એમસીડીની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ એએપીમાં સોપો પડી ગયો છે. પરિણામ આવવાની શરૂઆત થયા બાદ જ ભાજપની જીત પાકી થઇ ગઇ હતી. એએપીના પ્રધાન ગોપાલ રાયે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે અમે કારમી હારની સમીક્ષા કરીશુ. દિલ્હી સરકારના પ્રવકતા નાગેન્દ્ર શર્માએ ઇવીએમ પર ફરી પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે એક દશકમાં કોઇ ઝાડુ લગાવ્યા વિના જ ભારતીય જનતા પાર્ટી સ્વીપ કરી રહી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યુ હતુ કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે રાજીનામુ આપી દેવા તૈયારી રાખવી જાઇએ. ગોપાલ રાયે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે જે રીતે ભાજપને જીત મળી છે તે ઇવીએમની લહેરના કારણેજ શક્ય છે. મોદી લહેરના કારણે શક્ય નથી. સોનિયા વિહારથી ભાજપના સુષમા મિશ્રાની જીત થઇ હતી. સીલમપુરમાંથી બસપના ઉમેદવાર શકીલા બેગમની જીત થઇ હતી. તિલકનગર સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઇ હતી. આમ આદમી પાર્ટીના સભ્યો પ્રતિક્રિયા આપતા નજરે પડયા હતા પરંતુ મોટા ભાગના સભ્યો ઇવીએમ સામે જ પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. વર્ષ ૨૦૧૨માં મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ પૂર્વ દિલ્હી, ઉત્તર દિલ્હી કોર્પોરેશન અને દક્ષિણ દિલ્હી કોર્પોરેશનમાં વિભાજિત કરવામાં આવ્યા બાદથી ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. વર્ષ ૨૦૧૨માં ભાજપે ઉત્તર અને પૂર્વમાં બહુમતિ મેળવી હતી. જ્યારે દક્ષિણમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. કોંગ્રેસ પાર્ટી તમામ ત્રણેય જગ્યાએ પાછળ રહી હતી. એએપી એ વખતે મેદાનમાં ન હતી. હાલમાં ભાજપે મહારાષ્ટ્ર, ચંદીગઢ અને ઓરિસ્સામાં સ્થાનિક ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો હતો.જેથી તેની આશા વધી ગઇ હતી. ગોપાલ રાયે ભાજપ ઉપર એમસીડીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. સાથે સાથે કહ્યું હતું કે ૧૦ વર્ષમાં ભાજપે એમસીડીમાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે. લોકશાહી ઈવીએમથી ચાલશે તો બંધારણની સ્વતંત્રતા સામે ખતરો ઉભો થશે. ગોપાલ રાયની સાથે સાથે એએપીના નેતાઓની એકસમાન પ્રતિક્રિયા રહી છે.
આગળની પોસ્ટ