ભુજના કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ૧૯ વર્ષીય યુવતી સવારના ૫ઃ૦૦ થી ૫ઃ૩૦ વાગ્યાના અરસામાં ૫૦૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. યુવતીને ભુજ ફાયર વિભાગ તેમજ ૧૦૮ ઈમરજન્સી સર્વિસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ દ્વારા બોરવેલમાં કેમેરો મોકલીને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે યુવતીને ઓક્સિજન પણ પૂરુ પાડવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, સ્થાનિક રેસક્યુ દ્વારા કરાતી કામગીરીના ૧૨ વધુ કલાક પૂર્ણ થયાં છે.
સમગ્ર ઘટનાની જાણ થતા પશ્ચિમ કચ્છ એસપી પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે આ યુવતી બોરવેલમાં કેવી રીતે પડી તે એક મોટો સવાલ છે, જેને જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ યુવતીના રેસ્ક્યુ માટે ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઇ ચૂકી છે. ત્યારે બીએસએફના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જો કે, હજુ સુધી બોરવેલની અંદર પડેલી યુવતીની સ્થિતિ જાણી શકાય નથી.
જો કે, યુવતી સાથે વાડીમાં કામ કરતા ફાતિમાબાઈએ જણાવ્યું કે, યુવતીની હાલમાં જ સગાઈ થઈ હતી અને બંને યુવક યુવતી વચ્ચે કોઈ બાબતે ગત રાત્રે મનદુઃખ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી સવારના સમયે યુવતીએ બોરવેલમાં ઝંપલાવ્યું હોય તેવું બની શકે છે. ત્યારે યુવતીના ભાઈ લાલસિંહે જણાવ્યું કે, સવારના સમયે તેની દિકરી અને તેની બેન ઈન્દ્રા મીના સવારમાં શૌચ ક્રિયા માટે ગયા હતા. ત્યાં ફક્ત તેની દિકરી જ પરત આવી હતી. તેથી તેઓએ બહાર જઇને તપાસ કરી હતી. ત્યારે ૧૯ વર્ષની યુવતી ઈન્દ્રા બોરવેલની અંદરથી બચાવો બચાવોની બૂમો પાડી હતી.
ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બોરવેલની આસપાસ મોટા મોટા પથ્થરો રાખીને બોરવેલને ઢાંકી દેવામાં આવ્યો હતો. જેથી આ યુવતી બોરવેલમાં પડી કેવી રીતે તે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, ૧૯ વર્ષની યુવતી આ બોરવેલમાં પડી એ પણ આશ્વર્યજનક બાબત મનાઈ રહી છે. બોરવેલની અંદર હાલમાં ઓક્સિજન સપ્લાય મોકલી તેમજ કેમેરા દ્વારા હાલમાં પરિસ્થિતિ જાણવામાં આવી રહી છે. જોકે યુવતી કઈ રીતે બોરવેલ ની અંદર પડી તે યુવતીના રેસ્ક્યુ બાદ જ જાણી શકાશે.