ભાજપે એમસીડીની ચૂંટણીમાં શાનદાર જીત મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો દોર શરૂ થઈ ગયો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં શાનદાર જીત બદલ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મહેનતના પરિણામ સ્વરૂપે આ સફળતા હાથ લાગી છે. કેજરીવાલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે દિલ્હીમાં કારમી હાર થયા બાદ પણ મુખ્યમંત્રી અહંકારમાં દેખાઈ રહ્યા છે. બીજી બાજુ અમિત શાહે કહ્યું હતું કે આ વિજય દેશની જનતામાં વડાપ્રધાન મોદીની ગરીબ કલ્યાણ યોજનાઓ અને સબ કા સાથ સબકા વિકાસની નીતિમાં દેખાઈ રહેલા અવિરત વિશ્વાસની જીત છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીની જનતાએ બહાનાબાજી અને આરોપબાજીની નીતિને ફગાવી દીધી છે. વડાપ્રધાનના નેતૃત્વવાળી વિકાસશીલ રાજનિતિમાં લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમિત શાહે અરવિંદ કેજરીવાલ સામે પરોક્ષ રીતે પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં જ્યારે ૨૦૧૫માં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી ત્યારે ઈવીએમ સામે કોઈ પ્રશ્નો ઉઠ્યા ન હતા. હવે ઈવીએમ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જીત અંગે લોકોનો આભાર માન્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે લોકોએ નકારાત્મક રાજનીતિને ફગાવી દીધી છે. ભાજપના મનોજ તિવારીએ કહ્યું હતું કે સુકમામાં બનેલા બનાવથી તમામ દેશના લોકો આઘાતમાં છે.
અમે આ જીતને તેમને સમર્પિત કરીએ છીએ. વડાપ્રધાન મોદીએ લોકોનો આભાર માનતા કહ્યું છે કે સબકા સાથ સબકા વિકાસની દિશામાં તેઓ આગળ વધશે.