અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષે ભારતની મુલાકાતે આવી શકે છે. જાણીતા આંતરરાષ્ટ્રીય બેંકર અને રાજકીય વ્યૂહરચનાકાર અંશુમાન મિશ્રાએ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું, તેઓ ચૂંટણીના દિવસોમાં ટ્રમ્પ અને તેના પરિવાર સાથે ફ્લોરિડા સ્થિત રિસોર્ટમાં હતા. તેમણે કહ્યું કે, ટ્રમ્પે જીતની ખુશી માટે તેમને સહ પરિવાર બોલાવ્યા હતા.
મિશ્રાએ દાવો કર્યો કે, ટ્રમ્પ પીએમ મોદીની ભારતમાં ચૂંટણી રેલીઓથી ઘણા પ્રભાવિત છે. ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભીડ એક્ત્ર કરવાની ક્ષમતાથી ઘણા પ્રભાવિત છે. ટ્રમ્પે તેમને કહ્યું કે, હું વિચારતો હતો કે મોટી રેલીઓ કરું છું. પછી હું અમદાવાદમાં ગયો અને તમારા નેતાએ મને અસલી ભીડ બતાવી. હ્યુસ્ટનમાં હાઉડી મોદીનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે કહ્યું કે, જે રીતે તમે લોકો રેલીઓ કરો છો અમે ક્યારેય સપનામાં આવું વિચારી પણ શકતા નથી.
ટ્રમ્પ અને મોદીના સંબંધ ઘણા સારા છે. પરંતુ ટ્રમ્પ અમેરિકન હિતોને પ્રાથમિકતા આપવા તૈયાર છે. જેમાં વ્યાપાર શુલ્ક લગાવવાની સંભાવના પણ સામેલ છે, ભલે તેનાથી સહયોગી દેશોને નુકસાન થાય. ચૂંટણી પ્રચાર દરમાયન તેમણે તમામ આયાત પર 20 ટકા ટેક્સ અને ચાઇનીઝ વસ્ત્રો પર 60 ટકા કર લગાવવાનો વાયદો કર્યો હતો.
ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટ લઇને ખરેખર ગંભીર છે, તેઓ સમજે છે કે અમેરિકા મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો એક સુવર્ણ સમય તરીકે નોંધાઈ શકે છે. ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો મજબૂત તાલમેલ આ સંબંધને મજબૂત કરવામાં એક મહત્વની ભૂમિકા નીભાવશે.