છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફ જવાનો ઉપર કરવામાં આવેલા ખતરનાક હુમલાના માસ્ટરમાઇન્ડ નક્સલી કમાન્ડર હિડમાને ગણવામાં આવે છે. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હિડમાએ સુકમામાં નક્સલી હુમલા માટેની વ્યૂહરચના ઘડી કાઢી હતી અને ૩૦૦ નક્સલીઓની સાથે મળીને આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ખુબ જ કુખ્યાત ગણાતા આ નક્સલી કમાન્ડર ઉપર ૨૫ લાખ રૂપિયાનું ઇનામ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો ઉપર કરવામાં આવેલા હુમલામાં તેની મુખ્ય ભૂમિકા રહી છે. સુકમામાં જંગરબુરા વિસ્તારમાં પલોડી ગામના નિવાસી હિડમાની વય ૨૫ વર્ષની છે. એમ કહેવામાં આવે છે કે, દક્ષિણી બસ્તરના સુકમા-બીજાપુર ક્ષેત્રમાં માઓવાદીઓના સુપ્રીમ કમાન્ડર તરીકે તેને ગણવામાં આવે છે. તે ખુબ જ સફળ રણનીતિકાર ઉપરાંત ફાઇટર તરીકે છે. ગેરિલ્લા હુમલા કરનાર નક્સલી બટાલિયનના કમાન્ડર તરીકે પણ તેની ગણતરી કરવામાં આવે છે. હિડમા પીપલ્સ લીબ્રેશન ગેરિલ્લા આર્મીના સેકન્ડ બટાલિયન કમાન્ડર તરીકે છે. પોલીસનું કહેવું છે કે, હિડમા હજુ પણ પોલીસના સકંજાથી દૂર છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા અનેક એન્કાઉન્ટરમાં તે ઘટનાસ્થળથી ફરાર થવામાં સફળ થઇ ચુક્યો છે. આ વર્ષે ૧૧મી માર્ચના દિવસે સુકમામાં સીઆરપીએફના જવાનો ઉપર કરવામાં આવેલા હુમલામાં હિડમાનો જ હાથ રહ્યો છે. આ હુમલામાં ૧૨ જવાન શહીદ થયા હતા. મે ૨૦૧૩માં જીરમખીણમાં કોંગ્રેસી નેતાઓના કાફલા ઉપર નક્સલી હુમલામાં પણ હિડમાનો હાથ હતો જેમાં ૨૭ કોંગ્રેસી નેતા સહિત ૩૨ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ૨૦૧૦માં ચિંતલનારમાં કરવામાં આવેલા છુપા હુમલામાં ૭૬ સીઆરપીએફ જવાનોના મોત થયા હતા. આ હુમલામાં પણ હિડમાનો હાથ રહ્યો હતો. તેને પકડી પાડવા માટે ઘણા ઓપરેશન ચાલ્યા છે જે નિષ્ફળ રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ