બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય ૧૧ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.આઇસીટીએ જેમની સામે વોરંટ જારી કર્યું છે તેમાં ભૂતપૂર્વ આર્મી જનરલ અને ભૂતપૂર્વ પોલીસ વડાનો સમાવેશ થાય છે. આ લોકો પર ગુમ થવાના બનાવોમાં તેમની કથિત ભૂમિકા માટે કાર્યવાહી કરવામાં આવી છે. આઈસીટી દ્વારા હસીના સામે આ બીજું ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં સરકાર વિરોધી દેખાવો અને અવામી લીગ સરકારના પતન પછી હસીનાએ ભારતમાં આશરો લીધો હતો. ટ્રિબ્યુનલે હસીના સામે અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધ્યા છે.આઇસીટી અધિકારીએ જણાવ્યું હતું કે, “ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મજુમદારે ફરિયાદ પક્ષની અરજી સાંભળ્યા પછી ધરપકડ વોરંટ જારી કર્યું હતું.” પોલીસ મહાનિરીક્ષકને હસીના સહિત ૧૨ લોકોની ધરપકડ કરવા અને ૧૨ ફેબ્રુઆરીએ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તાજેતરમાં બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચાર વિરોધી સમિતિએ રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુએસ ઇં૫ બિલિયનની ઉચાપતના આરોપોના સંબંધમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમના પરિવાર સામે તપાસ શરૂ કરી છે. ભારતીય કંપનીઓ બાંગ્લાદેશમાં રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણમાં સામેલ છે. તેનું નિર્માણ રશિયન સરકારી કંપની ર્ઇજટ્ઠર્ંદ્બ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી પશ્ચિમમાં ૧૬૦ કિલોમીટર દૂર રૂપપુર ખાતે રશિયા દ્વારા ડિઝાઇન કરાયેલ પ્રથમ બાંગ્લાદેશી પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.
આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ અને મોહમ્મદ યુનુસ દેશના મુખ્ય સલાહકાર બન્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખાસ કરીને હિંદુ અલ્પસંખ્યકો પર વધી રહેલા હુમલાઓને કારણે ખટાશ આવ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે હસીનાના પ્રત્યાર્પણનું વચન આપ્યું છે અને આ બાબતે ભારતને રાજદ્વારી નોંધ પણ મોકલી છે. હસીના ઓગસ્ટ મહિનાથી ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાનમાં રહી રહી છે.