Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં ન્યૂ યર સેલિબ્રેટ કરતાં લોકો પર ટ્રક દ્વારા અટેક, 10નાં મોત

અમેરિકાના ન્યૂ ઓર્લિન્સમાં ન્યૂ યરના દિવસે જ વહેલી સવારે સવા ત્રણ વાગ્યે બનેલી એક ભયાનક ઘટનામાં નવા વર્ષનું સેલિબ્રેશન કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી દઈ કથિત આતંકવાદી હુમલો કરતાા દસ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલો થયો તે વખતે ક્રાઈમ સીન પર પોલીસનો બંદોબસ્ત હતો અને અટેક થતાં જ હરકતમાં આવેલી પોલીસે કરેલા ફાયરિંગમાં અટેકરનું મોત થયું હોવાનું ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. જોકે, હુમલાખોરની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી.

આ ઘટના અંગે પ્રેસિડેન્ટ જો બાઈડનને પણ માહિતગાર કરવામાં આવ્યા હોવાનું વ્હાઈટ હાઉસ દ્વારા જણાવાયું હતું. પ્રારંભિક માહિતી અનુસાર ન્યૂ ઓર્લિન્સના પોલીસ સુપ્રિટેન્ડન્ટે અટેક કરનારા ડ્રાઈવરે જાણીજોઈને ટોળાં પર ટ્રક ચઢાવી દીધી હોવાનો દાવો કર્યો હતો, તેમણે કહ્યું હતું કે ફુલ સ્પીડે ટ્રક ચલાવી રહેલા ડ્રાઈવરનો ઉદ્દેશ બને તેટલા લોકોને અડફેટે લેવાનો હતો.

CNNના રિપોર્ટ અનુસાર ન્યૂ ઓર્લિન્સના મેયરે આ ઘટનાને ટેરર અટેક ગણાવી હતી પરંતુ તેની તપાસ શરૂ કરનારી FBIએ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી, જોકે આ હુમલો ટેરર અટેક હોવાની શક્યતાને નકારવામાં પણ નથી આવી. આ અટેક ન્યૂ ઓર્લિન્સના ફ્રેન્ચ ક્વાર્ટર એરિયામાં આવેલા કેનાલ અને બોરબોન સ્ટ્રીટના ઈન્ટરસેક્શનમાં થયો હતો.

આ એરિયા ન્યૂ ઓર્લિન્સનો મોસ્ટ ક્રાઉડેડ એરિયા કહેવાય છે અને તે શહેરનું એક મહત્વનું ટુરિસ્ટ અટ્રેક્શન પણ છે. દુનિયાના જે સ્થળો ન્યૂયર પાર્ટી માટે વિખ્યાત છે તેમાં ન્યૂ ઓર્લિન્સની બોરબોન સ્ટ્રીટનો પણ સમાવેશ થાય છે.

ન્યૂ યર પર જ થયેલા આ અટેકમાં 10 લોકોના મોત સાથે ત્રીસેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે અને મૃત્યુઆંક વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે. જે લોકો ઘાયલ થયા છે તેમને હાલ અલગ-અલગ પાંચ હોસ્પિટલ્સમાં એડમિટ કરવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે અકસ્માત કરનારા પિક-અપ ટ્રક ચાલકે ગોળીબાર પણ કર્યો હતો જેમાં બે પોલીસ ઓફિસર્સ ઘવાયા હતા.

આ ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિના જણાવ્યા અનુસાર તે બોરબોન સ્ટ્રીટમાં આવેલા નાઈટક્લબમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે એક ટ્રક લોકો પર ફરી વળતી દેખાઈ હતી, જ્યારે અન્ય એક વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે બોરબોન સ્ટ્રીટના સાઈડવોક પર ડાબી તરફ ઉભેલા લોકોને ટ્રકે ઉડાવ્યા હતા અને કેટલાક લોકો તો હવામાં ફુટબોલની જેમ ફંગોળાઈને રસ્તા પર પછડાયા હતા અને ત્યારબાદ ફાયરિંગ થયાનો અવાજ પણ સંભળાયો હતો. અકસ્માત થયો તે વખતે પોલીસ પણ ત્યાં હાજર હતી અને લોકોને સ્પોટ પરથી બને તેટલું જલ્દી નીકળી જવા માટે જણાવવામાં આવ્યું હતું.

ન્યૂ યર હોવાના કારણે ન્યૂ ઓર્લિન્સમાં ઠેર-ઠેર લોકો ઉમટ્યા હતા, અને એક ઓપન એર કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાંય બોરબોન સ્ટ્રીટમાં LGBTQ પાર્ટીઝ ચાલી રહી હતી અને સાંજે જ હાઈ પ્રોફાઈલ કોલેજ ફુટબોલ મેચ થવાની હોવાથી અમેરિકાના અલગ-અલગ સ્થળોએથી લોકો આ મેચ જોવા પણ ન્યૂ ઓર્લિયન્સ પહોંચ્યા હતા.

જોકે, ન્યૂ ઓર્લિન્સના પોલીસ વડાએ એવો દાવો કર્યો હતો કે જે લોકોના મોત થયા છે કે પછી જે લોકો ઘાયલ થયા છે તેમાંના મોટાભાગનાં લોકલ્સ હોવાની શક્યતા છે અને મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે. તો બીજી તરફ, જે ટ્રકથી લોકોને ઉડાવાયા હતા તેમાંથી FBIને કેટલાક વિસ્ફોટક પદાર્થો મળ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, પરંતુ તપાસ ચાલુ હોવાથી હાલ FBI દ્વારા તેના વિશે કોઈ સત્તાવાર માહિતી નથી અપાઈ. પોલીસે હાલ લોકોને બોરબોન સ્ટ્રીટથી દૂર રહેવા માટે પણ સલાહ આપી છે અને અટેક માટે વપરાયેલી ટ્રકની પણ તપાસ ચાલુ છે.

Related posts

5.3 magnitude earthquake lashes off the coast of Japan

aapnugujarat

યુએસ કેટલીક કેટેગરીમાં એચ-૧બી વિઝાની અરજીની પ્રક્રિયામાં ઝડપ લાવશે

aapnugujarat

इराक में सरकार विरोधी प्रदर्शन : 9 लोगों की मौत

aapnugujarat
UA-96247877-1