Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

કેન્ડી ટેસ્ટમાં ભારતનાં ૪૮૭ રન સામે લંકન ટીમ ૧૩૫માં તંબુ ભેગી : હાર્દિક પંડ્યાની શાનદાર સદી : કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી

કેન્ડીના મેદાન ખાતે રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ભારતના પ્રથમ દાવમાં ૪૮૭ રન ઓલઆઉટના જવાબમાં શ્રીલંકાની ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર ૧૩૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી જેથી તેને ફરી એકવાર ફોલોઓનની ફરજ પડી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે ૪૦ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન અને સામીએ બે-બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી ચાંદીમલે સૌથી વધુ ૪૮ રન બનાવ્યા હતા. નિયમિત ગાળામાં શ્રીલંકાએ વિકેટો ગુમાવી હતી. આજે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ બીજા દાવમાં પણ એક વિકેટ ગુમાવીને ૧૯ રન કર્યા હતા. શ્રીલંકા ઉપર ઇનિંગ્સની હારનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારતીય ટીમ સતત ત્રીજી ટેસ્ટ મેચ જીતવા માટે ઉત્સુક છે. આવતીકાલે ભારત આ સિદ્ધિ મેળવી લે તેમ પણ માનવામાં આવે છે. શ્રીલંકન બેટ્‌સમેનો હાલમાં ફોર્મમાં ચાલી રહ્યા નથી તે જોતા ભારતની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. અગાઉ ભારતીય ટીમ આજ ટેસ્ટ મેચના બીજા દિવસે ૪૮૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. પંડ્યાએ ૯૬ બોલમાં સદી કરી હતી. અન્ય ભારતીય બેટ્‌સમેનો આજે ફ્લોપ રહ્યા હતા. શ્રીલકા તરફથી સંદાકને સૌથી વધુ પાંચ વિકટ ઝડપી હતી. કોલંબોના સિંઘાલી સ્પોટ્‌ર્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકા ઉપર એક ઇનિંગ્સ અને ૫૩ રને ભારતે જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. દુનિયાની નંબર વન ટીમ ભારતે સતત આઠમી શ્રેણી જીતી છે. ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાની જમીન પર ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૦થી શ્રેણી ગુમાવી દીધા બાદથી ટીમ ઇન્ડિયાએ કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી. ગોલના મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે યજમાન શ્રીલંકા પર ૩૦૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની મહત્વપૂર્ણ લીડ પણ મેળવી લીધી હતી. મેચના ચોથા દિવસે જ ભારતે આ ટેસ્ટ પોતાના નામ પર કરી હતી. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૨૪૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇજાના કારણે બે બેટ્‌સમેન બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શક્યા ન હતા. ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી બાદ બન્ને ટીમો વચ્ચે પાંચ વનડે મેચો અને એક ટ્‌વેન્ટી મેચ રમાનાર છે. ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડી શાનાદાર દેખાવ કરવા માટે તૈયાર દેખાઇ રહ્યા છે. પ્રથમ ટેસ્ટમાં જ ભારત તરફથી ત્રણ ખેલાડીઓ સદી કરી હતી. જેમાં શિખર ધવન, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે. બીજી ટેસ્ટમાં પણ ભારત તરફી ચેતેશ્વર પુજારાએ સદી કરી હતી. રહણેએ પણ સદી કરી હતી. હવે ત્રીજી ટેસ્ટમાં ભારત તરફથી શિખર ઘવન અને હાર્દિક પંડ્યાએ સદી કરી છે. વર્ષ ૨૦૧૫ પહેલા વર્ષે ૨૦૧૦માં રમાયેલી ટેસ્ટ શ્રેણી ૧-૧થી ડ્રોમાં રહી હતી. આ શ્રેણીમાં મુરલીધરણે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૮૦૦ વિકેટની સિદ્ધી હાંસલ કરી હતી. આજે કેન્ડી ટેસ્ટના બીજા દિવસે કુલ ૧૫ વિકેટ પડી હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં બાકીની ચાર વિકેટ ગુમાવી હતી જ્યારે શ્રીલંકાએ ૧૦ વિકેટ અને બીજા દાવમાં એક વિકેટ ગુમાવી હતી.

Related posts

पीड़िता की कार को टक्कर मारने का मामला : कुलदीप सिंह सेंगर,भाई मनोज समेत अन्य पर हत्या का केस दर्ज

aapnugujarat

રોહિતને સૌથી નાના ફોર્મેટમાં કેપ્ટનશીપ સોંપવી જાેઈએ : પાનેસર

editor

ગૌત્તમ ગંભીર ભાજપમાં સામેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1