Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેપ કેસમાં રામ રહીમ દોષિત જાહેર : હિંસામાં ૩૦નાં મોત

ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમિત રામ રહીને બળાત્કારના કેસમાં અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. પંચકુલા અને આસપાસના વિસ્તારોમાં ભડકી ઉઠેલી હિંસામાં ૩૦ લોકોના મોત થઇ ગયા છે. પંચકુલાની ખાસ સીબીઆઈ કોર્ટે ડેરા વડા રામ રહીમને બળાત્કારમાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ તેમના સમર્થકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. પંચકુલામાં સેંકડો ગાડીઓને ફૂંકી મારવામાં આવી હતી. પત્રકારો ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. રામ રહીમના સંદર્ભમાં ચુકાદો આવ્યા બાદ દિલ્હી અને ઉત્તર પ્રદેશની સરહદો ઉપર એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. બીજી બાજુ હિંસા બેકાબૂ બન્યા બાદ અને ૩૦ લોકોના મોત થયા બાદ અનેક વિસ્તારોમાં સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી હતી. ભટિંડા, સંગરુર અને પટિયાલામાં સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી હતી. હરિયાણાના પંચકુલમાં પણ સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી હતી. હિંસા ફેલાયા બાદ સેનાની છ ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સિરસામાં પણ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે. કોર્ટ સંકુલની બહાર ડેરા સમર્થકોએ પત્રકારો ઉપર હુમલા કર્યા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓને આગ ચાંપી દીધી હતી. પંજાબમાં બે રેલ્વે સ્ટેશનો ઉપર પણ આગ ચાંપી દેવામાં આવી હતી. શિમલા હાઈવે ઉપર કારોને રોકીને તોડફોડ કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણામાં અનેક જગ્યાઓએ વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. સરકારી ભવનોમાં હિંસક દેખાવકારોએ આગ ચાંપી દીધી હતી. માનસા, ફિરોઝપુરમાં સંચારબંધી લાગૂ કરી દેવામાં આવી છે. દેખાવકારોને કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. ઉગ્ર દેખાવકારોના પથ્થરમારાના કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. પંચકુલા કોર્ટની બહાર ચારેબાજુ વ્યાપક હિંસા થઇ હતી. આ અગાઉ સિરસાથી પંચકુલા સુધીના ૨૫૦ કિલોમીટરના માર્ગ ઉપર તેમના સમર્થકો અને અનુયાયી લોકોએ પોલીસ અને વહીવટીતંત્રની તમામ વ્યવસ્થા છતાં તોફાનો કર્યા હતા. અનેક જગ્યાએ સમર્થક માર્ગો ઉપર ફેલાઈ ગયા હતા. લાકડી લઇને પણ ઘણી જગ્યાએ ઉભા રહ્યા હતા. આવી સ્થિતિમાં સમગ્ર પ્રદેશમાં કલમ ૧૪૪ બિલકુલ બિનઅસરકારક દેખાઈ હતી. પંજાબ અને હરિયાણામાં ભારે હિંસા ભડકી ઉઠી હતી. વાહનો ફૂંકી મારવામાં આવ્યા હતા. સાધ્વી પર બળાત્કારના મામલામાં દોષિત જાહેર થવામાં આવ્યા બાદ રામ રહીમને ૨૮મી ઓગસ્ટના દિવસે સજાની જાહેરાત કરવામાં આવશે. ચુકાદા બાદ પંજાબ અને હરિયાણામાં તેમના સમર્થકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. દિલ્હીમાં આનંદવિહાર ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી હતી. સૌથી વધારે અસરગ્રસ્ત પંચકુલામાં સેનાની તૈનાતી કરવામાં આવી છે. દિલ્હી, પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓએ શાંતિ જાળવી રાખવાની લોકોને અપીલ કરી છે. બાબા રામ રહીમના સમર્થકોએ લોનીમાં બસને આગ ચાંપી દીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, શાંતિ જાળવી રાખવાના પગલા લેવાઈ રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે, તોફાની તત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. પંચકુલામાં સૈનિકોની છ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. સામાન્ય લોકો ઉપર સૌથી માઠી અસર જોવા મળી હતી. દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવ્યા હતા. પંચકુલાના આવાસી વિસ્તારોમાં પણ સમર્થકો ઘુસી ગયા હતા. લુધિયાણામાં પણ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. હિંસાના કારણે સમગ્ર દેશ ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું.
ચુકાદાને લઇને કોઇ પણ હિંસા ન થાય તે માટે પણ પગલા લેવામાં આવ્યા હતા છતાં આજે વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. હિંસાની આશંકાને ધ્યાનમાં લઇને ગઇકાલે જ હરિયાણા અને પંજાબમાં હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. હરિયાણાની સરહદને સીલ કરી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળોને એલર્ટ રાખવામાં આવ્યા હતા. ઉત્તર રેલવેએ શુક્રવારના દિવસે પંજાબ તરફ જતી ૨૨ ટ્રેનોને રદ કરી દીધી હતી. ગઇકાલે ગૃહમંત્રાલયની તાકિદની બેઠક યોજાઈ હતી. દરમિયાન રામ રહીમે પણ ગઇકાલે ટિ્‌વટ કરીને સમર્થકોને અપીલ કરી છે કે, શાંતિ જાળવી રાખવામાં આવે પરંતુ તેમની અપીલની અસર દેખાઈ ન હતી અને વ્યાપક તોફાનો ભડકી ઉઠ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં રહેવાની સલાહ આપી હતી. સરકારે સ્થિતિને ધ્યાનમાં લઇને મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. સોશિયલ મિડિયાને પણ પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો હતો. ગુરમિત રામ રહીમના આશરે બે લાખ સમર્થકો પહેલાથી જ પંચકુલા અને બંને રાજ્યો તથા આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા હતા. ગઇકાલે ગુરુવારના દિવસે જ હરિયાણા રોડવેઝે ચંદીગઢ અને પંચકુલા વચ્ચેની બસો બંધ કરી દીધી હતી. ચંદીગઢથી ૪૫ કિલોમીટરના અંતરે સ્થિત અંબાલા શહેરમાં કોઇપણ પ્રકારની સરકારી, ખાનગી અને અન્ય વાહનોને મંજુરી અપાઈ ન હતી. પંજાબમાં પણ આવા જ પગલા લેવાયા આવ્યા હતા. ભટિંડા, ફરીદકોટ અને ફજિલકામાં સાવચેતીના પગલા લેવાયા હતા. ખુલ્લા પેટ્રોલ અને ડિઝલના વેચાણ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. હરિયાણામાં ત્રણ દિવસ સુધી સ્કૂલ કોલેજોને બંધ રાખવાનો આદેશ કરાયો હતો. બસની અવરજવર બંધ કરાઈ છે. અધિકારીઓની રજા રદ કરાઈ હતી. પંજાબ રોડવેઝને પણ બસ ન દોડાવવાની સૂચના અપાઈ હતી.

Related posts

સિટિઝનશીપ બિલ, ત્રિપલ તલાક બિલ અટવાઈ પડ્યા

aapnugujarat

બળાત્કાર કેસમાં નારાયણ સાંઇને આજીવન કેદ

aapnugujarat

कृषि बिल का विरोध करने वाले किसान नहीं बल्की पेशेवर प्रदर्शनकारी है : जितेंद्र सिंह

editor

Leave a Comment

UA-96247877-1