દિલ્હીમાં એમસીડીની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ પાર્ટીમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય માકને નગર નિગમની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ દેખાવ બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને આજે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવાની ઓફર કરી હતી. માકને કહ્યું હતું કે તેઓ એક વર્ષ સુધી પાર્ટીમાં કોઈપણ હોદ્દાને સ્વીકારશે નહીં અને એક સામાન્ય કાર્યકરની જેમ પોતાના કર્તવ્યનું પાલન કરશે. અજય માકને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાઈ રહ્યા છે પરંતુ જેવી અપેક્ષા હતી તેવા પરિણામ મળી શક્યા નથી. તેમને વધારે સારા દેખાવની અપેક્ષા હતી. બીજી બાજુ વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને એઆઈસીસીના મહાસચિવ ગુરૂદાસ કામતે પણ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. અજય માકને પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર નિરાશા હાથ લાગી છે પરંતુ પાર્ટીના કાર્યકરો ફરીવાર તાકાત લગાવીને આગળ વધશે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમે સકારાત્મક મુદ્દાની સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અમે સંતુષ્ટ છીએ કે ચૂંટણીમાં યોગ્યા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. સંગઠનાત્મક નિમણૂંકોમાં દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે અઢી વર્ષના ગાળા દરમ્યાન તેમને સંપૂર્ણ સ્વતંત્રતા મળેલી હતી. તેમની ટિપ્પણી એવા સમયમાં આવી રહી છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતે કહ્યું છે કે અજય માકન લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે દિલ્હી કોંગ્રેસ પ્રમુખનું સ્થાનિક નેતૃત્વ નબળુ રહ્યું હતું. માકને પણ ઈવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ચૂંટણી પંચને ઈવીએમના મુદ્દામાં તપાસ કરવાની જરૂર છે. ઈવીએમ પર વિશ્વાસ કરી રહ્યા નથી ત્યારે ચૂંટણી પંચ ઉપર વિશ્વાસ કરવાની જરૂર છે. ચૂંટણીમાં હાર અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતે કહ્યું છે કે આનાથી પાર્ટી ખતમ થશે નહીં. ભાજપની જીતને શીલા દિક્ષિતે સત્તા વિરોધી લહેર તરીકે ગણાવી હતી. શીલા દિક્ષિતે કહ્યું હતું કે કોંગ્રેસને આક્રમક પ્રચાર કરવાની જરૂર હતી પરંતુ પ્રચાર આક્રમક રહ્યો ન હતો. ઈલેકટ્રોનિક વોટીંગ મશીન સાથે ચેડાંના આરોપ સંદર્ભે શીલા દિક્ષિતે કહ્યું હતું કે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને આ સંબંધમાં દુવિધા દુર કરવી જાઈએ. જાકે શીલા દિક્ષિતે કહ્યું હતું કે જે હારે છે તે કહે છે કે ઈવીએમ ખરાબ છે અને જે જીતે છે તે કહે છે કે ઈવીએમ ઠીક છે. હારના કારણ અંગે પૂછવામાં આવતા શીલા દિક્ષિતે કહ્યું હતું કે સમીક્ષા કરવામાં આવ્યા બાદ જ કારણ જાણી શકાશે. કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા રાશીદ આલવીએ કહ્યું હતું કે એમસીડી ચૂંટણીમાં ભાજપને જીત મળ્યા બાદ તે દિલ્હી સરકારને પાડવાના કાવતરા કરી શકે છે.