢ થતી જાય છે. આપણાં દેશમાં લોકશાહી છે, પરંતુ આ લોકશાહીને આપણી બુદ્ધિને સ્થગિત કરી દીધેલ છે. આપણાં હાથ-પગ એક જ પક્ષે જકડી લીધાં છે એનું મને ભારે દુઃખ છે. આ એક ભયંકર રોગ છે. આપણાં દુર્ભાગ્યની વાત એ છે કે આપણે ભારતીયો પરંપરાથી બુદ્ધિવાદી નથઈ. પરંતુ વધુ પડતાં શ્રધ્ધાવૃત્તિના લોકો છીએ. બહુમતીના કારણે રાજકીય પક્ષ ભ્રષ્ટ બને છે અને અમર્યાદિત બહુમતીથી તો સંપૂર્ણ ભ્રષ્ટ બને છે.’
‘આજે ભારતીય રાજકારણ કમ સે કમ હિંદુ ભૂમિકાનું આધ્યાત્મિકકરણ થવાને બદલે તેનું વ્યાપારીકરણ થઈ ગયું છે, તે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયુંછે. ઘણાં સંસ્કૃત સજ્જનો તો આ ‘ગંદવાડા’ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવાનો સાફ ઈન્કાર કરે છે. રાજકારણ એક પ્રકારની ‘ગટર વ્યવસ્થા’ બની ગયું છે જે અત્યંત અરૂચિકર તથા ગંદુ છે. (અત્યારે) વર્તમાન રાજકારણમાં રાજકારણી બનવું એટલે ગંદા નાળામાં કામ કરવા બરાબર છે. રાષ્ટ્ર તથા લોકશાહીના ભાવિ માટે આ ખતરો છે. રાષ્ટ્રને સમયસર તેમાંથી ઉગારવું જ રહ્યું.
સાંપ્રત રાજકારણની આ તાસીર જોતાં કોંગ્રેસનાં વિકલ્પે એક સશક્ત વિરોધ પક્ષની જરૂરિયાત તેમને જણાઈ હતી. લોકશાહીમાં ઓછામાં ઓછાં બે પક્ષો હોવા જ જોઈએ. આ બાબતે પણ તેમનું સ્પષ્ટ માનવું હતું કે, ‘એક પક્ષીય પદ્ધતિ લોકશાહીની મારક છે. ખરી રીતે તો એક પક્ષીય પદ્ધતિ એટલે લોકશાહીનો અસ્ત. રાજ્યતંત્ર ચલાવવા માટે પક્ષોની આવશ્યક્તા છે જ. પરંતુ સરકારને જુલ્મી રાજ્ય વહીવટથી દૂર રાખતાં બે પક્ષોની અતિ આવશ્યક્તા છે. બે પક્ષો હશે તો જ લોકશાહી સરકાર લોકશાહી તત્વાનુસાર ચાલશે. આ બે પક્ષો એટલે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ, વળી, જે પક્ષમાં સ્ત્રીઓ, મુસ્લિમો, પછાતવર્ગો અને પદદલિતોનું પ્રાબ્‌લય હશે તે જ પક્ષ દેશને સુખી કરી શકશે. જાતિવિહિન સમાજ સિવાય વર્ગવિહીન સમાજ શક્ય નથી.’
આ વિચારોના અમલ માટે તેમણે સુપ્રસિદ્ધ સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયા તથા રાજાજી જોડે પત્રવ્યવહાર, વિચાર-વિનિમય પણ કર્યો હતો, તેમજ લોકશાહીની પુષ્ટતા માટે તેમણે ભારતીય રિપબ્લિકન પક્ષની ઘોષણા પણ કરી હતી. જોકે, ‘તેઓ પ્રથમથી જ જાતિવાદી-મર્યાદિત પક્ષના કે સંસ્થાના હિમાયતી નહોતા.’ પરંતુ સમય અને સંજોગોએ ૧૯૪૨માં તેમને શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશનની સ્થાપના માટે મજબૂર કર્યા હતાં. સાંપ્રત સમયે તેઓ (હવે) શિડ્યુલ્ડ ફાસ્ટ ફેડરેશનને પણ વધુ સમય ચલાવવા માંગતાં નહોતાં. ભારતીય રિપબ્લિકન પક્ષની પરિકલ્પના આ પ્રમાણે હતી…કોઈપણ જાતિ, ધર્મ, લિંગ પ્રદેશનાં બાધ સિવાય ભારતનાં દરેક નાગરિક માટે આ પક્ષનાં દ્વાર ખુલ્લાં છે.
૧. સમતા, સવતંત્રતા, બંધુતાની ભાવનાનો વિકાસ
૨. જાતિ અને વર્ગવિહીન સમાજવાદી સમાજની પ્રસ્થાપના
૩. ભારતીય સંવિધાનનાં સાચા અર્થમાં અમલની ખાતરી
૪. મુઠ્ઠીભર લોકોનાં હાથમાંથી શાસન લઈને બહુજન સમાજને સોંપવું
૫. કિસાન-કામદાર, દલિતો, લઘુમતીઓ, શોષિતોની સરકાર
૬. ભૂમિહીન ખેડૂતોને જમીન તથા સામૂહિક સહકારી ખેતૂ
૭. ગ્રામોદ્વાર કુટીર ઉદ્યોગ, ગૃહઉદ્યોગને પ્રાધાન્ય
૮. ભારતીય કરમાળખામાં આમૂલ પરિવર્તનની પ્રક્રિયા
૯. ગંદી વસ્તીઓ ઝૂંપડપટ્ટીઓની જગ્યાએ સુઘઢ આરોગ્યપ્રદસ આવાસ
૧૦. ભારતીય સીમા સુરક્ષાની સક્ષમતા
અલબત્ત, પોતાની ઉપર્યુક્ત પરિકલ્પના પ્રમાણે રિપબ્લિકન પક્ષની પ્રસ્થાપના તેઓ તેમની હયાતીમાં વિધિસર કરી શક્યા નહોતા.
(સાભાર :- ડૉ. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહગ્રંથ-૧૬, પ્રકાશક :- ડૉ. આંબેડકર ફાઉન્ડેશન, કલ્યાણ મંત્રાલય, ન્યુ દિલ્હી અને રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃ્‌તતિ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ ૧૯૯૮)

Related posts

દાઉદ ઈબ્રાહિમ હજુ દૂર છે

aapnugujarat

૮૪ ટકા ભારતીય પાર્ટનરને પાસવર્ડ આપે છે : અહેવાલ

aapnugujarat

शिवसेना की भाजपा को ललकार : हिम्मत है तो आओ सामने

aapnugujarat

Leave a Comment

UA-96247877-1